Get The App

પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનના આપઘાતથી હસમુખ પટેલ દુઃખી, કહ્યું- 'જિંદગી મૂલ્યવાન છે'

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનના આપઘાતથી હસમુખ પટેલ દુઃખી, કહ્યું- 'જિંદગી મૂલ્યવાન છે' 1 - image


Gujarat Police : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી પોલીસ ભરતીની શારીરિક કસોટી 8 જાન્યુઆરીથી લેવાની શરૂ થઈ છે. આ દરમિયાન જૂનાગઢના માણાવદરનો એક 29 વર્ષીય ઉમેદવારે શારીરિક કસોટીમાં નાપાસ થવાના કારણે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું. ગુજરાત પોલીસ વિભાગની લોકરક્ષક અને PSI ની ભરતીની શારીરિક કસોટી દરમિયાન યુવકની આપઘાતની ઘટનાને લઈને GPSCના ચેરમેન હસમુખ પટેલે દુઃખ વ્યક્ત કર્યું અને સલાહ આપી. 

'જિંદગી બહુ મૂલ્યવાન છે'

જૂનાગઢના યુવકે પોલીસની શારીરિક કસોટીમાં નાપાસ થતા આપઘાત કર્યો. આ અંગે GPSCના ચેરમેન હસમુખ પટેલે પોતાના સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, કોઈપણ નિષ્ફળતા કાયમી હોતી નથી, ઘણીવાર તો નિષ્ફળતાને કારણે આપણે જેના માટે પ્રયત્ન કરી રહ્યા હોય તેનાથી વધારે સારી તકો માટેના દરવાજા ખુલી જતા હોય છે. જિંદગી બહુ મૂલ્યવાન છે.'

હસમુખ પટેલે કહ્યું કે, 'પરીક્ષાની તાણ કે પરીક્ષામાં નિષ્ફળતાને કારણે નિરાશા કે ઉદાસીનતાનો અનુભવ થતો હોય અથવા તો જિંદગી જીવવા જેવી નથી તેવું લાગે તો જીવન આસ્થા હેલ્પલાઇન નં.18002333330  પર સંપર્ક કરો. ગાંધીનગર જિલ્લા સુરક્ષા સોસાયટી દ્વારા આ હેલ્પલાઇન ચલાવવામાં આવે છે. તેને કારણે ઘણા લોકોના જીવ બચી ગયા છે.'

આ પણ વાંચો: ગુજરાતમાં HMPVનો પાંચમો કેસ: કચ્છના 59 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ, અમદાવાદમાં સારવાર હેઠળ

પોલીસની શારીરિક કસોટીમાં નાપાસ થતા યુવકે જીવન ટૂંકાવ્યું

જૂનાગઢના માણાવદર તાલુકાના દગડ ગામનો રહેવાસી પરેશ કાનગડ 9 જાન્યુઆરીએ ભરતીની શારીરિક કસોટી આપવા જામનગર પહોંચ્યો હતો. ત્યાં સમયસર દોડ પૂરી ન કરી શકતા તે નાપાસ થયો હતો. પરેશ છેલ્લા 8 વર્ષથી પોલીસની તૈયારી કરી રહ્યો હતો. જ્યારે આ વખતેની પોલીસની ભરતીમાં નાપાસ થવાના કારણે તે નાસીપાસ થયો હતો. બાદમાં બાંટવા નજીક જંગલમાં જઈ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યુ હતું. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માણાવદર હોસ્પિટલ મોકલવામાં આવ્યો. સમગ્ર મામલે પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


Google NewsGoogle News