રાણીપમાં મકાન માલિકે ભાડુઆતને માથામાં છરી મારી, ઘરે તાળુ મારી પરિવારને રસ્તે રઝળતો કર્યો, પોલીસ મૂકદર્શક બની!
Law and order in Ahmedabad : અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા સતત ખાડે જઈ રહ્યા છે અને પોલીસ તંત્ર માત્ર વાતો અને વાયદા કરવામાં જ વ્યસ્ત છે. શહેરમાં ગુંડા તત્ત્વો બેફામ ગાડીઓ હંકારે છે, હાઈવે અને રસ્તા ઉપર સ્ટંટ કરે છે, તલવારો લઈને સામાન્ય નાગરીકોને ડરાવે છે પણ તેમને પકડવાની જગ્યાએ શહેરની પોલીસ લાઈસન્સ અને પીયુસીના ચેકિંગની ડ્રાઈવ કરીને સામાન્ય લોકોને રંજાડી રહી છે. તાજેતરમાં રાણીપ ખાતે એક મકાન માલિકે ભાડુઆતને માથામાં છરી મારી દીધી, ઘરને તાળું મારી દીધું અને ભાડુઆત પરિવારને રસ્તે રઝળતો કરી દીધો છતાં પોલીસ તેને ન્યાય અપાવી શકતી નથી.
રાણીપમાં મકાનમાલિકે ભાડુઆતના માથામાં છરી મારી છતાં પોલીસે યોગ્ય પગલાં લીધા નહીં
રાણીપમાં 10 જાન્યુઆરીએ બલોલનગર પાસે આવેલી હરસિદ્ધપાર્ક સોસાયટીમાં રાત્રે 10 વાગ્યાના સુમારે મકાન માલિક વિષ્ણુ પટેલ તેમનો દીકરો કૃણાલ પટેલ તથા મકાન માલિકની દીકરીએ ભાડુઆત જિગ્નેશ પટેલ ઉપર હુમલો કરી દીધો. ભાડા માટે બંને વચ્ચે તકરાર ચાલતી હતી પણ આ દરમિયાન વિષ્ણુ પટેલ અને કૃણાલ પટેલે રાત્રે ઘરમાં ઘુસીને જિગ્નેશ પટેલ સાથે મારપીટ શરૂ કરી દીધી. કૃણાલ પટેલે જિગ્નેશભાઈના માથામાં ધારદાર ચપ્પાથી હુમલો કર્યો. આ ઉપરાંત વિષ્ણુ પટેલે જિગ્નેશભાઈની 11 વર્ષની દીકરીની છાતી પર મુક્કા મારી અને વાળ પકડીને આખા ઘરમાં ઢસડી. જિગ્નેશભાઈના પત્નીની સાથે મારઝૂડ કરી. આ કેસમાં પોલીસે બીજા દિવસે ગુનો નોંધીને વિષ્ણુ પટેલ તથા તેમના દીકરાને પોલીસ સ્ટેશન બોલાવ્યા અને સામાન્ય ઘટના ગણાવીને સાંજે જામીન ઉપર છોડી દીધા.
વિષ્ણુ પટેલે એક તાળા ઉપર બીજું તાળું મરી દીધું
પોલીસે જામીન ઉપર છોડતાના સાથે જ મકાનમાલિક વિષ્ણુ પટેલે ભાડુઆત જિગ્નેશ પટેલના પરિવારને ઘરની બહાર કાઢી મુક્યો. જિગ્નેશ પટેલનો પરીવાર બહાર હોવાથી ઘરને તાળું હતું તેના ઉપર વિષ્ણુ પટેલે બીજું તાળું મારી દીધું. તે હવે ઘરનો સામાન પણ લેવા દેતા નથી અને ભાડા બાબતે પણ જિગ્નેશભાઈ કે તેના પરિવાર સાથે ચર્ચા કરવા તૈયાર નથી. જિગ્નેશ ભાઈએ જણાવ્યું કે, મારે 18000 ભાડું ચુકવવાનું હતું અને 20000 ડિપોઝિટ જમા હતી તો બધું સરભર કરીને ઉત્તરાયણે ઘર ખાલી કરવાનું હતું પણ તે પહેલાં જ વિષ્ણુ પટેલ અને તેના પરિવારે મારપીટ કરીને બધું જ લઈ લીધું. તેઓ દસ દિવસથી રસ્તે રઝળી રહ્યા છે. વિષ્ણુ પટેલ કહે છે કે, મારે તમારી પાસેથી ઘણા પૈસા લેવાના બાકી નીકળે છે પણ તેઓ મળવા કે વાત કરવા તૈયાર નથી. સોસાયટીના સભ્યોએ સમજાવટ કરી છતાં તેઓ માનતા નથી અને જિગ્નેશભાઈનો પરિવાર રઝળી રહ્યો છે.
અમે ઓફિશિયલી કશું જ કરી શકીએ તેમ નથી : પોલીસનું રટણ
જિગ્નેશ પટેલ અને તેનો પરિવાર ઘરવખરી મેળવવા માટે પોલીસ પાસે ગયો પણ રાણીપ પોલીસ સ્ટેશનના અધિકારીઓ મદદ કરવાની ના પાડી દીધી. જિગ્નેશભાઈ આ મુદ્દે ડીસીપી ઓફિસ ગયા હતા. ત્યાં ઉપરી અધિકારીએ જણાવ્યું કે, અમે તમને ઓફિશિયલી કોઈ મદદ કરી શકીએ નહીં. તમારે આ માટે એસીપી પાસે જવું પડે. સાબરમતી ખાતે એસીપી ઓફિસમાં તેઓ મદદ માગવા માટે ગયા તો ત્યાં ફરજ ઉપર હાજર એક અધિકારીએ પણ એ જ રટણ કરતા જણાવ્યું કે, અમે તમને ઓફિશિયલી કોઈ મદદ કરી શકીએ નહીં તમે કોર્ટમાં ફરિયાદ દાખલ કરો. ઉલ્લેખનીય છે કે, પોલીસ જનતાની મદદ કરવા અને ગુના રોકવા માટે છે ત્યારે નાગરિકોને કોર્ટમાં જવાનું કહીને પોલીસ જવાબદારીમાંથી છટકી રહી છે. એક પરિવાર ઘર વગર, ઘરવખરી વગર રઝળે છે, બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે પણ પોલીસ કે ન્યાયતંત્રને તેની જરાય ચિંતા નથી.