મહાઠગ કિરણ પટેલનો મુદ્દો રાજ્યસભામાં ગાજ્યો, કોંગ્રેસ સાસંદ શક્તિસિંહ ગોહિલની ચર્ચા કરવા માંગ
કિરણ પટેલને PMOના અધિકારીના નામે સરકારી સુવિધાઓ કોને અપાવી હતી: શક્તિસિંહ ગોહિલ
જ્યાં નાગરિકોને જવાની મંજૂરી ન હોય તેવા વિસ્તારોમાં કિરણ પટેલને કેમ જવા દેવામાં આવ્યોઃ શક્તિસિંહ ગોહિલ
અમદાવાદ, 20 માર્ચ 2023 સોમવાર
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરની ધ ગ્રાન્ડ લલિત ફાઇવ સ્ટાર હોટલમાંથી ગુજરાતના કિરણ પટેલ વિરૂદ્વ ગુનો નોંધાયા બાદ તેના ૧૪ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા હાલ તે જ્યુડીશીયલ કસ્ટડીમાં છે. જ્યાં ગુજરાત એટીએસ સહિત અનેક સુરક્ષા એજન્સીઓ દ્વારા તેની પુછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે હવે આ મહાઠગનો મુદ્દો રાજ્યસભામાં પણ ગાજ્યો છે. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં કિરણ પટેલ મુદ્દે ચર્ચા કરવાની માંગણી કરી છે.
શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ચર્ચાની માંગ કરી
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે નિયમ 267 હેઠળ એવી માંગ કરી છે કે ગૃહમાં બીજી ચર્ચાઓ પછી પણ પહેલા કિરણ પટેલના મુદ્દે ચર્ચા કરો કે કયા કારણોસર કિરણ પટેલને Z+ સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું અને જ્યાં નાગરિકોને જવાની મંજૂરી ન હોય તેવા વિસ્તારોમાં કેમ જવા દેવામાં આવ્યો હતો. શક્તિસિંહ ગોહિલે આ અંગે નોટિસ પણ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં પોસ્ટ કરી છે. રાજ્યસભામાં આ પ્રક્રિયાને સસ્પેન્સન ઓફ બિઝનેસ નોટિસ કહે છે. શક્તિસિંહે આ અંગે સવાલ કર્યો છે કે, કિરણ પટેલ કે જેમણે સરકારી અધિકારી તરીકેનો ઢોંગ કર્યો હતો. તેમને વડાપ્રધાન કાર્યાલયના અધિકારીના નામે સરકારી સુવિધાઓ કોને અપાવી હતી?
પોલીસ કોઇ ચોક્કસ વિગતો મેળવી શકી નથી
વડાપ્રધાન કાર્યાલય એડીશનલ ડાયરેક્ટરના હોદા પર હોવાનું જુઠ્ઠાણુ ચલાવીને જમ્મુ-કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારોમાં તે ફરતો હોવા છંતાય, તેના વિરૂદ્વ જાસુસી કે કોઇ કાવતરૂ રચવાની કલમો દાખલ કરવામાં આવી નથી. કાયદા નિષ્ણાંતો અને નિવૃત પોલીસ અધિકારીઓએ શ્રીનગર પોલીસ પર અનેક સવાલ પણ ઉભા કર્યા છે. ગુજરાતના મહાઠગ કિરણ પટેલ પ્રધાનમંત્રી કાર્યાલયમાં સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેઇનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટરના હોદા પર હોવાનું કહી જમ્મુ-કાશ્મીરમાં સત્તાવાર પ્રવાસે હોવાનું કહીને એક વાર નહી પણ સતત ચાર વાર જમ્મુ કાશ્મીરમાં બુલેટ પ્રુફ ગાડીઓમાં ઝેડ પ્લસ સિક્યોરીટી રાખીને સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી. જો કે તેની અટકાયત બાદ બીજી માર્ચના રોજ નિશાત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તેની ૧૪ દિવસની પુછપરછ કરવામાં આવી હતી. જેમાં પોલીસ કોઇ ચોક્કસ વિગતો મેળવી શકી નથી.