'ભાજપની સિસ્ટમમાં લેવાતા 2% સિવાય કોઇને પૈસા આપ્યા તો ચામડી ફેંદી નાંખીશ...' MLAએ ખોલી પોલ
- જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલે જાહેરમાં ભાજપની પોલ ખોલી
નવસારી,તા.14 માર્ચ 2024,મંગળવાર
અમારા ભાજપની સીસ્ટમમાં આવતું છે, 2 ટકા પેલામાં લેતા છે ને? આ જાહેરમાં કહું છું, તે સિવાય જો કોઈને એક પૈસો પણ આપ્યો છે, તો તું અને હું સામે છે. આ વાક્યો જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલે વિજલપોરના ડોલી તળાવનાં ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉચ્ચારતા ફરી વિવાદ સાથે ચર્ચાનો મુદ્દો બન્યો હતો.
કોન્ટ્રાક્ટરને ઉદ્દેશીને કહ્યું કે, જો કોઇ તમારી પાસે ટકાવારી માંગે તો મને ફોન લગાવજો, આ રૂપિયા લોકોને આપવા માટે મંજૂર કરાવ્યા નથી
વિજલપોર વિસ્તારમાં આવેલા ડોલી તળાવના બ્યુટીફીકેશન સહિતના કામોનો ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલે જાહેર મંચ પરથી પાલિકાના અધિકારી અને કામના કોન્ટ્રાક્ટરને ઉદ્દેશીને કહ્યું હતું કે, મારે કામ એકદમ અપ ટુ ડેટ જોઈએ, તેમાં કોઈ કચાશ દેખાવી જોઈએ નહીં. જો કામ અંગે કોઈ ફરિયાદ આવશે તો તમારી ચામડી ફેડી નાંખીશ. આ કામ માટે ભારે જહેમત કરીને સરકારમાંથી રૂ.4 કરોડ મંજૂર કરાવ્યા છે. નવસારીવાળા તો મંજૂર કરવા દેતા ન હતા. જો કોઈ તમારી પાસે ટકાવારી માંગશે તો મને ફોન લગાવજો આ રૂપિયા લોકોને આપવા માટે મંજૂર કરાવ્યા નથી. તળાવના કામમાં વેઠ નહીં ઉતારતા.
વધુમાં કહ્યું હતું કે, અમારા ભાજપની સીસ્ટમમાં આવતું છે, 2 ટકા પેલામાં લેતા છે. તે સિવાય કોઈને પણ એક પણ પૈસો આપ્યો છે તો તું અને હું સામે છે. એવો જાહેરમાં ખુલાસો કર્યો હતો. આર.સી.પટેલ કોઈની પણ શેહશરમ રાખ્યા વિના જે સાચું હોય તે બેધડક બોલતા હોવાની તેમની ઈમેજ રહી છે. તેમની આ દબંગ સ્ટાઈલ પસંદ કરવાવાળો મોટો સમૂહ છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની હાલત માં મને કોઠીમાંથી બહાર કાઢ જેવી થઈ છે. અત્યાર સુધી ભાજપ દ્વારા દરેક સરકારી કામો હોય કે બિન સરકારી કામો હોય તેના માટે સંબંધિત કોન્ટ્રાક્ટર, બિલ્ડર, મટીરીયલ્સ પુરવઠો કરનાર કંપનીઓ પાસેથી પાર્ટીફંડ તરીકે ટકાવારી પ્રમાણે રકમ વસુલ કરતી હોવાની ચર્ચાઓ થતી હતી. તેને આજે ખુદ ધારાસભ્યએ વાચા આપી ભાજપની સીસ્ટમમાં 2 ટકા રકમ લેવામાં આવતી હોવાનો જાહેર મંચ પરથી ખુલાસો કર્યો હતો. તે સિવાય પણ જે તે વિભાગના ચેરમેન, સભ્યો, અધિકારીઓ પણ કોન્ટ્રાક્ટરો પાસે ટકાવારી વસુલ કરે છે. નહીંતર બીલ પાસ થતા નથી. આમ સરકારી ગ્રાંટની રકમ ભાગ બટાઈમાં વહેંચનાર કોન્ટ્રાક્ટર કામોમાં વેઠ ઉતારે છે, આ હકીકત છે. આ દૂષણ ગ્રામ પંચાયતથી લઈને નગરપાલિકા તેમજ તાલુકા-જિલ્લા પંચાયત સહિત તમામ મોટા પ્રોજેક્ટમાં છે. કહેવાતો વિકાસ આ ભ્રષ્ટાચારના પાપે, નબળો માયકાંગલો થાય છે. આર.સી.પટેલે ભાજપની સીસ્ટમમાં લેવાતા 2 ટકા સિવાય અન્ય કોઈને પણ એક પૈસો નહીં આપવાની ચીમકી આપી હતી. આમ તેમણે પણ ભાજપના 2 ટકા સામે કોઈ વાંધો ઉઠાવ્યો નહતો અને નાના અધિકારી, કોન્ટ્રાક્ટર, કોર્પોરેટરોને દબાવ્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. લોકસભા ચૂંટણીની જાહેરાતના ગણતરીના દિવસો અગાઉ ભાજપના છ વખતથી ચૂંટાતા ધારાસભ્ય દ્વારા ખુદ ભાજપની ટકાવારીની સીસ્ટમનો જાહેર ખુલાસો કરતા ચૂંટણીમાં ભાજપના પાર્ટીફંડ અને ટકાવારી ચર્ચાનો મુદ્દો બનશે એ ચોક્કસ વાત છે.