Get The App

સુરતમાં પૂર જેવી સ્થિતિ વચ્ચે ક્યાં પાણી ભરાયા છે... આટલું જાણવામાં મેયરને પણ નવ નેજાં પાણી ઉતર્યા

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
સુરતમાં પૂર જેવી સ્થિતિ વચ્ચે ક્યાં પાણી ભરાયા છે... આટલું જાણવામાં મેયરને પણ નવ નેજાં પાણી ઉતર્યા 1 - image


Surat Rain Update : ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે બે દિવસથી સુરતમાં પૂરની ભીતિ વ્યક્ત થતી હોય. આટલી ગંભીર સ્થિતિ છતાં શાસકો અને પાલિકાના વહીવટી તંત્ર વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. શહેરના મેયરને પણ પાણી અંગે માહિતી મેળવવા માટે ફાંફા પડ્યા હતા અને પુરતી માહિતી સમયસર મળી ન હતી. આવી સ્થિતિમાં પણ જો શાસકો અને તંત્ર વચ્ચે સંકલન ન રહે તો ક્યારેક સુરતને મોટું નુકસાન થવાની ભીતિ નકારી શકાતી નથી. 

ઉકાઈ ડેમમાંથી બે દિવસથી સતત બે લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે સુરતીઓના જીવ તાળવે ચોંટ્યા હતા અને સુરતીઓને ખોટી માહિતી ન મળે તે માટે અફવા પર ધ્યાન ન આપવા માટે તંત્ર તરફથી અપીલ કરવામાં આવી હતી.

બીજી તરફ સુરતીઓ તો ઠીક પરંતુ સુરતના પ્રથમ નાગરિક એવા મેયરને પણ શહેરમાં પાણી ક્યાં ક્યાં ભરાયા છે તે જાણવા માટે નવ નેજાં પાણી આવ્યા હોવાની ચર્ચા પાલિકા સંકુલમાં સાંભળવા મળી હતી. પાલિકા તંત્રએ શહેરની સાચી સ્થિતિ અંગે મેયરને પણ અંધારામાં રાખ્યા હોવાની ફરિયાદ બહાર આવી છે.

પાલિકા કેમ્પસમાં ચાલતી ચર્ચા મુજબ ફ્લડ ગેટ બંધ થવાના કારણે સુરત પાલિકાના કતારગામ, રાંદેર અને સેન્ટ્રલ ઝોનમાં કેટલીક જગ્યાએ ગટરના પાણી બેક માર્યા હતા તેવી લોકોની વ્યાપક ફરિયાદ હતી. આ ફરિયાદ બાદ મેયર દક્ષેશ માવાણીએ તેમના પર્સનલ આસિસ્ટન્ટ મારફતે અધિકારીઓનો સંપર્ક કરીને પાણી ક્યાં ભરાયા છે તેનો રિપોર્ટ માંગ્યો હતો.

આ ઉપરાંત અધિકારીઓએ મીટિંગમાં છે એટલે મીટિંગ પૂરી થાય પછી માહિતી આપીશું તેવો જવાબ આપ્યો હતો. તેના કારણે શાસકો અને વહીવટી તંત્ર વચ્ચે સંકલન ની મોટી ખાઈ હોવાની ફરિયાદ થઈ રહી છે. જો સુરતના મેયરને માહિતી મળતી ન હોય તો પ્રજાને માહિતી ક્યાંથી મળે તેવી ચર્ચા થઈ રહી છે.

આમ, વહીવટી તંત્ર અને શાસકો વચ્ચે સંકલનનો અભાવ છે તેના કારણે સુરત અતિ ભારે વરસાદમાં ડૂબી શકે છે તેવી શક્યતા નકારી શકાતી નથી. 


Google NewsGoogle News