અમદાવાદમાં કુમકુમ મંદિરમાં “ગુજરાત સમાચાર”ના અધિષ્ઠાપક શ્રી શાંતિલાલ શાહની ૧૭મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
સાધુ પ્રેમવત્સલદાસજીએ કહ્યું - શ્રી શાંતિલાલ શાહ “ગુજરાતી અખબારના પિતામહ છે”
અમદાવાદ, તા. 27 ફેબ્રુઆરી 2023, સોમવાર
“ગુજરાત સમાચાર”ના અધિષ્ઠાપક સ્વ. શ્રેષ્ઠિવર્ય શ્રી શાંતિલાલ શાહની 17મી પુણ્યતિથિ પ્રસંગે સોમવારે અમદાવાદના મણિનગર ખાતે સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ “કુમકુમ” મંદિરે શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીની નિશ્રામાં સવારે ૭ વાગે સત્સંગ સભા યોજાઈ હતી. આ પ્રસંગે ગુજરાત સમાચારના સંસ્થાપક સ્વ. શ્રેષ્ઠિવર્ય શ્રી શાંતિલાલ શાહને શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી અને શ્રી મુક્તજીવન સ્વામીબાપા, તેમના આત્માને વધુ સુખ શાંતિ આપે તે માટે વચનામૃત અને જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોનું પઠન કરવામાં આવ્યું હતું. સવારે ૭: ૪૫ વાગે શ્રી સ્વામિનારાયણ ભગવાનની આરતી કરીને,શ્લોકગાન કરીને પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સ્વ.શ્રેષ્ઠિવર્ય શ્રી શાંતિલાલ શાહ ખરેખર પત્રકારત્વ બાબતે શિરોમણિ હતા. સાથે સાથે પ્રજાનો પક્ષ લઈ સાચી વાત જાહેરમાં લાવવામાં નીડર હતા. તેમનું જીવન સાદગીમય, ધર્મમય અને નમ્રમય હતું. સ્વ.શ્રેષ્ઠિવર્ય શ્રી શાંતિલાલ શાહને દંભ કે આડંબરનો વાયરસ ક્યારેય એમને સ્પર્શી શક્યો નહોતો. શૂન્ય પર પગ મૂકીને એમણે ચાલવાની શરૂઆત કરી હતી અને સંજોગોનો અનેક ઉતાર ચઢાવ અને માર્ગમાં ફૂંકાતી આંધીઓ વચ્ચે વિકાસને ગળે લગાવતા - લગાવતા મનની માતબર મક્કમતા સાથે વિશાળ અખબારી સામ્રાજ્યને એમણે પગભર કરી દીધું હતું ! પડકાર સ્વીકારીને, પડકારને ઝીલવાની ક્ષમતા એમનામાં હતી. તેઓ ખરા અર્થમાં ઘર્મશીલ અને કર્મશીલ હતા. શ્રી શાંતિદાદા ખરેખર લેખક અને પત્રકારનું હીર પારખવામાં, પ્રજાનો પક્ષ લેવામાં અને સાદગીમય જીવન જીવવામાં, નમ્રતામાં, ધર્મનિષ્ઠામાં આ પાંચ બાબતે તેઓ શ્રેષ્ઠત્તમ હતા.
ગુજરાતની પ્રજાના સંસ્કારોનું સિંચન થાય તે માટે તેમણે દર ગુરુવારે ધર્મલોક પૂર્તિનો અને બાળકોમાં નાનપણથી ભારતીય સંસ્કારોનો વારસો મળી રહે તેવા હેતુથી દર શનિવારે ઝગમગ પૂર્તિનો પણ શુભારંભ કર્યો હતો. શ્રેષ્ઠિવર્ય શ્રી શાંતિલાલના શુભગુણો આપણામાં આવે તે માટે આપણે સહુ પ્રયત્નશીલ બનીશું તો જ ખરા અર્થમાં આપણે એમને શ્રદ્ધાંજલિ અપણ કરી કહેવાશે. તેથી તેમનામાં જે સારા ગુણો હતા તે આપણામાં આવે તેવો આપણે પ્રયત્ન કરવો જોઈએ. શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા આ રીતે છેલ્લા ૧૬ વર્ષથી શ્રી શાંતિલાલ શાહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે તે રીતે આ વર્ષે ૧૭મી પુણ્યતિથિ પ્રસંગે પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.