ભાજપની લોકપ્રિયતાની પોલ ખૂલી: 'પ્રજાલક્ષી કામો' ન થતાં સભ્યો નોંધણીમાં આંખે પાણી આવ્યું
BJP: પ્રજાના કામો જ થતા નથી. એટલું જ નહીં, આમ જનતા મોંઘવારીની માર વચ્ચે પિસાઈ રહી છે. બેરોજગારીનો પ્રશ્ન ફેણ માંડીને ઊભો છે. અનેક સમસ્યાઓથી પિડીત પ્રજા સરકારથી ભારોભાર નારાજ છે. ધીરે ધીરે જનતા કમળથી જાણે મોં ફેરવી રહી હોય તેમ લાગી રહ્યું છે. આ કારણોસર જ ભાજપ સદસ્યતા અભિયાનને નબળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
સદસ્યતા અભિયાને ભાજપની લોકપ્રિયતાની પોલ ખોલી
આ વખતે સત્તા પર હોવા છતાંય સભ્ય નોંધતા ભાજપને આંખે પાણી આવ્યું છે. મોટા ઉપાડે બે કરોડનો ટાર્ગેટ અપાયો છે પણ આ સદસ્યતા અભિયાને ભાજપની લોકપ્રિયતા કેટલી છે તેની વાસ્તવિકતા છતી કરી દીધી છે. સભ્ય નોંધણીને મોળો પ્રતિસાદ મળ્યો છે ત્યારે આ અભિયાનને વેગવંતુ બનાવવા સ્નેહમિલનના નામે કમલમમાં બેઠક બોલાવાઈ છે. આ ઉપરાંત ધારાસભ્યોને ઠપકો આપવા તેડું મોકલાયું છે.
અસંતોષ-જૂથવાદની આગે ભાજપને ભરડામાં લીધું
બે કરોડ સભ્ય બનાવવાનો ગુજરાત ભાજપનો લક્ષ્યાંક રહ્યો છે પણ આ ટાર્ગેટ ઘણો દૂર છે. ખુદ ભાજપમાં જ ગણગણાટ છે કે, ભાજપને ભરતી મેળો પણ નડ્યો છે કેમકે, સંનિષ્ઠ અને પાયાના કાર્યકરો હાંસિયામાં ધકેલાયા છે. પક્ષપલટુઓએ સરકાર અને કમલમમાં અડિંગો જમાવ્યો છે. અસંતોષ-જૂથવાદની આગે ભાજપને ભરડામાં લીધો છે.
આ તરફ, કમલમ એન્જિન વિનાનુ રહ્યું છે. રણીધણી ન હોવાને કારણે બધું રેઢું પડ્યું છે. હવે સભ્ય નોંધણી અભિયાનને ગતિશીલ બનાવવું એ પડકારજનક છે કેમકે, મંત્રી, અત્યારે પ્રજા વચ્ચે જઈ શકે તેવી સ્થિતી નથી. આ જોતાં એકેય મંત્રી, ધારાસભ્ય કે સાંસદ સભ્ય નોંધણીનો ટાર્ગેટ પૂર્ણ કરી શક્યા નથી.
આ પણ વાંચો: ઈડરમાં ખજાનો શોધવાની લ્હાયમાં ઐતિહાસિક ધરોહરનું ધનોત-પનોત કાઢ્યું, રાજપૂત સમાજ લાલઘૂમ
જેટલા મતો મળ્યા એટલા સભ્યો પણ નોંધાયા નહીં
જેટલા મતો મળ્યા છે એટલા સભ્યો પણ ધારાસભ્ય નોંધી શક્યા નથી. આ પરથી ભાજપની લોકપ્રિયતાનો અંદાજ આણી શકાય તેમ છે. નવાઈની વાત એ છે કે, વડાપ્રધાન મોદી-શાહના હોમ સ્ટેટમાં સભ્ય નોંધણી અભિયાન ખોડંગાતિ ગતિએ ચાલી રહ્યું છે. ગુજરાતમાં ભાજપનું 30 વર્ષથી એકધારું શાસન છે તેમ છતાંય સભ્ય નોંધણી માટે ભાજપે અવનવા અખતરા અજમાવવા પડ્યા છે.
આટલું કર્યા પછી ય સભ્ય નોંધણીનો લક્ષ્યાંક પૂર્ણ થઈ શક્યો નથી. સાથે સાથે પ્રજાલક્ષી કામો ખોરંભે મૂકાયા છે. ખુદ ભાજપના ધારાસભ્યો રાડો પાડી રહ્યા છે કે, કામો થતા નથી. અધિકારીઓ મંત્રીઓનું પણ માનતા નથી. આ સંજોગોમાં ધારાસભ્યો, સાંસદો તો ઠીક, મંત્રીઓને પણ લોકોના રોષનો ભોગ બનવું પડે તેવી સ્થિતી સર્જાઇ છે. આમ છતાંય ગુજરાત ભાજપ પ્રદેશ નેતાગીરીએ કમલમ તેડું મોકલી સભ્ય નોધણી ઝુંબેશને વેગવાન બનાવવા કવાયત હાથ ધરી છે.