વલસાડમાં સરકાર હસ્તકની કરોડોની જમીન મૂળ માલિકના નામે કરી ભાજપ નેતાના પરિવારને વેચી
Land Scam In Valsad: સુરતના ડુમસની કરોડો રૂપિયાની જમીનના કૌભાંડ જેવું જ કૌભાંડ વલસાડમાં સામે આવ્યું છે. વલસાડમાં ભાજપ નેતાને કહેવાતો ફાયદો કરાવવા માટે 3.80 કરોડ રૂપિયાનો બ્રિજ અને 80 લાખ રૂપિયાની પ્રોટેક્શન વોલ બનાવી આપવાનાં વિવાદિત પ્રકરણવાળી જમીન સરકાર હસ્તક કરવામાં આવી હતી. ત્યારબાદ હાઈકોર્ટના હુકમનું ખોટું અર્થઘટન કરી તત્કાલીન ઈન્ચાર્જ કલેક્ટર એવા નિવાસી અધિક કલેક્ટર (એડીએમ) અને કૃષિ પંચનાં મામલતદારનાં મેળાપીપણામાં મૂળ માલિકના નામે કરી હતી.
આ જમીન ભાજપ નેતાના પરિવારને વેચી દઈ સરકારને કરોડો રૂપિયાનો ચુનો લગાવ્યો હોવાની વિગતો બહાર આવતા ચકચાર મચી છે. આ પ્રકરણમાં સરકારે હાઈકોર્ટમાં કરેલી રિવિઝન અરજીનો કેસ પેન્ડિંગ હોવાં છતાં પણ આ જમીનમાં બ્રિજ તેમજ પ્રોટેક્શન વોલ બનાવી આપતાં નવો વિવાદ ઊભો થયો છે.
બે મહિના સુધી કલેક્ટરની જગ્યા ખાલી હતી ત્યારે આખો ખેલ પાર પડાયો હતો
આ સમગ્ર કૌભાંડ 9-7-2012થી 5-9-2012નાં બે મહિના દરમિયાન જ્યારે વલસાડ કલેક્ટરની જગ્યા ખાલી હતી. ત્યારે ભૂમાફિયાઓએ ઇન્ચાર્જ કલેક્ટર એવા એડીએમ જગદીશ ગઢવી સાથે મળી પાર પાડયું હતું. તત્કાલીન કલેક્ટર લક્ષ્મણ સી. પટેલનો કાર્યકાળ 6-7-2011થી 5-7-2012 સુધીનો હતો. જ્યારે તેમની જગ્યાએ આવેલા કલેક્ટર રૂપવંતસિંધનો કાર્યકાળ 6-9-12થી શરૂ થયો હતો. જ્યારે ઇન્ચાર્જ કલેક્ટર જગદીશ ગઢવીએ કૃષિ પંચનાં મામલતદારને 3-9-2012માં પત્ર દ્વારા મૂળ માલિકનાં વારસદારોના નામ દાખલ કરવા હુકમ કર્યો હતો એટલે કે નવાં કલેક્ટર ચાર્જ લે તેનાં બે દિવસ પહેલા જ આ હુકમ કરાવી ભૂમાફિયાઓએ પોતાનો ખેલ કરી દીધો હોવાનું સ્પષ્ટ થાય છે.
આ પણ વાંચો: સુરતના એડી.ચીફ જજ અને વેસુના P.Iને કોર્ટ હુકમના તિરસ્કાર બદલ સુપ્રીમ કોર્ટે દોષી ઠેરવ્યા
જાણો શું સમગ્ર મામલો
વલસાડના વશીયર ગામે આવેલી સર્વે નં.51,52 3 એકર 12 ગુંઠા અને સર્વે નં.52/ 10 એકર 3 ગુંઠા જમીન હાલ બ્લોક/સર્વે નં.368 વાળી આશરે 6 વિધા જમીનના મૂળ માલિક સ્વ. ઠાકોર ડાયા મોદી હતા. તેમણે 26-03-1969માં આ જમીન શામળાજી ગિરધારી કંપનીને વેચી હતી, જે ભાગીદારી પેઢી છે. પરંતુ બોમ્બે ટેનન્સી એન્ડ એગ્રીકલ્ચર લેન્ડ્સ એક્ટ, 1948ની કલમ 63 મુજબ આ કંપની ખેડૂત ન હોવાથી મામલતદાર અને ALT, વલસાડ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
શામળાજી ગિરધારી કંપની ગુજરાતમાં નહીં પણ કર્ણાટક રાજ્યમાં ખેતીની જમીન ધરાવતી હતી અને તેથી કલમ 63નો ભંગ થયો હતો. જેથી ટેનન્સી એક્ટ અને ઠાકોર ડાયા મોદી દ્વારા શામળાજી ગિરધારી કંપનીની તરફેણમાં કરાયેલું જમીનનું ટ્રાન્સફર અમાન્ય માનવામાં આવ્યું હતું. આ કિસ્સામાં જમીન ખરીદનારે 20-01-1979ના રોજ ચોક્કસ નિવેદન આપ્યું હતું કે, તે આ પ્રશ્નમાં અને જમીનના સંદર્ભમાં મૂળ સ્થિતિ પુનઃસ્થાપિત કરવા તૈયાર ન હતા. જેથી
આ જમીન 20-01-1979માં સરકાર હસ્તક દાખલ કરી હતી. જેની સામે શામળાજી ગિરધારી કંપનીએ હાઈકોર્ટમાં સિવિલ એપ્લિકેશન દાખલ કરી હતી. પરંતુ તેને કોર્ટે ફગાવી દીપી હતી. જેથી આ જમીન સરકારી ચોપડે 1979થી 2013 સુધી સરકારનાં નામે હતી.
હાઈકોર્ટનો હુકમ સહિત તમામ રેકોર્ડ હોવાં છતાં 1978માં અપાયેલાં હુકમ સામે કલમ 63નો અમલ કર્યા વગર તત્કાલીન ઇન્ચાર્જ કલેક્ટર એવા એડીએમ જગદીશ કે. ગઢવી અને કૃષિ પંચનાં મામલતદાર સુશ્રી નયકીતા એન. પટેલના કહેવાતાં મેળાપીપણામાં મૂળ માલિક ઠાકોર મોદીનાં પુત્ર હર્ષદ મોદીએ કલેક્ટરને 3-9-2012માં અરજી કરીને જમીન માલિક હયાત નથી અને વારસદારને જમિન પરત કરવાં માંગ કરી હતી. આ પહેલેથી જ ગોઠવાયા મુજબ તત્કાલીન એસડીએમ જગદીશ ગઢવીએ અરજીના દિવસે જ 3-9-2012માં કૃષિ પંચનાં મામલતદારને વારસોને મિલકત પરત કરવાં હુકમ કર્યો હતો.
આ પણ વાંચો: મુંબઈમાં ફ્લેટમાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ, 800 કરોડનો મુદ્દામાલ જપ્ત, બે ભાઈની ધરપકડ
8-8-2013માં કૃષિ પંચનાં મામલતદાર સુશ્રી નયકીતા એન. પટેલે વિવાદિત જમીનમાં 84-ક (2) મુજબ વારસો હર્ષદ મોદી અને તારાબેન ઠાકોર મોદીની તરફેણમાં કાયદા સામે હુકમ કર્યો હતો. જેથી તેમના નામ જમીનમાં દાખલ થયા હતા. ત્યારબાદ આ જમીન વિમળાબેન પ્રેમજી ભાનુશાલીને રજીસ્ટ્રાર દસ્તાવેજ નં.3991, 9-7-2015ના રોજ વેચી દેવામાં આવી હતી. આ વિમળાબેન વલસાડ ભાજપના નેતા હર્ષદ કટારીયાના સાસુ થાય છે. આ દરમિયાન સરકાર હસ્તકની જમીનમાં મૂળ માલિકોના વારસદારોના નામ દાખલ કરવાના થયેલા હુકમની જાલ વર્ષ 2018માં નવા આવેલા કલેક્ટર અને હાલમાં વલસાડ જિલ્લાના સચિવ રૈમ્યા મોહનને થઈ હતી. તેમણે કૃષિ પંચનાં મામલતદારને આ હુકમ હાઈકોર્ટમાં રિવિઝન અરજી કરવાં સૂચના આપતા અરજી કરાઈ હતી. જોકે, 27-6-2018માં આખરી નિકાલ થાય ત્યાં સુધી હુકમ મોકૂફ રાખવામાં આવ્યો હતો.
ત્યારબાદ હાઈકોર્ટે 3-1-2022ના રોજ આખરી હુકમ કરી ગુજરાત રેવન્યું ટ્રિબ્યુનલનો 5-10-2019નો હુકમ, ડેપ્યુટી કલેક્ટર વલસાડનો 11-8-2014નો હૂકમ અને કૃષિ પંચના મામલતદારનો 8-8-2013નો હુકમ રદ કર્યો હતો. આ હુકમ સામે વિમળાબેન ભાનુશાલીએ લેટર પેટન્ટ અપીલ કરી હતી. જેમાં ડિવિઝન બેન્ચ દ્વારા એવું તારણ જણાવાયું કે, વિમળાબેનને ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં પક્ષકાર તરીકે જોડવામાં આવેલ ન હોવાથી 23-3-2022 સ્ટેટસક્વૉનો હુકમ કરવામાં આવ્યો હાલ લેટર આખરી હુકમ માટે પેન્ડીંગ છે.
આ વિવાદિત જમીનનો સરકાર તરફે વિવાદ ચાલતો હોવા છતાં અને મેટર હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં પણ ભાજપ નેતા હર્ષદ કટારીયાને કહેવાતો ફાયદો કરાવવા માટે વલસાડ જિલ્લાના પારાસભ્યો તલપાપડ બનીને સરકારનાં કરોડો રૂપિયાનો ધુમાડો કરી વિવાદિત જમીનમાં જવાં માટે 3.80 કરોડ રૂપિયાનાં ખર્ચે બ્રિજ અને 80 લાખ રૂપિયાનાં ખર્ચે નદીનું પાણી આ જમીનમાં નહીં જાય તે માટે પ્રોટેક્શન વોલ બનાવી આપી છે. હાલમાં કરોડો રૂપિયાની કિંમતની સરકારી જમીનની તત્કાલીન એડીએમ અને કૃષિ પંચનાં મામલતદારની મીલીભગતમાં ભાજપ નેતાને ખેરાત કરી હોય તેવું ચિત્ર સપાટી પર દેખાતા નવો વિવાદ ઉજાગર થયો છે.