ભાજપના જ આ ધારાસભ્યએ સરકારના નિર્ણયનો કર્યો વિરોધ: મેડિકલ કૉલેજની ફી ઘટાડવા રજૂઆત
Fee Hike In Medical College : રાજ્યની મેડિકલ કોલેજોમાં ફી વધારાને લઈને વિદ્યાર્થીની રજૂઆતને ધ્યાનામાં રાખીને કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને ફી વધારો પાછો ખેંચવા માટે અપીલ કરી હતી. જેમાં GMERS અને MBBS માં અભ્યાસ કરતાં ગરીબ અને મધ્યમ પરિવારના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કુમાર કાનાણીએ સરકારને યોગ્ય કામગીરી કરી ફીમાં ઘટાડો કરવાની માગ કરી હતી.
ફી વધારા લઈને શું કહ્યું કાનાણીએ
કનાણીએ જણાવ્યું હતું કે, મારી પાસે GMERS અને MBBS ની મેડિકલ કોલેજોમાં ફી વધારાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. હવે સવાલ એ ઉભો થાય છે કે, રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના દિકરી-દિકરીઓનું મેડિકલ લાઈનમાં આગળ વધીને ડૉક્ટર બનવાનું સપનું હોય છે, તેવામાં મેડિકલ કોલેજોમાં ફીનો વધારો કરવામાં આવ્યો હોવાથી વિદ્યાર્થી મૂંઝવણમાં મુકાયાં છે.
ગવર્નમેન્ટ ક્વોટામાં 2.20 લાખ અને મેનેજમેન્ટ ક્વોટામાં 8 લાખ રૂપિયા સુધીનો વધારો
રાજ્યની મેડિકલ કોલેજેમાં લાખો રૂપિયાનો વધારો કરવામાં વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ, મેડિકલ કોલેજોમાં ગવર્નમેન્ટ ક્વોટાની 3.30 લાખ રૂપિયા ફીમાં વધારો કરીને 5.50 લાખ રૂપિયા ફી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મેનેજમેન્ટ ક્વોટાની 9 લાખની ફી સામે 17 લાખની ફી કરી દેવામાં આવતાં વિદ્યાર્થીઓ અભ્યાસ અધૂરો છોડવા લાચર બન્યા છે.
ફી ભરવાની ક્ષમતા ન હોવાથી વિદ્યાર્થીઓ અભ્યાસ છોડવા મજબૂર
રાજ્યની મેડિકલ કોલેજોમાં ફી વધારા સામે ભાજપના નેતા કુમાર કાનાણીએ સરકાર પાસે ફી વધારાના નિર્ણય પર યોગ્ય કામગીરી કરવાની માંગ કરી હતી. જેમાં કાનાણીએ જણાવ્યું હતું કે, ઓચિંતા ફી વધારો કરી દેવામાં આવતા ડૉક્ટર બનવાનું સપનું લઈને મેડિકલ લાઈનમાં પ્રવેશતા વિદ્યાર્થીઓની ફી ભરવાની ક્ષમતા ન હોવાથી અભ્યાસ છોડવા મજબૂર બન્યાં છે. એટલે સરકાર પાસે મારી એવી માગણી છે કે, વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતને ધ્યાનમાં રાખીને ફી વધારાનો નિર્ણય પરત લેવો જોઈએ.