Get The App

સાબરમતી જેલમાં ધકેલી દીધેલો લોરેન્સ બિશ્નોઈ મુંબઈમાં હત્યા કરાવે, આવું કેવી રીતે બની શકે?

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
સાબરમતી જેલમાં ધકેલી દીધેલો લોરેન્સ બિશ્નોઈ મુંબઈમાં હત્યા કરાવે, આવું કેવી રીતે બની શકે? 1 - image


Lawrence Bishnoi Sabarmati Jail: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અજિત પવારની એનસીપીના નેતા તથા બોલીવૂડના અનેક સ્ટાર્સના અંગત મિત્ર બાબા સિદ્દિકીની હત્યા કરાવી હોવાનો દાવો લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા કરવામાં આવ્યો છે. ગેંગ દ્વારા દાવો કરાયો છે પણ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અમદાવાદની સાબરમતી જેલમાં છે. પ્રજાજનોમાં સરળ અને સ્વાભાવિક સવાલ એવો થાય છે કે, સાબરમતી જેલમાં રહેલો લોરેન્સ બિશ્નોઈ મુંબઈમાં હત્યા કરાવે એવું કઈ રીતે બને? 

મુંબઈ પોલીસ તપાસ અર્થે આવે તેવી સંભાવના

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાબરમતી જેલમાં ચકલું પણ ફરકી શકે તેવા હાઇ સિક્યુરિટી સેલમાં છે. નોંધપાત્ર બાબત એ પણ છે કે, અગાઉ સલમાનખાનના ઘરની રેકી, ધમકીભર્યા મેસેજ સહિતની ત્રણ ઘટનામાં લોરેન્સનું નામ ખુલ્યું છે છતાં મુંબઈ પોલીસ લોરેન્સની તપાસ માટે અમદાવાદની સાબરમતી જેલમાં તપાસાર્થે આવી નથી. હત્યા પછી મુંબઈ પોલીસ આવે તેવી સંભાવના જોવાઈ રહી છે.

આ પણ વાંચો: NCP નેતા બાબા સિદ્દિકીની હત્યા લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા કરાઇ, સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો

700થી વધુ શૂટર્સ હોવાની પોલીસ પાસે વિગતો

અમદાવાદની સાબરમતી જેલમાં બેઠાં બેઠાં લોરેન્સ બિશ્નોઈ પોતાની ગેંગનું નેટવર્ક ચલાવતો હોવાની ચર્ચા મુંબઈમાં બાબા સિદ્દિકીની હત્યા પછી વેગવાન બની છે. 1993માં પંજાબમાં જન્મેલા અને પોલીસ કોન્સ્ટેબલના પુત્ર લોરેન્સ બિશ્નોઈએ પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન ગુનાખોરીમાં કદમ માંડ્યા હતા. ગોલ્ડી બ્રારને મળ્યા પછી ગુનાખોરીની દુનિયામાં આંતરરાષ્ટ્રીય સ્તર સુધી ચર્ચાસ્પદ બનેલો લોરેન્સ બિશ્નોઈ સાબરમતી જેલમાં છે તો મુંબઈમાં હત્યા કરાવે તેવું કઈ રીતે બની શકે તે સૌથી મોટો સવાલ છે. દોઢ વર્ષ કરતાં વધુ સમયથી સાબરમતી જેલમાં રહેલા લોરેન્સ બિશ્નોઈની ગેંગનું સંચાલન તેનો ભાઈ અનમોલ, ગોલ્ડી બ્રાર અને રોહીત ગોદારા કરે છે અને 700થી વધુ શૂટર્સ હોવાની વિગતો પોલીસ પાસે છે.

જેલમાં લોરેન્સ બિશ્નોઈ પોતાના મોબાઇલનો ઉપયોગ કરે છે

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાબરમતી જેલના એવા હાઇસિક્યુરિટી ઝોનમાં છે કે જ્યાં ચકલું પણ ફરકી ન શકે. જો કે, એવું કહેવાય છે કે સાબરમતી જેલ હોય કે દિલ્હીની તિહાર જેલ... લોરેન્સ બિશ્નોઈ પોતાના મોબાઇલનો ઉપયોગ કરે છે. સિગ્નલ, ટેલિગ્રામ સહિતની ઍપ્લિકેશનના ઉપયોગ થકી લોરેન્સ બિશ્નોઈ ભારત અને વિશ્વમાં વ્યાપ્ત તેના નેટવર્કનું સંચાલન કરતો રહે છે તેવું સુરક્ષા એજન્સીઓ સાથે સંકળાયેલાં સૂત્રો કહે છે. 

આ પણ વાંચો:  સલમાન ખાન જ નહીં પણ આ જાણીતો સ્ટેન્ડઅપ કોમેડિયન પણ બિશ્નોઈ ગેંગની હિટલિસ્ટમાં?

લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ત્રણ ફરિયાદ નોંધાઇ

અમદાવાદ પોલીસ અને જેણે તંત્ર સૂત્રોમાં ચર્ચા અનુસાર, થોડા સમય પહેલાં લોરેન્સ બિશ્નોઈ જેનો ઉપયોગ કરતો હતો તે ફોન જેલના વડાની જડતી સ્કવોડના ચેકીંગ દરમિયાન પકડાયો હતો. જો કે, આ પછી કલાકોમાં જ લોરેન્સ બિશ્નોઈએ બીજા ફોનનો ઉપયોગ શરુ કરી દીધો હતો તેવી જેલ સૂત્રોમાં ચર્ચા છે. સૌથી મહત્ત્વની બાબત એ પણ છે કે, લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાંથી બહાર કાઢવા ઉપર સીઆરપીસી 298 અંતર્ગત પ્રતિબંધ છે. બાબા સિદ્દિકીની હત્યા અગાઉ સલમાનખાનના ઘરની રેકી, ફોન ઉપર ધમકી સહિતની ત્રણ ફરિયાદો લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે નોંધાઈ ચૂકી છે.

અત્યાર સુધી તો મુંબઈ પોલીસની ટીમે અમદાવાદની સાબરમતી જેલમાં લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ માટે આવી નથી, પરંતુ, મહારાષ્ટ્રના કદાવર નેતાની હત્યાની ઘટના બાદ મુંબઈ પોલીસની ટીમે સાબરમતી જેલમાં લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરશે તે નિશ્વિત મનાય છે. જો કે, બજુ સુધી આવી કોઈ સૂચના આવી નહીં હોવાનું જેલ સૂત્રો કહે છે. બીજી તરફ, લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાં મળવા આવેલા લોકોમાંથી જશાન નામ કોઈ કારણસર ગુજરાત જેલના સૂત્રોમાં ચર્ચાતું થયું છે. 


Google NewsGoogle News