NCERTના ધોરણ ૬ના બનાવટી પુસ્તકના વેચાણનું કૌભાંડ ઝડપાયું
ગાંધીબ્રીજ પાસે આવેલી સ્ટેશનરી શોપમાં દરોડો
એનસીઇઆરટીના ડીસ્ટ્રીબ્યુટર પાસેથી લેવાને બદલે અન્ય સ્થળેથી બનાવટી બુક ખરીદી કરવામાં આવતી હતી
અમદાવાદ,શનિવાર
શહેરના કાલુપુર બ્રીજ પાસે આવેલા એક પુસ્તક વિક્રેતા દ્વારા એનસીઇઆરટીના ડુપ્લીકેટ પુસ્તક વેચાણ કરવામાં આવતા હોવાની બાતમીને આધારે કાલુપુર પોલીસે દરોડો પાડીને ધોરણ ૬ના પુસ્તકો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કેસની તપાસમાં એનસીઇઆરટીના બનાવટી પુસ્તકોના વેચાણના મોટા કૌભાંડની વિગતો બહાર આવવાની શક્યતાને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.ચાંદખેડા વિસ્તારમાં રહેતા કપિલ પાલ અમદાવાદમાં આવેલા નેશનલ કાઉન્સીલ ઓફ એજ્યુકેશન રિચર્સ એન્ડ ટ્રેનિંગમાં નોકરી કરે છે.
તેમને એનસીઇઆરટીના હેડ અનુપકુમાર રાજપુતે માહિતી આપી હતી કે અમદાવાદમાં ગાંધીબ્રીજ પાસે આવેલી એક દુકાનમાં એનસીઇઆરટીની ડુપ્લીકેટ બુક્સનું અસલી તરીકે વેચાણ કરવામાં આવે છે. જેના આધારે કાલુપુર પોલીસને સાથે રાખીને ગાંધીબ્રીજ નીચે આવેલી ન્યુ ઝવેરી બુક સેન્ટરમાં દરોડો પાડીને તપાસ કરતા એનસીઇઆરટીની ધોરણ ૬ની મલ્હાર નામના પાઠય પુસ્તકની ૧૩ કોપીઓ મળી આવી હતી.જેનું વેચાણ ગુંજન ઝવેરી નામનો વેપારી અસલી પુસ્તક જણાવીને કરતો હતો. આ અંગે પોલીસે કોપી રાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધીને આ પુસ્તક ક્યાંથી ખરીદવામાં આવ્યા હતા? કોણે પ્રિન્ટ કરાવ્યા હતા? તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.સુત્રોના જણાવ્યા મુજબ એનસીઇઆરટીની અસલી પુસ્તકોના વેચાણમાં ૨૦ ટકાના માર્જીન સાથે વેપારી ૬૫ રૂપિયામાં પુસ્તકનું વેચાણ કરતા હોય છે. પરંતુ, ડુપ્લીકેટ પુસ્તકમાં વેપારીને ૫૦ ટકા જેટલું માર્જીન મળતું હતું. જેથી નફો વધારવા માટે બનાવટી પુસ્તકનું વેચાણ કરવામાં આવતું હતું.