અમદાવાદમાં કાલુપુર-સારંગપુર બ્રિજ ઉંદરો કોતરી ગયા, હવે ત્રણ કરોડના ખર્ચે થશે સમારકામ
બ્રિજની ઉપર લોખંડની ગ્રીલ પણ ઉંદરો કોતરી ગયા છે
Ahmedabad News: અમદાવાદમાં વધુ એક બ્રિજને નુકસાન થયાના સમાચાર સામે આવ્યા છે. કાલુપુર-સારંગપુર બ્રિજને ઉંદરોએ ખોદી નાખતા બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે. બ્રિજની ઉપર લોખંડની ગ્રીલ પણ ઉંદરો કોતરી ગયા છે. કાઉન્સિલ ઈકબાલ શેખે અમદાવાદ મનપામાં ફરિયાદ કરી છે. આ ફરિયાદ બાદ બ્રિજનું સમારકામ શરૂ કરાયું છે. રેલવે વિભાગ પર પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરાઈ છે. બ્રિજના સમારકામ માટે અંદાજિત ત્રણ કરોડનો ખર્ચ થશે.
અગાઉ હાટકેશ્વર બ્રિજ વિવાદમાં સપડાયો હતો
અગાઉ અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર-સીટીએમ રોડ પર ટ્રાફિક હળવો કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાટકેશ્વર બ્રિજ 2017માં તૈયાર કરીને ઉપયોગમાં મૂકવામાં આવ્યો હતો પરંતુ 2021 માં આ બ્રિજની પરિસ્થિતિ ખૂબ ખરાબ થવાના કારણે તાત્કાલિક ધોરણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભ્રષ્ટાચારના બાબતે અનેક વિવાદ પણ છેડાયા હતા.
અમદાવાદમાં વિવાદીત હાટકેશ્વર બ્રિજને તોડી પાડવામાં આવશે. AMCએ બ્રિજને રિપેર કરવાને બદલે નવો બનાવવાનો નિર્ણય કર્યો હતો. સંપૂર્ણ બ્રિજને તોડીને નવો બનાવવા માટે EPC ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. બ્રિજની ડિઝાઈન, બાંધકામની કામગીરી એક જ કોન્ટ્રાક્ટરને અપાશેઅગાઉ ડિઝાઇન, બાંધકામ અને પ્રોજેક્ટ અલગ અલગ એજન્સીઓએ કર્યું હતું.