ગુજરાતઃ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે આપ્યું રાજીનામુ, કાર્યકરોને સંબોધીને લખ્યો પત્ર
- 'મિત્રો, હવે તમારો ભાઈ થાક્યો છે, લડવાથી નહીં પરંતુ લડવા નહી માંગતા નેતાઓની નિષ્ક્રિયતાથી થાક્યો છે. મારા અને તારા વચ્ચે ખુવાર થતી સારા કાર્યકરોની વફાદારી જોઈને થાક્યો છે.'
અમદાવાદ, તા. 17 ફેબ્રુઆરી, 2022, ગુરૂવાર
જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. તેઓ કોંગ્રેસના પ્રવક્તા હતા. તેમણે કાર્યકરોને સંબોધીને 2 પાનાનો પત્ર લખ્યા છે જેમાં કહ્યું છે કે, 'મેં પાર્ટી છોડી છે, રાજકારણ નહીં.' તેમણે પક્ષની સિસ્ટમથી કંટાળીને રાજીનામુ આપ્યું છે અને આ સાથે જ તેમના ગુજરાત કોંગ્રેસ સાથેના 37 વર્ષના જોડાણનો અંત આવ્યો છે.
તેમણે પત્રમાં લખ્યું હતું કે, 'વૈચારિક ધરાતલ પર હાથવગું હથિયાર લઈ મેદાને પડી જવામાં મેં ક્યારેય ખચકાટ અનુભવ્યો નથી. કોંગ્રેસ પક્ષની ઢાલ બનીને સડકથી લઈ મીડિયા અને સોશિયલ મીડિયા સુધી દિવસ રાત જોયા સિવાય ઝઝુમતો રહ્યો છું. પક્ષ સાચો હોય કે ખોટો એનો બચાવ કરવામાં પાછું વાળીને જોયું નથી. વિરોધીઓના ઘાવ સામી છાતીએ અને પોતાનાં લોકોના ઘાવ પીઠ પર ઝીલતો રહ્યો પણ હરફ સુધ્ધા ઉચ્ચાર્યો નથી. જિંદગીના મહામૂલા 37 વર્ષ કોંગ્રેસ પક્ષ માટે ખપાવી દીધા. યુવાવસ્થાની મસ્તી, પત્ની અને પુત્ર સમેત પરિવાર સાથે વીતાવવાનો સમય તથા વ્યવસાયિક ઉદેશ બધા કરતાં કોંગ્રેસને પ્રાથમિકતા આપી. જીવન માણવા અને જીવવાના વિકલ્પ પૈકી પક્ષને જીવતો રાખવા જાતને ખપાવી દેવાનું મુનાસીબ માન્યુ.
પણ મિત્રો, હવે તમારો ભાઈ થાક્યો છે, લડવાથી નહીં પરંતુ લડવા નહી માંગતા નેતાઓની નિષ્ક્રિયતાથી થાક્યો છે. મારા અને તારા વચ્ચે ખુવાર થતી સારા કાર્યકરોની વફાદારી જોઈને થાક્યો છે. પરાજય પસંદ નેતાઓની હારને ગળે વળગાડી પક્ષની જીત માટે ઝઝૂમતા કાર્યકરોને અળગા કરી દેતી માનસિકતાએ મને થકવ્યો છે. પક્ષના નેતૃત્વને સંગીત ખુરશીની રમત બનાવી દઈ વારા પછી વારો, તારા પછી મારોના સ્વાર્થીપણાનો ભાર હવે થકવી રહ્યો છે.'
આ સાથે જ તેમણે કોંગ્રેસ પક્ષને પોતાની અંગત મિલકત સમજી લેનારા લોકો સામે બળાપો ઠાલવ્યો છે અને કોંગ્રેસ એક વિશાળ સમુદ્રમાંથી કૂવામાં ફેરવાઈ જવાની સ્થિતિએ હોવાનું કહ્યું હતું. આ સાથે જ તેમણે પોતે પક્ષના લાખો સંનિષ્ઠ કાર્યકરોની વેદનાને વાચા આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
તેમણે એક ટ્વિટ દ્વારા પક્ષ પ્રત્યે નારાજગીનો સંકેત આપ્યો હતો અને બહુચરાજી એ માત્ર શરૂઆત હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, બુધવારે મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ થયું હતું અને પીઢ કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાયા હતા. પૂર્વ જિલ્લા પ્રમુખ રાજુભા દરબાર સહિતના આગેવાનો વાઘુભા જાડેજા, રણુભા જાડેજા વગેરેએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
પક્ષમાં અવગણના અને અસંતોષ તેની ચરમસીમાએ પહોંચતા જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને મહામંત્રી રજની પટેલની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. તેમાં મહેસાણા જિલ્લા પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાજુભા દરબાર, બહુચરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વાઘુભા જાડેજા, બહુચરાજી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રણુભા સહિત મહેસાણા જિલ્લાના 150થી વધુ આગેવાનો તેમજ માંડલ તાલુકાના કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાયા હતા.