Get The App

140 એકર જમીન ખાલી કરવા આસારામ સહિત 3 આશ્રમને અમદાવાદ કલેક્ટરે ફટકારી નોટિસ

Updated: Apr 19th, 2025

GS TEAM


Google News
Google News
140 એકર જમીન ખાલી કરવા આસારામ સહિત 3 આશ્રમને અમદાવાદ કલેક્ટરે ફટકારી નોટિસ 1 - image


Olympic Games 2036: ગુજરાતમાં 2036ની ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માટે બિડિંગની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદમાં મોટેરા પાસે ઓલિમ્પિક ગેમ્સ માટેનાં સ્ટેડિયમ બનાવવાની તૈયારી પૂરજોશમાં શરૂ કરાઈ છે, ત્યારે ગુજરાત સરકારે મોટેરા પાસે ઓલિમ્પિક સ્ટેડિયમ બનાવવા માટે જમીન સંપાદન કરવા ત્રણ આશ્રમોને નોટિસ ફટકારી છે. મોટેરાના આસારામ આશ્રમ ઉપરાંત ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળે ત્રણ આશ્રમોને 140 એકર જમીન ખાલી કરાવવા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટરે નોટિસ ફટકારી છે. 

જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરીને નોટિસ અપાઈ 

ગુજરાત સરકાર અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ફ્લેવ બનાવી રહી છે કે જેમાં ઓલિમ્પિક ગેમ્સની કક્ષાનાં સ્ટેડિયમ હશે. આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સની પાસે ઓલિમ્પિક વિલેજ સહિતની બીજી ઓલિમ્પિક સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે. આ હેતું માટે ત્રણ આશ્રમો પાસેથી જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરીને નોટિસ અપાઈ છે. આસારામ આશ્રમ  ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળે ત્રણ આશ્રમની લગભગ 140 એકર જમીનનું સંપાદન કરાશે તેથી આ ત્રણેય આશ્રમને જમીન ખાલી કરવા કહી દેવાયું છે. આ 140 એકરમાંથી 85 ટકા જમીન તો આસારામ આશ્રમની જ છે. કુલ 140 એકર જમીનમાંથી આસારામ આશ્રમ પાસે લગભગ 120 એકર છે, જ્યારે ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળ પાસે બાકીની 20 એકર જમીન છે. 

આ પણ વાંચો: JEE મેઈનનું પરિણામ જાહેર, 24 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા જેમાં 2 ગુજરાતી

ચાર ગામોની કુલ 650 એકર જમીનનું સંપાદન કરાશે

રાજ્ય સરકારે ઓલિમ્પિક્સના આયોજન માટે 650 એકર જમીનમાં વિશાળ કોમ્પ્લેક્સ બનાવવાનો ઓલિમ્પિક માસ્ટર પ્લાન બનાવ્યો છે. મોટેરા, સુઘડ, ભાટ અને કોટેશ્વર એમ ચાર ગામોની કુલ 650 એકર જમીનનું સંપાદન કરાશે. આ માસ્ટર પ્લાન પ્રમાણે 280 એકર જમીનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે કે જેમાં અલગ અલગ રમતોનાં સ્ટેડિયમ તથા પ્રેક્ટિસ સહિતની બીજી સ્પોર્ટ્સ સુવિધાઓ હશે. 240 એકરમાં ઓલિમ્પિક વિલેજ બનશે કે જેમાં ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફના રહેવાની સુવિધાઓ હશે. આ સિવાય સાબરમતી રિવરફ્રન્ટ પર બીજું 50 એકરમાં ફેલાયેલું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોમ્પલેક્સ ઉભું કરાશે કે જેમાં અરાઈવલ, ડીપાર્ચર સહિતની સુવિધાઓ હશે.

આસારામ આશ્રમે જમીન પચાવી હોવાથી કોઈ વળતર નહીં મળે 

ગુજરાત સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, ઔડાના સીઈઓ અને અમદાવાદ જિલ્લા કલેક્ટરની ત્રણ સભ્યોની સમિતી જમીન સંપાદનનું વળતર નક્કી કરવા માટે બનાવી છે. આસારામ આશ્રમના કિસ્સામાં સરકાર કોઈ વળતર આપે એવી શક્યતા નથી કેમ કે, આસારામ આશ્રમે મોટા ભાગે સરકારી જમીન પચાવી પાડીને આશ્રમ બનાવ્યો છે. અમદાવાદ જિલ્લા કલેક્ટરે આસારામ આશ્રમને સરકારી જમીન પચાવી પાડીને ગેરકાયદે બાંધકામ કરવાનો આક્ષેપ મૂકીને નોટિસ પણ ફટકારી છે. આ ઉપરાંત આસારામ આશ્રમે ચેરિટેબલ ટ્રસ્ટ માટે ફાળવાયેલી જમીનનો ઉપયોગ ધંધા માટે કરીને નિયમભંગ કર્યો હોવાનો પણ કલેક્ટરનો આક્ષેપ છે તેથી આસારામ આશ્રમને કોઈ વળતર ના આપવું જોઈએ એવો સમિતીનો મત છે. 

Tags :