ઓલિમ્પિકની તૈયારીને 'ઝટકો'! અમદાવાદના ડ્રીમ પ્રોજેક્ટ સામે આર્થિક સંકટ, 'ટ્રાન્સસ્ટેડિયા'ના પાટિયાં પડી જશે
TransStadia Stadium Ahmedabad: ગુજરાત સરકારના ડ્રીમ પ્રોજેક્ટ સમાન અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમના ગમે તે ઘડીએ પાટિયા પડી જશે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. કેમકે સ્ટેડિયમ, ક્લબ, સ્ટોર્સ અને યુનિવર્સીટીના મેનેજમેન્ટ સાથે સંકળાયેલી ટ્રાન્સસ્ટેડિયા હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડ અને એસઈ ટ્રાન્સસ્ટેડીયા પ્રાઈવેટ લિમિટેડ વિરુધ્ધ ઈન્સોલવન્સી ફાઈલ કરવામાં આવી છે એટલે કે આ બંને કંપનીઓએ જાહેર કર્યુ છે કે, કંપનની આર્થિક સ્થિતી જોખમમાં છે. લેણદારોને ચૂકવવાના પૈસા જ નથી. જો આ બંને કંપનીઓ નાણાંકીય પૂર્તતા નહીં કરે તો ફડચામાં જાય તેવી સ્થિતી ઉભી થઇ છે.
550 કરોડના ખર્ચે સ્ટેડિયમ પીપીપી ધોરણે ખુલ્લુ મૂકાયુ હતું
વર્ષ 2016માં અમદાવાદ શહેરમાં કાંકરિયા ખાતે 550 કરોડના ખર્ચે ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ પીપીપી ધોરણે ખુલ્લુ મૂકાયુ હતું. શહેરના મધ્યમાં 20 હજાર દર્શકો ફુટબોલની મેચ નિહાળી શકે તેવા સ્ટેડિયમનુ નિર્માણ કરવામાં આવ્યું હતું. આ બાદ ડેરીની જગ્યા પર આ સ્ટેડિયમનુ નિર્માણ કરાયુ છે. ચર્ચા છે કે, સ્ટેડિયમના નિર્માણ-સંચાલનનો કોઈ અનુભવ જ ન હોવા છતાંય હાલોલમાં ઓટ પાર્ટ્સ બનાવતી સેટકો ઓટોમોટીવ કંપનીના માલિક અને તેમના પુત્રને ટ્રાન્સસ્ટેડિયાનો પ્રોજેક્ટ આપી દેવાયો હતો.
માત્ર રમત જ નહીં પણ મ્યુઝિકલ નાઈટ્સનું પણ આયોજન
કાંકરીયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમમાં વર્ષ 2016માં કબડ્ડી વર્લ્ડકપ યોજી ઝાકઝમાળ ઉભી કરાઈ હતી. વર્ષ 2019માં ઇન્ટરનેશનલ કપ ફુટબોલનું આયોજન કરાયુ હતું. વર્ષ 2020માં વુમન વર્લ્ડકપ- ફીફા યુ-17 યોજવા નક્કી કરાયુ હતું પણ કોરાનાને કારણે આ બધુય પડતુ મુકાયુ હતું. એ જ સ્ટેડિયમમાં માત્ર રમતો જ નહીં, સ્પોન્સરશિપની તગડી રકમ મેળવી સ્ટાર-મ્યુઝિકલ નાઈટ્સ યોજી તામઝામ ઉભો કરાયો હતો. સ્ટેડિયમની આસપાસ બ્રાન્ડેડ કંપનીઓને સ્ટોર ભાડે આપવામાં આવ્યા છે.
ટ્રાન્સસ્ટેડિયાના નામે એક યુનિવર્સિટી પણ કાર્યરત
સ્ટેડિયમમમાં એક પણ ક્લબ કાર્યરત છે જેમાં તગડી ફી લઈને મેમ્બરશીપ આપવામાં છે.ટ્રાન્સસ્ટેડિયાના નામે એક યુનિવર્સિટી પણ ચાલી રહી છે જેમાં વિવિધ અભ્યાસક્ર પણ ચાલી રહ્યા છે. સ્ટેડિયમથી માંડીને મોલ, કલબ અને યુનિવર્સિટીની આવક વચ્ચે ટ્રાન્સસ્ટેડિયા હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ અને એસઈ ટ્રાન્સટેડિયા પ્રાઈવેટ લિમિટેડે આર્થિક સધ્ધરતા કેમ ગુમાવી દીધી તે તપાસને વિષય છે.
ટ્રાન્સસ્ટેડિયાની બે કંપનીઓ હાથ અધ્ધર કરી દીધા
રમતગમતના પ્રોત્સાહન ખાતર રાજ્ય સરકારે આબાદ ડેરીની મોકાની વિશાળ જગ્યા ટ્રાન્સસ્ટેડિયા કંપનીને આપી દીધી હતી. હવે સ્ટેડિયમને નિર્માણ થયા બાદ હવે ઈન્સોલવન્સી ફાઈલ કરવામાં આવી છે. બંને કંપનીઓએ જાહેર કર્યું છે કે, લેણદારને ચૂકવવા નાણાં જ નથી. ટ્રાન્સસ્ટેડિયાની બે કંપનીઓ હાથ અધ્ધર કરી દેતા હવે કોનાં નાણા ડૂબી રહ્યા છે છે તે પણ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે.
નાણાંકીય પૂર્તતા નહી કરે તો કંપની ફડચામાં જઈ શકે છે
એક બાજુ, ગુજરાતમાં ઓલમ્પિક ગેમ્સ રમાડવા આયોજન થઈ રહ્યું છે તેના માટે સ્પોર્ટસ ફેસિલીટી ઉભી કરવા સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે અમદાવાદ શહેરના મધ્યમાં આવેલા ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમનું શટર પડી જાય તેમ છે. એવું જાણવા મળ્યુ છેકે, નિર્ધારિત સમયમાં નાણાંકીય પૂર્તતા નહી કરે તો કંપની ફડચામાં જઈ શકે છે.