જગન્નાથનો જયઘોષ, ભક્તો ભાવવિભોર

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
જગન્નાથનો જયઘોષ, ભક્તો ભાવવિભોર 1 - image


- નગરજનોએ નાથને નયનભરી નિરખ્યા ઃ ૧૪૭મી રથયાત્રા હર્ષોલ્લાસ સાથે સંપન્ન

- વહાલાના વધામણા

- ૧૨,૬૦૦ પોલીસ સહિત ૨૩,૬૦૦ જવાનો દ્વારા સલામતી બંદોબસ્ત

- ૩૦ હજાર કિલો મગ, ૫૦૦ કિલો જાંબુ, ૫૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી-દાડમ, બે લાખ ઉપેર્ણાનું  પ્રસાદમાં વિતરણ

અમદાવાદ: જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરેથી અષાઢી બીજે નીકળતી ભગવાન જગન્નાથજી, ભાઇ બલરામ, બહેન સુભદ્રાની રથયાત્રા આસ્થા-ઉલ્લાસપૂર્વકના માહોલમાં રંગેચંગે સંપન્ન થઇ છે. સવારે ૭ ઃ ૧૦ વાગે ભગવાન જગન્નાથ, ભાઇ બળદેવજી અને બહેન સુભદ્રાજીની નગરચર્યાનો પ્રારંભ થયો હતો અને રાત્રે ૯-૨૦ કલાકે એટલે કે એક કલાકના વિલંબ બાદ ત્રણેય રથ મંદિરમાં પરત ફર્યા હતા.  ભવ્યતા...આસ્થા-ઉલ્લાસનું ઘોડાપુર...હકડેકઠ મેદની છતાં સ્વંયભૂ શિસ્ત...ચારેકોર બસ 'જય રણછોડ, માખણચોર'નો નાદ...અમદાવાદમાં યોજાયેલી ભગવાન જગન્નાથની ૧૪૭મી રથયાત્રાને વર્ણવવાનો આ પ્રયાસ માત્ર છે. કેમકે, જગતના નાથની રથયાત્રાની ભવ્યતાને શબ્દો દ્વારા વર્ણવવી તે  ગાગરમાં સાગર ભરવા જેવું કપરું કામ છે. 

દર વર્ષે નગરજનોને દર્શન આપવા માટે ભગવાન જગન્નાથ ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળતા હોય છે. અમદાવાદીઓ માટે રથયાત્રાનું પર્વ અત્યંત વિશિષ્ટ છે અને દિવાળી-ઉત્તરાયણ જેમ તેની પણ આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે. રથયાત્રા નિર્વિધ્ને સંપન્ન થાય તેના માટે મંદિર સંચાલકો-પોલીસ તંત્ર લગભગ બે મહિનાથી તડામાર તૈયારી કરતા હોય છે. 

રવિવારે વહેલી પરોઢથી જ સાયકલસવાર હોય કે પછી મોંઘીદાટ કારમાં જઇ રહેલી વ્યક્તિ એ દરેક જમાલપુર ખાતે આવેલા પ્રસિદ્ધ જગન્નાથ મંદિર તરફ જ જાણે પહોંચી રહી હતી. ભક્તોના હૃદયમાં એકમાત્ર તાલાવેલી ભગવાન જગન્નાથના દર્શન કરવાની હતી અને જેના માટે તેમણે ઉંઘ પૂરી કરવાની પરવા કરી નહોતી. સવારે ચાર વાગતાં જ જેવા નીજ મંદિરના દ્વાર ખોલ્યા એ સાથે જ 'જય રણછોડ'ના નાદથી મંદિર પરિસર ગૂંજી ઉઠયું હતું. સવારે ૪ ઃ૦૫ના  મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ  ઉપસ્થિત રહ્યા હતા. મંગળા આરતી બાદ ભગવાનને પ્રિય એવો ખીચડી-કોળા-ગવારફળીનું શાક-દહીંનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.

વર્ષમાં માત્ર એકવાર ભગવાનને ધરાવવામાં આવતા આ પ્રસાદને લેવા માટે ભક્તોની લાંબી લાઇન લાગી ગઇ હતી. ભગવાનને ભોગ ધરાવવામાં આવી રહ્યો હતો ત્યારે તેમને અત્યંત પ્રિય એવા આદિવાસી નૃત્ય-રાસગરબાથી માહોલ વધુને વધુ જામવા લાગ્યો હતો.  આસ્થા અને ઉલ્લાસના માહોલ વચ્ચે ભગવાનના આંખોમાંથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવી. જેના થોડા જ સમયમાં આખરે એ ઘડી આવી જ પહોંચી જેની મંદિરમાં ઉપસ્થિત દરેક ભક્ત આતુરતાપૂર્વક વાટ જોઇ રહ્યો હતો.

આ ઘડી હતી ભગવાનને રથમાં બિરાજમાન કરવાની. ભગવાન જગન્નાથજી રથમાં બિરાજમાન થયા એ સાથે જ સમગ્ર માહોલ 'મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે...', 'બોલો મેરે ભૈયા ક્રિષ્ણ કનૈયા', 'જય રણછોડ'ના નાદથી ગૂંજી ઉઠયો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા  પહિંદ વિધિ કરવામાં આવી હતી.૭-૦૫ના ટકોરે ભગવાનનની નગરચર્યાનો પ્રારંભ થયો હતો. એ વખતે અનેક રથયાત્રા જોઇ ચૂકેલી કેટલીક વૃદ્ધ આંખો પોતાના આંસુ રોકી શકી નહોતી તો કેટલાક બાળકો તેમના વડીલોના ખભા પર બેસીને ભગવાનની ઝલક મેળવવા માટે અધીરા બન્યા હતા. 

આજે વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને ગરમી પણ છેલ્લા કેટલાક દિવસ કરતાં વધારે હતી. પરંતુ ઉકળાટ-ગરમી પણ શ્રદ્ધાળુઓ અને ખલાસીઓને ડગાવી શક્યા નહોતા.  આ રથયાત્રામાં ભક્તોને ૩૦ હજાર કિલોગ્રામ મગ, ૫૦૦ કિલોગ્રામ જાંબુ, ૩૦૦ કિલોગ્રામ કેરી, ૪૦૦ કિલોગ્રામ કાકડી-દાડમ, ૨ લાખ ઉપેણા પ્રસાદમાં આપવામાં આવ્યો હતો. દેશભરમાંથી બે હજારથી વધુ સાધુ-સંતો રથયાત્રામાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા. 


Google NewsGoogle News