અમદાવાદમાં બંધ ફ્લેટમાંથી 100 કિલો સોનું ઝડપાયું, કુલ 400 કિલો અને 50 કરોડ રોકડ હોવાની ચર્ચા
Ahmedabad News: અમદાવાદ શહેરમાં એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ છે. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાંથી DRI અને ATS દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા. આ ફ્લેટમાંથી એજન્સીઓએ 100 કિલો સોનું અને કરોડોની રોકડ જપ્ત કરી છે. આ અંગે એજન્સીઓ અને પોલીસને બાતમી મળતા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સમગ્ર મામલે શેરબજારના વર્તુળોમાં થઈ રહેલી ચર્ચા અનુસાર, જે રીતે બપોરથી મોડી રાત સુધી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે તે જોતાં કુલ 400 કિલો સોનું હોવાની વાત ચાલી રહી છે. આ સાથે રોકડનો આંકડો 50 કરોડથી વધુ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
100 કિલો સોનું અને કરોડોની રોકડ ઝડપાઈ
ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સ (DRI) અને ગુજરાત ATSના અધિકારીઓએ સોમવારે મેગા ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદ શહેરના પાલડી ખાતે મહાલક્ષમી ચાર રસ્તા પાસે આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 104માં દરોડા પાડ્યા હતા. જેમાં શેરબજારમાં ઓપરેટર તરીકે કામ કરતા મહેન્દ્ર શાહ અને તેના દીકરા મેઘ શાહે ભાડે રાખેલા ફ્લેટમાંથી 100 કિલો સોનું અને એક કરોડથી વધુની રોકડ જપ્ત કરતા ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક તપાસમાં ડબ્બા ટ્રેડીંગના કાળા નાણાંનું ગેરકાયદે રોકાણ ગોલ્ડમાં કરવામાં આવતું હતું તેવું જાણવા મળ્યું છે. ત્યારે ડીઆરઆઇ અને એટીએસના 35થી વધુ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં વધુ રોકડ અને ગોલ્ડ મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાત ATSના અધિકારીઓને બાતમી મળી હતી કે પાલડીમાં રહેતા મહેન્દ્ર શાહ અને તેનો પુત્ર મેઘ શાહ શેરબજારમાં ઓપરેટરના કામની આડમાં મોટા પ્રમાણમાં ડબ્બા ટ્રેડિંગ કરે છે. તેઓ પાલડી મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ ભાડે રાખીને ત્યાં રોકડ તેમજ મોટા પ્રમાણમાં સોનું છુપાવવામાં આવ્યું છે. જે બાતમીને આધારે DRIને જાણ કરવામાં આવી હતી. સોમવારે બપોરે દરોડા પાડ્યા હતો. જેમાં ફ્લેટ નંબર 104 બંધ હોવાથી અધિકારીઓએ મેઘ શાહને બોલાવ્યા હતા. પણ તે હાજર ન હોવાથી ATS દ્વારા તેમના વકીલનો સંપર્ક કરીને ચાવી મંગાવીને વીડિયોગ્રાફી સાથે ફ્લેટ ખોલીને તપાસ શરૂ કરી હતી. જેમાં 95.5 કિલો જેટલા સોનાના બાર મળી આવ્યા હતા. આ ઉપરાંત, મોટા પ્રમાણમાં સોના દાગીના અને કરોડો રૂપિયાની મોંઘી ઘડિયાળ જેવી વસ્તુઓ મળી આવી આવી હતી.
સાથેસાથે તિજોરીમાં છુપાવેલી કરોડોની રોકડ મળી આવી હતી. જેની ગણતરી કરવા માટે તેમજ સોનું તપાસવા માટે વિશેષ ટીમની મદદ લેવામાં આવી હતી. ત્યારે આ તમામ મુદ્દામાલ જપ્ત કરીને અધિકારીઓએ વધુ તપાસ શરૂ કરી છે. જેમાં બીટકોઇન અને હવાલા દ્વારા પણ કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન થયાની વિગતો પણ મળી છે.
પરિવાર મૂળ વાવ-થરાદનો
જણાવી દઈએ કે, મૂળ ગુજરાતના વાવ-થરાદ નજીકના જેતરડા ગામના રહેવાસી મેઘ શાહ મુંબઈના શેરબજાર વર્તુળોમાં એક અગ્રણી વ્યક્તિ છે. અહેવાલો સૂચવે છે કે તપાસ હેઠળનો ફ્લેટ છેલ્લા ત્રણ મહિનાથી ભાડે આપવામાં આવ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અધિકારીઓએ પહેલા મેઘ શાહની બહેન પમ્મી શાહના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા, જે તે જ બિલ્ડિંગના ફ્લેટ નંબર 403માં રહે છે. ત્યારબાદ, અધિકારીઓએ ફ્લેટ નંબર 104માં ફરી એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું.
નાણાં ગણવા માટે આઠ મશીન અને છ જેટલા વજન કાંટા લાવવા પડ્યા
DRI અને ATSના અધિકારીઓએ જપ્ત કરેલી રોકડને ગણવા માટે આઠ જેટલા મશીન અને સોનાના દાગીના તેમજ ગોલ્ડ બારના ચોક્કસ વજનની માપણી કરવા માટે છ જેટલા વજન કાંટા પણ મંગાવવામાં આવ્યા હતા. આમ, નાણાં ગણવાની તેમજ સોનાની ચોક્કસ કિંમત જાણવા માટેની કલાકો સુધી કામગીરી ચાલી.
રોકડ અને સોનાનો આંક હજુ વધી શકે છે
DRI અને ATSના સુત્રોના જણાવ્યા મુજબ, મહેન્દ્ર શાહે ભાડે રાખેલા ફ્લેટમાંથી ઓપરેશન દરમિયાન સોનાનો આંકડો 200 કિલો સુધી પહોંચે તેવી શક્યતા છે. જ્યારે રોકડનો આંક 10 કરોડથી વધી શકે છે. જણાવી દઈએ કે, હાલમાં જપ્ત કરાયેલું સોનું અને રોકડને ખાસ ખાના બનાવીને છુપાવવામાં આવ્યું હતું. હાલ વિશેષ ટીમ દ્વારા ચોક્કસ ગણતરી પૂર્ણ થયા બાદ જપ્ત કરાયેલા સોના અને રોકડનો આંક બહાર આવી શકે તેમ છે.
ફ્લેટમાં શંકાસ્પદ લોકોની અવરજવર વધતા ATSને મળી માહિતી
મહેન્દ્ર શાહે કલ્યાણીબેન શેઠ નામની મહિલાનો ફ્લેટ છેલ્લાં ત્રણ વર્ષથી ભાડે રાખ્યો હતો. જો કે આ ફ્લેટમાં કોઇ રહેવા માટે આવ્યું નહોતુ. પરંતુ, અજાણ્યા લોકોની અવરજવર સતત રહેતી હતી અને રાતના સમયે આવતા વાહનોમાં થેલામાં શંકાસ્પદ ચીજવસ્તુઓ લાવવામાં આવતી હતી. જેથી સ્થાનિક લોકોને અગાઉથી શંકા હતી. ત્યારે આ અંગે કોઇએ ગુજરાત ATSને માહિતી આપી હતી. જેના આધારે છેલ્લાં એક સપ્તાહથી રેકી કરવામાં આવી હતી. જેમાં ચોક્કસ માહિતી સામે આવતા જ સોમવારે દરોડો પાડવામાં આવ્યો હતો.
જપ્ત કરાયેલું મોટાભાગનું સોનું એક વર્ષના સમયગાળામાં ખરીદાયું!
એક સાથે 100 kgથી વધારે સોનું મળી આવતા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં સોનાનો તમામ જથ્થો છેલ્લાં એક વર્ષના સમયગાળાનો હોવાની માહિતી એજન્સીઓના અધિકારીઓને જાણવા મળી છે. આ ઉપરાંત, કરોડો રૂપિયાના આર્થિક વ્યવહાર અત્યાર સુધીમાં કરવામાં આવ્યાની કેટલીક એન્ટ્રીઓ પણ મળી છે. જે તપાસમાં મહત્ત્વની કડી બની રહેશે.
મહેન્દ્ર શાહ ડબ્બા ટ્રેડિંગ અને ફાઇનાન્સના ક્ષેત્રનો સૌથી મોટો માસ્ટર માઇન્ડ
સુત્રોના જણાવ્યા મુજબ, મહેન્દ્ર શાહ શેરબજારમાં ઓપરેટરના ધંધાની આડમાં અમદાવાદ તેમજ ગુજરાતના અન્ય શહેરોમાં ડબ્બા ટ્રેડિંગનો અને બિલ્ડરોને નાણાં ધિરાણ કરવાનો ગેરકાયદે ધંધો કરતો હતો. તેની સાથે મેઘ શાહ પણ સક્રિય રહેતો હતો. એજન્સીના અધિકારીઓને સ્થળ પરથી કેટલીક એન્ટ્રી ધરાવતી બુક્સ મળી આવી છે. જેમાં તે કાળા નાણાં કાયદેસર કરવા માટે ચોક્કસ કમિશન પર પણ કામ કરતા હતા. ત્યારે તપાસમાં અનેક મોટા માથાના નામ બહાર આવે તેવી શક્યતા છે.
શેરના ભાવમાં ગેરકાયદે રીતે ઉછાળો લાવી કૌભાંડ
મળતી માહિતી પ્રમાણે, શેરબજાર ઓપરેટર મેઘ શાહ અને તેના સાગરિતો ખોખા કંપનીઓના શેરના ભાવમાં ઉછાળો લાવીને કરોડો રૂપિયા ઘર ભેગા કરતા હતા. આ લોકોએ કાળું નાણું સોનામાં ફેરવ્યું હોવાની માહિતી મળી હતી.