કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસને ધક્કો મારીને નાસી ગયેલા આરોપીને ઝડપી લેવાયા
પોલીસે અલગ અલગ પાંચ ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી
આરોપી વિરૂદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં પાંચ જેટલા ગંભીર ગુના નોંધાઇ ચુક્યા છે
અમદાવાદ, શનિવાર
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કારના ગુનામાં ઝડપાયેલો આરોપી મનીષ ધોબી (રહે.દેવકૃપા ગ્રીન્સ, આયોજનનગર, હાથીજણ) ગુરૂવારે સવારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન ઓફિસર (પીએસઓ) ઇશ્વરભાઇને ધક્કો મારીને ફરાર થઇ ગયો હતો.
આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એ આર ધવન અને તેમના સ્ટાફે તપાસ શરૂ કરી હતી. જેમાં હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ એનાલીસીસને આધારે ડી સ્ટાફ તેમજ અન્ય ચાર ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી. જેમાં બાતમી મળી હતી કે મનીષ ધોબી વસ્ત્રાપુર ગુરૂકુળ રોડ પર નવનીત હાઉસ પાસે ઉભો છે. જેના આધારે શનિવારે પીએસઆઇ વી જે ચાવડા અને તેમના સ્ટાફે દરોડો પાડીને મનીષને ઝડપી લીધો હતો. બળાત્કારના કેસનો આરોપી મનીષ ધોબી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં તેના વિરૂદ્ઘ ઓઢવ, મણિનગર, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પાંચ જેટલા ગંભીર ગુના નોંધાઇ ચુક્યા છે. જે અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.