Get The App

કાશ્મીરના પ્રવાસે ગયેલા 5000થી વધુ ગુજરાતી પ્રવાસીઓ અટવાયા, 10 દિવસ રોડ બંધ રહેવાની શક્યતાઓ

Updated: Apr 21st, 2025

GS TEAM


Google News
Google News
કાશ્મીરના પ્રવાસે ગયેલા 5000થી વધુ ગુજરાતી પ્રવાસીઓ અટવાયા, 10 દિવસ રોડ બંધ રહેવાની શક્યતાઓ 1 - image


Jammu-Srinagar landslide : જમ્મુ-શ્રીનગર રોડ પર આવેલા રામબનની આસપાસના દોઢ કિલોમીટરમાં ભારે વરસાદને કારણે થયેલા ધસી ગયેલી ભેખડોને લીધે તેની સીધી અસર એપ્રિલ અને મે મહિનાના શરુઆતમાં કાશ્મીર પ્રવાસનુ આયોજન કરનારા દસેક હજાર પ્રવાસીઓ પર પડી છે. 

હવાઈ માર્ગ પર દબાણ વધતાં ફ્લાઈટના ભાડામાં તોતિંગ વધારો 

રવિવારે જમ્મુ-શ્રીનગર રોડ પર ભારે વરસાદને કારણે અનેક ટ્રકો ભેખડો વચ્ચે ફસાતા ઘટના સ્થળે જ ત્રણ જણના મોત નીપજ્યા છે. ભારે વરસાદને કારણે પૂર આવવાથી જમ્મુથી શ્રીનગર જતાં વચ્ચે આવેલા રામબન-બનિહાલ હાઈવે પર ભેખડો ધસી પડતા અનેક ટ્રકો ફસાયા હતા અને કેટલાંક વાહનો ખીણમાં પડ્યા હોવાની માહિતી મળી છે. જેના કારણે આ રુટ પર કલાકો સુધી ટ્રાફિક જામ થયો છે. કાશમીર પોલીસે જમ્મુથી આવતા લોકોને તાત્કાલિક ધોરણે પાછા વળવાની સુચના આપી હતી તો શ્રીનગરથી આવતા વાહન ચાલકોને પાછા શ્રીનગર કે નજીકના સેન્ટરમાં રહી જવાની સૂચના અપાતા પાંચેક હજાર ગુજરાતીઓ આ પ્રવાસમાં ફસાયા છે. 

હાલમાં શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ, પહેલગામમાં રોકાયેલા પાંચેક હજાર પ્રવાસીઓએ બુક કરાવેલી પોતાની ટિકિટોના શિડ્યૂલમાં ફેરફાર કરીને તાત્કાલિક વળતી ફલાઈટ પકડવાનો વારો આવ્યો છે જેના કારણે હાલમાં શ્રીનગર-દિલ્હી, શ્રીનગર-અમદાવાદ, શ્રીનગર-ચંડીગઢ, શ્રીનગર-અમૃતસર અને જમ્મુ જતી ફ્‌લાઈટોના ભાડામાં ડબલ કરતાં વધારે ઉછાળો આવ્યો છે. જો કે અત્યારે હવાઈ માર્ગથી કાશ્મીરની યાત્રા યથાવત છે. પરંતુ વાહન કે ટ્રેન દ્વારા જતાં યાત્રિકોને પોતાની યાત્રા સ્થગિત કરવી પડી છે.  

આ અંગે અમદાવાદના જાણીતા ટુર ઓપરેટરોએ જણાવ્યું હતું કે અમે સતત ગુજરાતના પ્રવાસીઓના સંપર્કમાં જ છીએ. મોટા ભાગના લોકોને વૈષ્ણોદેવીનો પ્રવાસ કેન્સલ કરવો પડ્યો છે. જે લોકો અત્યારે બનિહાલ કે રામબનમાં ફસાયા છે તેમને નજીકના સ્થળોએ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 

આ પરિસ્થિતિને કારણે હવાઈ યાત્રા વધુ મોંઘી થઈ ગઈ છે. શ્રીનગરથી રિયાસી થઈને કાઝિગુન્ડ જતો મુઘલ રોડ અન્ય એક વિકલ્પ છે પરંતુ આ રોડ હજુ ખુલ્લો કરવામાં આવ્યો નથી. આ રોડ પર પણ આર્મીની મુવમેન્ટ ઉપરાંત મોટા વાહનોની મુવમેન્ટ ચાલશે જેના કારણે ટ્રાફિક ધીમો રહેશે. આ પરિસ્થિતિમાં ઓછામાં ઓછા દસ દિવસ સુધી આ રોડ બંધ રહેશે એવી શક્યતાઓ છે.    

Tags :