સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાની ધડબડાટી, ઉત્તર-મધ્ય ગુજરાતમાં ઘટ, જાણો કયા કેટલો વરસાદ નોંધાયો
રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં સિઝનનો સૌથી ઓછો 38 ટકા વરસાદ
image:ians |
Gujarat Rain Update: ગુજરાતમાં સરેરાશ 13.30 ઈંચ સાથે સિઝનનો 38.28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં 21મી જુલાઈ સુધીનો આ સૌથી ઓછો વરસાદ છે. 21મી જુલાઈ સુધી 2022માં 60.22 ટકા અને 2023માં 91.92 ટકા વરસાદ વરસ્યો હતો. વરસાદ મામલે ગુજરાતમાં વિપરિત ચિત્ર જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 50 ટકાથી પણ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ સુધી 25 ટકા પણ વરસાદ વરસ્યો નથી.
સૌરાષ્ટ્રમાં સિઝનનો સૌથી વધુ 57.10 ટકા વરસાદ
ગુજરાતના રીજિયન પ્રમાણે જોવામાં આવે તો સૌરાષ્ટ્રમાં સિઝનનો સૌથી વધુ 57.10 ટકા, કચ્છમાં 51.10 ટકા જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 23.09 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે વલસાડમાં સૌથી વધુ 38.82 ઈંચ અને પાટણમાં સૌથી ઓછો 5 ઈંચ વરસાદ વરસ્યો છે. વલસાડ ઉપરાંત જુનાગઢ, નવસારી, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં 30 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
133 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ
તાલુકા પ્રમાણે જુનાગઢના વંથલીમાં 47.87 ઈંચ સાથે સૌથી વધુ મેઘમહેર થઈ છે. જ્યારે બનાસકાંઠાના કાંકરેજમાં સૌથી ઓછો 2.45 ઈંચ વરસાદ નોંધાયો છે. પાટણના ચાણસ્મા, બનાસકાંઠાના વાવ, દાહોદના દેવગઢ બારિયા, બનાસકાંઠાના થરાદ અને કચ્છના રાપરમાં 5 ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે. 9 તાલુકા એવા છે જ્યાં 40 ઈંચથી વધુ વરસાદ પડયો છે. અલબત્ત 133 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ છે. સરેરાશ પ્રમાણે જોવામાં આવે તો દેવભૂમિ દ્વારકા સિઝનનો સૌથી વધુ 108 ટકા, પોરબંદરમાં 96 ટકા અને જુનાગઢમાં 91 ટકા વરસાદ વરસાદ વરસ્યો છે. બીજી તરફ દાહોદમાં સૌથી ઓછો 19.74 ટકા વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: ગુજરાતનાં છ જિલ્લામાં રેડ ઍલર્ટ: આગામી બે દિવસ પડશે ભારેથી અતિભારે વરસાદ
હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં સૌષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી, ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં આજે (22મી જુલાઈ) સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓમાં રેલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જુનાગઢ, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટને પગલે ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત 13 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.