ખોડલધામના કાર્યક્રમમાં નરેશ પટેલ સંબોધન, જયેશ રાદડિયા અંગેના સવાલ પર બોલ્યા- 'નો કોમેન્ટ'
Naresh Patel: ખોડિયાર જયંતિ નિમિતે મંગળવારે (5 ફેબ્રુઆરી) ખોડલધામમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભાજપ નેતા જયેશ રાદડિયા બાદ પહેલીવાર ખોડલધામના નરેશ પટેલે જાહેર મંચ પરથી પોતાની વાત મૂકી હતી. નોંધનીય છે કે, જયેશ રાદડિયાએ જામકંડોરણામાં સમૂહ લગ્નોત્સવમાં કહ્યું હતું કે, સમાજે રાજકારણ ન કરવું જોઈએ. જો રાજકારણ કરવું હોય તો રાજકીય મેદાનમાં ઝંપલાવવું જોઈએ. જોકે, જ્યારે પત્રકારોએ આ વિશે નરેશ પટેલને સવાલ કર્યો તો તેઓએ'નો કોમેન્ટ' કરી આ વિશે જવાબ આપવાનું ટાળી દીધું.
ખોડલધામ સંસ્થા નહીં, વિચાર છેઃ નરેશ પટેલ
હવે ખોડલધામના નરેશ પટેલે પણ આ વિશે પોતાની વાત રજૂ કરી હતી. નરેશ પટેલે કહ્યું કે, સંગઠિત રહેવું એ જ ખોડલધામનો ઉદ્દેશ છે. હું તો એવું કહું છું કે, ખોડલધામ સંસ્થા નહીં પરંતુ, એક વિચાર છે. લોકો ઘર પણ લેઉઆ પટેલની આસપાસ લેવાનું પસંદ કરે છે. કારણ કે, આપણે સરળ લોકો છીએ. સંયમતાથી જીવીએ છીએ. બીજાને મદદ થઈને આગળ વધીએ છીએ. આપણાં વિચારો દરેક ઘર સુધી પહોંચે તે માટે આપણે મજબૂત થઈએ અને રાષ્ટ્રસેવા કરીએ એવી જ મારી અપીલ છે.
લેઉઆ પટેલને કરી વિનંતી
આ વિશે વધુ વાત કરતાં નરેશ પટેલે કહ્યું કે, જ્યારે મને ખોડલધામનો વિચાર આવ્યો ત્યારે રાજકોટમાં અમે 40 લોકો એકઠા થયા હતાં અમે માધવપ્રસાદદાલજી પણ હાજર હતાં. બધી વાતચીત બાદ સ્વામીએ મને કહ્યું કે, જોજે દેડકાંને જોખવાનું કામ કરવા નીકળ્યો છે. પરંતુ, લેઉઆ પટેલે સાબિત કર્યું કે, માતા ખોડિયારના ચરણોમાં એક છીએ અને એક રહીશું. દરેક યુવાન સુધી ખોડલધામ પહોંચે અને સકારાત્મક કાર્યોમાં પ્રાણ પૂરો તેવી મારી વિનંતી છે.
આ પણ વાંચોઃ વડોદરામાં વીજકર્મીનું કરંટ લાગતા થાંભલા પર જ મોત, બંધ લાઈનમાં અચાનક કરંટ લાગતા બની ઘટના
નોંધનીય છે કે, નરેશ પટેલે રાજકોટમાં આ નિવેદન આપ્યું હતું. ખોડિયાર જયંતિ નિમિતચે ખોડલધામ યુવા સમિતિએ ધ્વજારોહણનો કાર્યક્રમ રાખ્યો હતો. આ પ્રસંગે યોજાયેલાં કાર્યક્રમમાં નરેશ પટેલ હાજરી આપવા પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ સમાજને સંગઠિત રહેવાની અપીલ કરી હતી.