ખ્યાતિ હૉસ્પિટલ કાંડના 88 દિવસ બાદ કોર્ટમાં 5670 પાનાની ચાર્જશીટ રજૂ, આરોપીઓ સામે પોલીસની કાર્યવાહી
Khyati Hospital Scandal: અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ કાંડના આઠ આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કરાઈ છે. ખ્યાતિ હૉસ્પિટલમાં દર્દીઓના મોત મુદ્દે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ. ક્રાઇમબ્રાન્ચે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં 5,670 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી.
શું છે સમગ્ર મામલો?
અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે 10 નવેમ્બર 2024ના રોજ કેમ્પ યોજાયો હતો. જેમાં 20 જેટલા દર્દીઓને સારવારની જરૂર હોવાનું કહી અમદાવાદ ખાતે ખ્યાતિ હૉસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. PMJAY યોજનામાંથી પૈસા પાસ કરાવવા દર્દી કે દર્દીના પરિવારની જાણ બહાર 19 દર્દીઓને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. જ્યારે 19 દર્દીઓમાંથી સાત દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરી દેવાઈ હતી. જે સાત દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી, તેમાંથી બે દર્દીના મોત થયા છે. એન્જિયોપ્લાસ્ટીના અન્ય 5 દર્દીઓને ICUમાં દાખલ કરવા પડ્યા હતા. ત્યારે હવે આ કેસમાં 88 દિવસ બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: વડોદરાના હરણી બોટકાંડના મૃતકો માટે વળતર જાહેર, 12 વિદ્યાર્થી સહિત કુલ 14 મોત થયા હતા
ખ્યાતિ હૉસ્પિટલમાં બે દર્દીઓની ખોટી સર્જરી કરીને મૃત્યુ નીપજવા મામલે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ તેની તપાસ સરકારે ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, આ કેસમાં 105 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. CRPC-164 મુજબ સાત જેટલા સાક્ષીઓના નિવેદન લેવાયા હતા. 19 ઇલેકટ્રોનિકસ પુરાવા, 36 ફાઇલો તથા 11 રજિસ્ટર કબ્જે કરાયા હતા. 34 બૅન્ક ખાતાની માહિતી મેળવવામાં આવી હતી. આ સાથે આરોપીઓની મિલ્કતને લઈને તપાસ કરાઈ હતી. આ સિવાય 37 દર્દીઓની હિસ્ટ્રી કબ્જે કરવામાં આવી છે.
આ પણ વાંચો: પાટીદાર આંદોલન સમયના 9 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારની સત્તાવાર જાહેરાત