કોંગ્રેસ અધિવેશનને લઈ ગુજરાતમાં તડામાર તૈયારી શરૂઃ AICC સંગઠન મહાસચિવ કે.સી.વેણુગોપાલે કરી બેઠક
Gujarat Congress: ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન થવા જઈ રહ્યું છે. આ પહેલાં છેક 1961માં ભાવનગરમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું. તારીખ 8-9 એપ્રિલ 2025ના દિવસે AICC અધિવેશનનું સ્થળ નક્કી કરવા માટે સંગઠન મહાસચિવ કે.સી વેણુગોપાલ અમદાવાદ પહોંચ્યા હતાં. ત્યારબાદ મંગળવારે (4 માર્ચ) બપોરે ત્રણ વાગ્યે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાતમાં યોજાનારા 64માં અધિવેનશને લઈને નેતાઓને વિવિધ જવાબદારી સોંપવા અંગે ચર્ચા-વિચારણા કરાઈ હતી.
કોંગ્રેસ માટે ગુજરાત પડકારજનક
કે.સી વેણુગોપાલે આ વિશે જણાવ્યું કે, હું રાષ્ટ્રીય અધિવેશનના સ્થળની પસંદગી માટે ગુજરાત આવ્યો છું. અમે ગુજરાતના ગાંધીજી-સરદારના વારસાને લઈને આગળ વધી રહ્યાં છીએ. હાલ, ગુજરાતમાં કોંગ્રેસ માટે અનેક પડકારો છે, જેનો અમે સ્વીકાર કરીએ છીએ. પડકારોને ઝીલીને કોંગ્રેસ ગુજરાત પર ફોકસ કરશે.
કોંગ્રેસનું મિશન-2027
નોંધનીય છે કે, AICC અધિવેશનમાં દેશભરના AICC પ્રતિનિધિઓ એકત્રિત થશે. જેમાં બંધારણ તેમજ તેના મૂલ્યો પર થતાં સતત હુમલાઓ અને ભાજપની જનવિરોધી નીતિઓ અંગે ચર્ચા થશે તેમજ પાર્ટીની આગામી કામગીરી અંગે માર્ગદર્શન નક્કી કરવામાં આવશે. કોંગ્રેસ 30 વર્ષથી ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષથી હારનો સામનો કરી રહી છે. હાલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે કોંગ્રેસ મિશન-2027 હેઠળ અત્યારથી તૈયારીમાં લાગી ગઈ છે.
કોંગ્રેસ અધિવેશનની 100મી વર્ષગાંઠ
8 એપ્રિલે વિસ્તૃત કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેકઠક સાથે અધિવેશન શરૂ થશે. ત્યારબાદ 9 એપ્રિલના દિવસે AICC પ્રતિનિધિઓની બેઠક યોજાશે. આ બંને બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અધ્યક્ષતા કરશે તેમજ સંસદીય પક્ષની અધ્યક્ષ સોનિયા ગાંધીજી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને અન્ય AICC પ્રતિનિધિઓ હાજર રહેશે. આ AICC અધિવેશન બેલગાવીમાં યોજાયેલી વિસ્તૃત CWC બેઠક (નવા સત્યાગ્રહ બેઠક)માં અપાયેલ ઠરાવની ચાલુ પ્રક્રિયા તરીકે યોજાઈ રહ્યું છે, જે 1924માં મહાત્મા ગાંધી દ્વારા અધ્યક્ષપદ સંભાળવામાં આવેલા કોંગ્રેસ અધિવેશનની 100મી વર્ષગાંઠની યાદમાં યોજાઈ હતી.
આ પણ વાંચોઃ શિક્ષકોની ભરતીની માગ સાથે ઉમેદવારોનો અનોખો વિરોધ, શિક્ષણ મંત્રીની ઉતારી આરતી
કોંગ્રેસ માટે કેમ જરૂરી છે ગુજરાતમાં જીત?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું ગૃહરાજ્ય ગુજરાત છે. જેથી ગુજરાતની દરેક ચૂંટણી ભાજપ માટે ખૂબ જ મહત્ત્વની હોય છે. આવી સ્થિતિમાં જો કોંગ્રેસે પોતાની સ્થિતિ મજબૂત કરવી હોય તો તેને ગુજરાતમાં ભાજપને નબળું પાડવું પડશે. જો ગુજરાતમાં ભાજપની હાર થાય તો કોંગ્રેસની દેશમાં પકડ મજબૂત થઈ શકવાની સંભાવના છે. તેથી હાલ, કોંગ્રેસ માટે 2027માં ગુજરાતમાં જીત મહત્ત્વની છે. નોંધનીય છે કે, કોંગ્રેસ 1995 થી 2022 સુધી ગુજરાતની તમામ વિધાનસભા ચૂંટણીમાં હારી ગઈ છે. આ સિવાય લોકસભા ચૂંટણીમાં તો 2014 અને 2019માં કોંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલાવી નથી શકી. 2024 ની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠકથી ગેનીબેને કોંગ્રેસનું નાક રાખી લોકસભામાં ગુજરાતમાંથી એક બેઠકમાં જીત મેળવી. પરંતુ, સામે ગેનીબેનની વાવ વિધાનસભાની વાવ બેઠક પર પેટાચૂંટણીમાં કોંગ્રેસને ફરીથી હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી વિધાનસભામાં જે ગણતરીની બેઠક હતી, તેમાં પણ ઘટાડો થઈ ગયો.