કચ્છમાં શંકાસ્પદ બિમારીથી 15ના મોતથી તંત્રમાં દોડધામ, આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
કચ્છમાં શંકાસ્પદ બિમારીથી 15ના મોતથી તંત્રમાં દોડધામ, આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી 1 - image
                                                                                                                                      પ્રતિકાત્મક તસવીર

Gujarat Kutch lakhpat News : કચ્છના લખપત તાલુકામાં વરસાદ બાદ શંકાસ્પદ તાવથી ફક્ત છ દિવસમાં જ 15 લોકો મોતને ભેટ્યા છે. આ ઘટના સામે આવતાં જ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. તાવ, શરદી-ઉધરસ અને થોડા જ કલાકોમાં ન્યુમોનિયા, શ્વાસ લેવાની તકલીફ અને મલ્ટી ઓર્ગન ફેલ્યોર બાદ દર્દીનું મોત થઈ જાય છે. હાલ મામલાની ગંભીરતાને જોતાં આરોગ્ય વિભાગે 25 જણની ટીમ કચ્છ મોકલી છે, જે સમગ્ર વિસ્તારમાં ડોર ટુ ડોર ફરી લોકોને નિદાન અને સારવારમાં સહકાર આપવા તેમજ આ બીમારીથી બચવા માટે શું કાળજી રાખવી તે અંગે માર્ગદર્શન આપે છે. આરોગ્ય વિભાગ દ્વારા અબરાડા તાલુકમાં દરેક શેરીઓમાં દવાનો છંટકાવ કરવાનું શરુ કરી દેવાયું છે.

આરોગ્ય તંત્ર દોડતું થયું

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને જિલ્લા પંચાયત કચ્છના મહિલા સદસ્યાએ લેખિત રજૂઆતને પગલે તંત્રને જાણ કરાતાં આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. ત્યારબાદ આ ભેદી બીમારીને લઈને મોતને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરીયા કચ્છ જવા રવાના થયા છે. જ્યાં, તેઓ બીમારી ગ્રસ્ત તાલુકો અબડાસા અને લખપતમાં શંકાસ્પદ તાવની પરિસ્થિતિ અંગે મુલાકાત કરશે અને કચ્છ જિલ્લાના વહીવટી તંત્ર સાથે પણ આરોગ્યની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરશે.

આ પણ વાંચોઃ 4 દિવસમાં 12નાં મોતથી ગુજરાતના આ તાલુકામાં હડકંપ, કારણ છે શંકાસ્પદ તાવ, તંત્ર દોડતું થયું

બીમારીને લઈને લોકોમાં ડરનો માહોલ

આ ભેદી બીમારીને લઈને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત ગામોના લોકોને હેલ્થ એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. આરોગ્ય અધિકારી ફુલમાલીએ જણાવ્યું કે, અમે લોકોને સમજાવી રહ્યા છીએ કે, બીમારીથી ડરશો નહીં. જો કોઈપણ પ્રકારનો તાવ કે શરીરમાં અજુગતી અનુભૂતિ થાય તો તુરંત આરોગ્ય કેન્દ્રમાં જઈને તપાસ કરાવો. તંત્ર કોઈપણ વ્યક્તિને આઇસોલેટ નથી કરવાના. ફક્ત દર્દીની તપાસ કરવામાં આવશે અને અન્ય વ્યક્તિને આ બીમારી ન થાય તે મુજબની જરૂરી તકેદારી લેવામાં આવશે.

દયાપરના કોંગ્રેસ અગ્રણી દશુભા જાડેજાએ આરોગ્યની ટીમ ઉપર આક્ષેપ કરતાં કહ્યું કે, આરોગ્યની ટીમ આવી છે એ તપાસ કરે છે પણ અમને સંતોષ નથી. અમારી કોંગ્રેસની ટીમ પણ આરોગ્યની ટીમની પાછળની પાછળ ફરે છે.

આરોગ્ય મંત્રી કચ્છ જવા રવાના

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કચ્છ જવા રવાના થયા છે, જે વખતે તેઓએ જણાવ્યું કે, જે લોકોના મોત થયા છે તેમાંથી જે 11 મૃતકોના રિપોર્ટ લેવામાં આવ્યા હતાં. જેમાંથી ઘણાં બાળકોમાં મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને કાર્ડિયાકેરેસ્ટના કારણે મોત પણ કેસ જોવા મળ્યાં. જો કે, ઘણાં મૃતકોના અગ્નિસંસ્કાર થઈ ગયાં હોવાથી જે-તે કુટુંબીજનો સાથે વાતચીત કરીને મોતનું કારણ જાણવાનો પ્રયત્ન કરાયો છે. પરંતુ આ 7 ગામોની અંદર દરેક જગ્યાએ લગભગ 600 જેટલાં ગામો છે, જેની તપાસ કરી. તપાસ કરતાં 31 જેટલાં કેસ મળ્યાં જે તાવના હતાં. આ તાવના કેસમાંથી લક્ષણો અને ટેસ્ટના આધારે જાણી શક્યાં છીએ અને તેમાંથી 8-9 કેસના સેમ્પલ પૂના મોકલવામાં આવ્યાં છે અને બીજા પણ નવા કેસના સેમ્પલ પૂના મોકલવામાં આવ્યાં છે. જેનાથી જાણકારી મળે કે, જે વરસાદ બાદ પરંપરાગત રોગ થતા હોય છે, તે જ છે કે અન્ય કોઈ બીમારી જાણવા મળે છે કે કેમ તે માટે પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ ગણેશોત્સવ વિશેષ: સુરતમાં ગણેશ મંડળે બનાવ્યા 75 કિલો ઘીના ગણપતિ, બાપ્પા માટે 3 ટનના ACની સગવડ

રિપોર્ટ બાદ સામે આવશે હકીકત

લખપત પહોંચેલા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. કેશવકુમાર સિંહે કહ્યું કે, મૃતકોના પરિવારજનોના સેમ્પલ લેવાયા છે, જેનાથી તાવ ન્યુમોનિયા છે કે કંઈ બીજા કારણે તાવ આવ્યો છે તેની જાણ થઈ શકે. રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું તટસ્થ કારણ ખબર પડશે.

કોંગ્રેસનો આરોપ 

ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આરોપ લગાવતાં કહ્યું હતું કે, કચ્છમાં ગણતરીના દિવસોમાં અનેક લોકોના મૃત્યુ થયા છે. આજથી 4 દિવસ પહેલાં મેં સરકારી તંત્રનું ધ્યાન દોર્યુ હતું. જ્યારે આ રોગની શરુઆત થઈ હતી અને ફક્ત બે મોત થયા હતા ત્યારે સરકાર સાથે જવાબદાર અધિકારીઓનું પણ ધ્યાન દોર્યુ હતું, પરંતુ કોઈ જ ગંભીરતા ન લેવાતાં ગણતરીના દિવસોમાં કચ્છ જિલ્લામાં આટલાં લોકોના મોત થયાં છે. દુઃખ એ વાતનું છે કે, વારંવાર કહેવા છતાં સકકારી તંત્રના પેટનું પાણી હલ્યું નથી.


Google NewsGoogle News