આજથી રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવનો પ્રારંભ, દેશ-વિદેશના 600થી વધુ પતંગબાજો ભાગ લેશે
International Kite Festival 2025 : અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે 11 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025નો પ્રારંભ કરાવ્યો હતો. વિશ્વના 47 દેશોમાંથી 143, અન્ય રાજ્યોમાંથી 52 અને ગુજરાતના 11 શહેરોમાંથી 417 પતંગબાજો આ ઉત્સવમાં સામેલ થયા છે.
તેમણે કહ્યું હતું કે દર વર્ષે દેશ અને દુનિયાના એમ્બેસેડર્સ આ પતંગ મહોત્સવ જોવા ગુજરાત આવે છે. આ વર્ષે કુલ 11 જેટલા દેશોના એમ્બેસેડર ગુજરાત આવ્યા છે. વોકલ ફોર વોકલ અભિયાન પતંગોત્સવમાં આવતા પ્રવાસીઓથી ખુબ મોટો વેગ મળ્યો છે. આ ઉત્સવ દરમિયાન ફૂડ સ્ટોલ અને ક્રાફ્ટ સ્ટોલ ધારકોને લાખો રૂપિયાની આવક થાય છે. એટલું જ નહિ, ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં ગયા વર્ષે સાડા પાંચ લાખથી વધુ લોકો જોડાયા હતા.
દેશના પતંગ માર્કેટમાં ગુજરાતનો 65 ટકા હિસ્સો
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવથી થયેલા ગુજરાતના પ્રવાસનના વિકાસ અને ગુજરાતના પતંગ ઉદ્યોગ અંગે વાત કરતા કહ્યું હતું કે, ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગો બનાવનારા રાજ્ય તરીકે વિશ્વમાં ગુજરાતને ઓળખ મળી છે. અમદાવાદ, નડિયાદ, ખંભાત તેમજ સુરત કાઈટ મેન્યુફેક્ચરીંગના હબ બન્યા છે. એટલું જ નહિ, આજે દેશના પતંગ માર્કેટમાં 65 ટકા હિસ્સો ગુજરાતનો છે. ગુજરાતમાંથી દર વર્ષે પતંગો અમેરિકા, યુ.કે., કેનેડા જેવા દેશોમાં એકસપોર્ટ પણ થાય છે.
ઉત્તરાયણ ઉત્સવ દાન તેમજ ધર્મનું અને સૂર્ય નારાયણની ઉપાસનાનું પર્વ છે. એટલું જ નહિ, દાન-મહિમાની પરંપરા સાથે ઉજવાતા આ પર્વમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના પણ સમાયેલી છે. જીવમાત્રની સુરક્ષા માટે સંવેદના દર્શાવીને આ પર્વને સુરક્ષિત રીતે ઉજવવુ જોઈએ તેમજ પતંગ ઉડાડવામાં પણ ખુબ કાળજી રાખવી જોઈએ એવી રાજ્યના દરેક નાગરિકોને મુખ્યમંત્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી.
આ દેશોમાંથી ભાગ લઇ રહ્યા છે પતંગબાજો
આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં -2025માં અર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલારુસ, બેલ્જિયમ, ભૂતાન, બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા, કેનેડા, ચીલી, કોલંબિયા, કોસ્ટા રીકા, ડેનમાર્ક , ઇજિપ્ત, એસ્ટોનીયા, ફ્રાન્સ, જર્મની , ગ્રીસ, હંગારી, ઈન્ડોનેશિયા, આયર્લેન્ડ, ઈટલી, ઇઝરાયલ, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, લેબાનોન, લીથું ઉનીયા, મલટા ,મેક્સિકો, નેધરલેન્ડ, ફિલિપાઇન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનીયા, રશિયન ફેડરેશન, સ્લોવાકિયા, સોલ્વેનિયા, સાઉથ આફ્રિકા, સ્પૈન, સ્વીઝરલેન્ડ, તુર્કી, યુક્રેન, યુનાઇટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ, વીયેતનામના પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.
12 અને 13ના રોજ અન્ય છ જગ્યાએ ઉત્સવ
આજે (11મી જાન્યુઆરી) એ સવારે 9 કલાકે વલ્લભસદન પાસે રિવરફ્રન્ટ પર ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. 12મીએ સ્ટેચ્યુ ઑફ યુનિટી, રાજકોટ અને વડોદરા તેમજ 13મીએ સુરત, શિવરાજપુર અને ધોરડોમાં પતંગોત્સવ યોજાશે.
રિવરફ્રન્ટ પાસે ઉદ્ઘાટન પછી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજોની પરેડ, નાઇટ કાઇટ ફલાઇંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પતંગ વર્કશોપ પણ યોજાશે, જ્યારે આ સ્થળે હેન્ડીક્રાફટ્સ અને રિફ્રેશનમેન્ટ સ્ટોલ રાખવામાં આવ્યા છે. આ વખતે ગુજરાતના વિવિધ શહેરોમાંથી 417 પતંગબાજો ભાગ લેવાના છે.
ગયા વર્ષે જ્યારે પતંગ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો ત્યારે 55 દેશોના 153, 12 રાજ્યોના 68 અને ગુજરાતના 23 શહેરોના 865 પતંગબાજોએ ભાગ લીધો હતો પરંતુ આ વર્ષે સંખ્યામાં ચોંકાવનારો ઘટાડો નોંધાયો છે. ગુજરાતના શહેરોમાંથી લોકો ભાગ લેતાં ઓછા થઈ ગયા છે.