યુવકની હત્યા કેસમાં ફરિયાદીએ ફાયરીંગ કરીને મારી નાખવાની ધમકી અપાઇ
રૂપાલી સિનેમા બિલ્ડીંગ પાસેની ઘટના
કારંજ પોલીસે હત્યા કેસના શંકાસ્પદ આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરીઃ અગાઉ પણ ધમકી અપાઇ હતી એક વર્ષ પહેલા કરીમખાન સૈયદ, તેના ત્રણ પુત્રો મોહસીન પઠાણ, ઇમરાન પઠાણ અને વસીમ પઠાણે સા
અમદાવાદ, ગુરૂવાર
શહેરના મિરઝાપુર વિસ્તારમાં એક વર્ષ પહેલા એક યુવક પર પિતા અને તેના ત્રણ પુત્રોએ સાથે મળીને જીવલેણ હુમલો કરીને છરીને ૪૦થી વધારે ઘા ઝીંકીને હત્યા કરી હતી. આ હત્યા કેસ મામલે સમાધાન કરવા માટે દબાણ કરીને ગુરૂવારે રાતના સમયે રૂપાલી સિનેમા બિલ્ડીંગ પાસે એક માથાભારે યુવકે ફરિયાદી અને તેના પરિવાર પર ફાયરીંગ કરીને તમામને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે કારંજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આરોપીઓએ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી પણ ફોન કરીને ધમકી આપી હતી.
એક વર્ષ પહેલા કરીમખાન સૈયદ, તેના ત્રણ પુત્રો મોહસીન પઠાણ, ઇમરાન પઠાણ અને વસીમ પઠાણે સાથે મળીને ધંધાકીય અદાવતમાં મિરઝાપુર વિસ્તારમાં મોહંમદ બિલાલ બેલીમ નામના યુવકની છરીના ૪૦થી વધુ ઘા મારીને હત્યા કરી હતી. જે કેસમાં ઝડપાયેલા તમામ આરોપીઓની શાહપુર પોલીસે ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા. ત્યારબાદ તમામ આરોપીઓએ નીચલી કોર્ટથી માંડીને હાઇકોર્ટ સુધી જામીન માટે કરેલી અરજી નકારી કાઢવામાં આવી હતી.
પરંતુ , ગુનાની ગંભીરતા અને આરોપીઓએ ફરિયાદી અરબાઝ બેલીમને ધમકી આપીને કેસમાં સમાધાન કરવા માટે દબાણ કરાયું હતું. જેમાં એકવાર સાબરમતી જેલમાંથી કોલ કરીને ધમકી અપાઇ હતી. જેની અદાવત રાખીને ગુરૂવારે રાતના સમયે રૂપાલી સિનેમા બિલ્ડીંગ નજીક સલમાન ઉર્ફે હાફીજજી નામના યુવકે અરબાઝ પાસે આવીને તેના પર હુમલો કરીને ધમકી આપી હતી કે જો તુ મર્ડર કેસમાં સમાધાન નહી કરે તો તુ અને તારા પરિવારને ફાયરીંગ કરીને પતાવી દઇશુ. જો ત્રણેય ભાઇ જેલ બહાર નહી આવે તો તમે ત્રણેય ભાઇ જીવતા નહી રહો. આ અંગે કારજ પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે બિલાલ બેલીમની હત્યાની ફરિયાદ બાદ આરોપીઓ વિરૂદ્ધ ધમકીની અત્યાર સુધીમાં પાંચ ફરિયાદ નોંધાઇ ચુકી છે.