ગુજરાતમાં લાભ પાંચમ બાદ વિવિધ પાકોની થશે ટેકાના ભાવે ખરીદી, આ તારીખથી ખેડૂતો કરાવી શકશે નોંધણી
Subsidized Prices For Farmer : ગાંધીનગર ખાતે કૃષિ મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીને લઈને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં લાભ પાંચમ બાદ 11 નવેમ્બરથી 90 દિવસ સુધી મગફળી, મગ, અડદ, સોયાબિન સહિતના વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી થશે. જેના માટે ખેડૂતોને આગામી 3 થી 31 ઓક્ટોબર દરમિયાન ઈ-સમૃદ્ધિ પોર્ટલ પરથી ઓનલાઈન નોંધણી કરવાની રહેશે.
ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદીને લઈને મહત્ત્વનો નિર્ણય
રાજ્યના આ વર્ષે મગફળીના બહોળા પ્રમાણમાં ઉત્પાદને પર ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ગાંધીનગર ખાતે કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ખરીફ પાકોની ટેકાના ખરીદીને લઈને મહત્ત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. જેમાં કેન્દ્ર સરકારના સહયોગ દ્વારા કેન્દ્રીય નોડલ એજન્સીના માધ્યમ થકી ખેડૂતોના પાકની ટેકાના ભાવે ખરીદીને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
ઈ-સમૃદ્ધિ પોર્ટલ પરથી નોંધણી થશે
રાજ્યમાં ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી માટે 160થી વધુ ખરીદ કેન્દ્રો નક્કી કરાયાં છે. જેમાં 90 દિવસમાં ખરીદી થશે. જેની નોંધણી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પરથી કરી શકાશે. ગયા વર્ષે પી.એસ.એસ. હેઠળ ટેકાના ભાવે ગુજરાતના 61,372 લાભાર્થી ખેડૂતો પાસેથી રૂપિયા 671 કરોડથી વધુ કિંમત 1.18 લાખ મેટ્રિન ટન જથ્થાની ખરીદી થઈ હતી.
આ પણ વાંચો : ગુજરાત પક્ષીઓ માટે પણ સ્વર્ગ, રાજ્યના આ સ્થળો પર વિવિધ પ્રજાતિના પક્ષીઓની સૌથી વધુ વસતી
વર્ષ 2024-25 માટે આ રહેશે ટેકાના ભાવ
ભારત સરકાર દ્વારા 2024-25 વર્ષ માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર કર્યા છે, ત્યારે મગફળીના 20 કિલોગ્રામના 1356.60 રૂપિયા, મગના 20 કિલોગ્રામના 1736.40 રૂપિયા, અડદના 20 કિલોગ્રામના 1480 રૂપિયા, સોયાબિનના 20 કિલોગ્રામના 978.40 રૂપિયા ભાવે ખરીદી થશે.