'કમર, મણકા-ઘૂંટણના દર્દીઓના પણ કાર્ડિયોગ્રામ કર્યા...' ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટરોની કરતૂતો
Khyati Hospital Controversy: ફ્રી મેડિકલ કેમ્પના નામે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો કેવી રીતે કરતૂતો કરતાં તેની ચોંકાવનારી વિગતો બહાર આવી ગઈ છે. કડી તાલુકાના બાલીસણા ગામમાં મહાદેવના મંદિરમાં ખ્યાતિ મલ્ટિસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેસમાં મોટાભાગના દર્દીઓના કાર્ડિયોગ્રામ કાઢવામાં આવ્યા હતાં. કોઈપણ રોગ હોય, હ્રદય રોગનો ડર દર્શાવી ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટરો પૈસા કમાવવાનો આખોય ખેલ ખેલતા હતાં.
હોસ્પિટલને બનાવી દેવાયું કમાણીનું સાધન
વિવિધ રોગથી પીડાતા દર્દીઓ હવે ખાનગી હોસ્પિટલો માટે દર્દી નહીં, પરંતુ ગ્રાહક બની રહ્યાં છે. જે ડૉક્ટરોને ભગવાન સ્વરૂપ ગણવામાં આવે છે, તે હવે હોસ્પિટલોને ગરીબ દર્દીઓની સારવારનું કેન્દ્ર નહીં પરંતુ કમાણીનું સાધન બનાવી રહ્યાં છે. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો-ડૉક્ટરો ફ્રી મેડિકલ કેમ્પમાં કેવી-કેવી કરતૂતો કરતાં હોય છે તેની જાણકારી મળી રહી છે.
આ પણ વાંચોઃ ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે મોટો ધડાકો, ભાજપ નેતાની ભાગીદારી નીકળી, આરોપીઓ છટકી જશે!
કમર-મણકાંના દુખાવાવાળા દર્દીના પણ કરાવ્યા કાર્ડિયોગ્રામ
10મી નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલે બાલીસણામાં મહાદેવ મંદિરમાં સવારે 9 થી 1 વાગ્યા સુધી ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે, પેટના રોગ, કમર-મણકાંના રોગ ઘૂંટણ-સાંધાના રોગ, પથરી-પ્રોસ્ટેટના રોગ, પેટના રોગની સારવાર માટે મફત નિદાન આપવામાં આવશે. આ મેડિકલ કેમ્પમાં 45 લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. તે પૈકી મોટાભાગના દર્દીઓના કાર્ડિયોગ્રામ કાઢવામાં આવ્યા હતાં. કમર-મણકાંનો દુખાવો, ઘૂંટણ-સાંધાનો દુખાવો હોય તો પણ દર્દીને અલાયદા રૂમમાં જઈને કાર્ડિયોગ્રામ કાઢવા ડૉક્ટર સલાહ આપતાં હતાં.
દર્દીએ જણાવી આપવીતી
એક દર્દીનું કહેવું હતું કે, હું તો આંખોની તપાસ માટે ગયો હતો કેમ કે, મને રોજ આંખમાં બળતરાં થતી હતી. આંખોનો ચેકઅપ કરાવવા ગયો ત્યાં ડૉક્ટરે મને સવાલ કર્યો કે, આયુષ્યમાન કાર્ડ છે? મે હા પાડી તો એણે કહ્યું કે, આ રૂમમાં જાઓને કાર્ડિયોગ્રામ કઢાવી લો. આ સાંભળીને હું અચંબામાં મુકાઈ ગયો કે, આંથમાં બળતા થતી હોય તો કાર્ડિયોગ્રામની શું જરૂર? મને ત્યાં સુધી કહ્યું કે, અમદાવાદ આવી જાઓ, બધી સારવાર મફત થી જશે.
કેમ્પમાં દરેક દર્દીને પૂછાયો આ એક જ સવાલ
પગ-ઘૂંટણમાં દુખાવાથી પીડિત એક દર્દીએ કહ્યું કે, હું મેડિકલ કેમ્પમાં ગયો, બધી તપાસ બાદ મને ડૉક્ટરે એવી સલાહ આપી કે, તમારા હ્રદયમાં લોહી પહોંચતું નથી. આ કારણોસર તમને આ બધી તકલીફ થાય છે. મેડિકલ કેમ્પમાં ભાગ લેનારાઓનું કહેવું છે કે, બધાય ડૉક્ટરો એક જ સવાલ કરતાં હતાં કે, તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે? બધી સારવાર મફત થઈ જશે. અમદાવાદમાં અમારી પાસે ટોપના ડૉક્ટરો છે. ખાવા-પીવાની બધી સગવડ થઈ જશે.
ટૂંકમાં કોઈપણ રોગના દર્દીને હ્રદય રોગ છે તેવો ડર દેખાડી ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની બારોબાર સારવાર કરવામાં આવતચી હોવાનો ખુલાસો થયો છે.
પેનલમાં નથી તેવા ડૉક્ટરે દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરી નાંખી
ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટરોની એક પછી એક કરતૂતો બહાર આવી રહી છે. બારોબાર સ્ટેન્ટ મૂકાતાં બે દર્દીઓના મોત નિપજ્યાં હતાં. આ બંને દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી ડૉ. પ્રશાંત વઝીરાણીએ કરી હતી. આ ડૉ. વઝીરાણીનુ ખ્યાતિ હોસ્પિટલના પેનલ ડૉક્ટરમાં નામ જ નથી. તેમ છતાંય ડૉ. વઝીરાણી પાસે દર્દીઓની એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટી કેમ કરાવવામાં આવી તે સવાલ ઉઠયો છે. હાલ ખ્યાતિ હોસ્પિટલના માલિક કાર્તિક પટેલ સહિત અન્ય ડિરેક્ટરો ભૂગર્ભમાં ઉતરી પડ્યાં છે. ડૉ. પ્રશાંત વજીરાણીનો પણ કોઇ અતોપત્તો નથી.
એન્જિયોપ્લાસ્ટી કરવા ડૉક્ટરોએ ખોટા પેપર તૈયાર કર્યા
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત નિપજ્યાં બાદ રાજ્ય સરકારની તપાસ કમિટીએ અહેવાલ સુપરત કર્યો જેમાં સ્પષ્ટ જણાવાયુ છેકે, સાત દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરવાની કોઇ જરૂર ન હતી તેમ છતાં પીએમજેવાયએ યોજના હેઠળ નાણાં કમાવવા માટે દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી. એવા ચોંકાવનારાં ખુલાસો થયા છે કે, દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી માટે ડૉક્ટરોએ ખોટા પેપર તૈયાર કર્યાં જેમાં એવુ દર્શાવાયુ કે, 90 ટકા બ્લોકેજ છે. હકીકતમાં એકેય દર્દીને હ્રદયની એકેય નળીમાં બ્લોકેજ નહતું.