મોંઘવારીને મારો ગોળી : પતંગ 20 ટકા મોંઘા થયા છતાં પણ ખરીદી માટે ભીડ
image : Socialmedia
અમદાવાદ,તા.12 જાન્યુઆરી 2024,શુક્રવાર
ઉત્તરાયણના પર્વનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. બજારમાં પતંગ-દોરીના સ્ટોલ ગોઠવાઈ ગયા છે. કોરોના બાદ લોકોની જીવનશૈલી અને વિચારધારા થોડી બદલાઈ છે. આ મુજબ મોંઘવારીને કોરાણે મૂકીને લોકોએ મનમૂકીને ઉત્તરાયણની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. આ વખતે પતંગના ભાવમાં 20 ટકા સુધીનો વધારો થયો છે. છતાં ખરીદી માટે બજારમાં ભીડ જામી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે જમીને લોકો પરિવાર સાથે બજારોમાં ખરીદી કરી રહ્યા છે.
80 થી 100 રૂપિયાની કોડી માટે આ વખતે લોકોએ 120 થી 140 સુધીની કિંમત ચૂકવવી પડશે, રીલના ભાવ યથાવત
અમદાવાદ શહેરમાં ઉત્તરાયણ પર્વની ખુબ જ ધામધૂમથી ઉજવણી કરાય છે. આ વખતે પતંગને મોંઘવારીની અસર થઈ છે. વેપારીઓના જણાવ્યા અનુસાર કાગળની સામાન્ય પતંગની 20 નંગની કોડીનો રૂ.120 થી 140 સુધીનો ભાવ છે. ગત વર્ષે આ ભાવ રૂ.80થી 100 જેટલો હતો. આવી રીતે જ પ્લાસ્ટિકની પતંગની કોડી 60 થી 90 રૂપિયાના ભાવે વેચાય છે. સામાન્ય કરતા મોટા પતંગની પણ લોકો સારી એવી ખરીદી કરી રહ્યા છે. ત્રણ ફૂટનો પતંગ 100 રૂપિયામાં વેચાય છે. તેનાથી મોટો પાંચ ફૂટનો પતંગ પણ બજારમાં છે. દોરીમાં આ વખતે એક નવી બાબત એ છે કે, 1000 વારની રીલ ઓછા પ્રમાણમાં આવી છે. આ રીલ 200 રૂપિયા આસપાસ વેચાતી હતી. તેના બદલે આ વખતે 3000 અને 5000 વારની દોરી વધારે પ્રમાણમાં આવી છે. ત્રણ હજાર વારની દોરીનો 300થી 600 અને પાંચ હજાર વારની દોરીનો 600થી 900 સુધીનો ભાવ છે. અમદાવાદ શહેરના દિલ્હી દરવાજા ઉપરાંત રાયપુર દરવાજા, કાલુપુર, જમાલપુર, બાપુનગર, દરિયાપુર, નિકોલ વગેરે વિસ્તારમાં પતંગના બજારો ધમધમી ઉઠયા છે.
જેમ પતંગ નાનો તેમ કિંમત વધે! પતંગથી ઘરની સજાવટનું નવું ચલણ
કેટલાક સમયથી વિવિધ તહેવારો અનુસાર ઘરની સજાવટ કરવાનું ચલણ વધતું જાય છે. આ મુજબ ઉત્તરાયણમાં નાના કે વિવિધ આકારના મોટા પતંગ વડે ઘરની સજાવટ કરવાનું ચલણ વધતું જાય છે. કોઈ નાના પતંગનું તોરણ બનાવી ઘરના દરવાજે લગાવે છે, તો કોઈ ઝુમ્મર કે લટકણીયા બનાવી દિવાલો પર રાખે છે. આ ઉપરાંત નાના-મોટા વિવિધ આકારના પતંગ ચંદરવા તરીકે છતમાં લગાવાય છે. વેપારીઓ જણાવે છે કે, સામાન્ય સાઈઝ કરતા આવા સજાવટ માટેના નાના પતંગ મોંઘા હોય છે. પાંચ-છ ઈંચનો આવો એક પતંગ રૂ.ર0થી રપના ભાવે બજારમાં વેચાય છે. જ્યારે પાંચ સેન્ટિમીટરના ટચુકડા પતંગનો ભાવ 70 રૂપિયા છે. જેમ પતંગ નાનો તેમ તેની કિંમત વધી જાય છે. આ સિવાય જુદા જુદા આકારના પતંગની કોડી રૂ.250 થી 400 સુધીના ભાવે વેચાય છે.