Get The App

જેડ બ્લુના માલિક જિતેન્દ્ર ચૌહાણના પુત્ર સંભવને બીજી સ્ત્રી સાથેના સંબંધથી પુત્ર જન્મ્યો

Updated: Jan 25th, 2025


Google NewsGoogle News
જેડ બ્લુના માલિક જિતેન્દ્ર ચૌહાણના પુત્ર સંભવને બીજી સ્ત્રી સાથેના સંબંધથી પુત્ર જન્મ્યો 1 - image


JadeBlue Controversy : અમદાવાદની રેડીમેડ ગારમેન્ટના ક્ષેત્રની કંપની જેડ બ્લ્યુના પ્રમોટર જિતેન્દ્ર ચૌહાણના પુત્ર સંભવ જિતેન્દ્ર ચૌહાણને પત્ની શીતલ સાથે વિવાદ થતાં પિયર ચાલી ગયેલી શીતલે ડાયવોર્સ પિટીશન ફાઈલ કર્યા બાદ ડાયવોર્સ પિટિશનનો ચૂકાદો ન આવ્યો હોવા છતાંય સંભવ જિતેન્દ્ર ચૌહાણ 10મી ફેબ્રુઆરી 2024ના દિને પુત્રનો પિતા બન્યો હોવાનું બર્થ સર્ટિફિકેટ કોર્ટમાં રજૂ કરીને ન્યાય માટે ધા નાખી છે.

શીતલના કાઉન્સિલે એવી દલીલ કરી છે કે સંભવ અન્ય સ્ત્રી સાથે રહે છે. તેનું નામ ધ્રુમા મહેતા છે. ધ્રુમા મહેતા સાથેના સંભવના કથિત સંબંધ થકી તે એક સંતાનનો પિતા બન્યો છે, શીતલે તેના સાસરામાં માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ કર્યો છે. શીતલનું કહેવું છે કે સાસરિયા મારા દેખાવ, મારા વજન અને ચામડીના રંગના સંદર્ભમાં મને મહેણાંટોણાં મારતા રહેતા હતા. પરિવારના પ્રસંગોમાં પણ મને ઉપસ્થિત રહેવા દેવામાં આવતી નહોતી. તેમ જ સગા-સંબંધી અને મિત્રોને મારી સાથે વાતચીત ન કરવા જણાવવામાં આવતું હતું.

શીતલ સંભવ ચૌહાણે બેંગલુરુ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં તેના સસરા જિતેન્દ્ર ચૌહાણ, સાસુ વેણુ ચૌહાણ અને પતિ સંભવ ચૌહાણને આરોપી તરીકે દર્શાવ્યા છે. સંભવ ને શીતલના લગ્ન 2019માં બેન્ગ્લોરમાં થયા હતા. શીતલે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની કલમ 12 હેઠળ પોતાની રક્ષા કરવાની માગણી કરતો અન્ય એક કેસ પણ ફાઈલ કર્યો છે. શીતલે પતિ સંભવ અને તેના પરિવાર સામે ત્રાસ  આપવાનો અને ક્રૂરતા દાખવવાનો આરોપ મૂક્યો તે પછી કર્ણાટક હાઈકોર્ટે જેડ બ્લ્યુના પ્રમોટરના પરિવારને રાહત આપવાની ધરાર ના પાડી દીધી છે.

જિતેન્દ્ર ચૌહાણ અને વેણુ ચૌહાણ તેમના પુત્ર સંભવને ધ્રુમા મહેતા સાથેના સંબંધો વધારવા માટે સતત પ્રેરતાં રહેતા હતા. સંભવ દારૂ પીને જાહેરમાં મારી હાંસી કરતો હતો. આ સાથે જ શીતલે તેનું સ્ત્રી ધન એટલે કે દાગીના અને દહેજમાં આપેલી અન્ય વસ્તુઓ પરત આપવાની પણ માગણી કરી છે. આ વસ્તુઓનું મૂલ્ય કરોડોમાં જતુ હોવાનો શીતલનો દાવો છે.

જિતેન્દ્ર અને વેણુ ચૌહાણે કર્ણાટક હાઈકોર્ટમાં તેમની સામે પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી પિટીશન પાછી ખેંચી લેવાની માગણી કરતી અરજીના જવાબમાં ન્યાયમૂર્તિ એમ. નાગાપ્રસન્નાએ જણાવ્યું હતું કે આ કેસમાં દર્શાવવામાં આવેલી વિગતો પરથી સ્પષ્ટ નિર્દેશ મળી રહ્યો છે કે શીતલ પાસેથી દહેજની માગણી કરવામાં આવી હતી. આ માગણી પૂરી ન થતાં તેને પીડા આપવામાં આવી હતી. મારઝૂડ કરવામાં આવતી હતી અને હાંસી  ઉડાડવામાં આવતી હતી.

કર્ણાટક હાઈકોર્ટના જજ એમ.નાગાપ્રસન્નાએ આપેલા ચૂકાદામાં  જિતેન્દ્ર ચૌહાણની પુત્રી શિવંકરી સિંઘીએ કરેલી પિટીશનને આંશિક સ્વીકારી છે. શિવંકરી સામેના આક્ષેપોને નકારી કાઢ્યા છે. દરેક સામેના ઇન્ડિયન પીનલ કોડની કલમ 498એ, 506 અને 34 હેઠળના ગુનાઓ રદ કરી દીધા છે. જોકે ડાવરી એક્ટ હેઠળ સંભવના પિતા અને શીતલના સસરા જિતેન્દ્ર ચૌહાણ અને સાસુ વેણુ ચૌહાણ સામેના આક્ષેપો માન્ય રાખ્યા છે. કોર્ટના આ અવલોકન ક્રિમનલ પ્રોસિજર કોડની કલમ 482 હેઠળ ગણતરીમાં લેવા માટે જ કરવામાં આવેલા છે. આ કેસમાં તપાસ કરી રહેલી સંસ્થા માટે તે બંધનકર્તા ગણાશે નહિ.

જેડ બ્લુના માલિકે દહેજમાં 2 કરોડ માંગ્યા, 1 કરોડ ચેકથી આપ્યા

- અમદાવાદની ક્રાઉન પ્લાઝા હોટેલમાં સગાઈની વિધિ વખતે વેણુ ચૌહાણે ભેટસોગાદ તરીકે આપવા માટે તૈયાર કરી આપેલા સોનાના દાગીનાની યાદી મુજબ 40 લાખના દાગીના ગિફ્ટમાં આપ્યા હતા.

- સગાઈ પછી સંભવ ચૌહાણ અને તેના માતા પિતાએ રૂ. 2 કરોડ દહેજ પેટે માગ્યા હતા. તેમાંથી રૂ. 1 કરોડ એચડીએફસી બેન્કના ચેક નંબર 000911થી સાતમી જુલાઈ 2019 રોજ ટ્રાન્સફર કર્યા હતા. ચેકથી કરેલા પેમેન્ટ ઉપરાંત નણંદ અને સાસુના દાગીના ખરીદવા માટે રૂ. 25 લાખ રોકડા માગ્યા હતા.

- બેંગલુરુમાં હોટેલ શેરેટોન ગ્રાન્ડમાં લગ્ન કર્યા ત્યારે બીજા રૂ. 47,37,820ના દાગીના તેમને આપવામાં આવ્યા હતા. તેમાં 20 ગ્રામની સોનાની 15 ચેઈન, આઠ ગ્રામ વજનના સોનાના આઠ કોઈન, 20 ગ્રામનો એક સોનાનો સિક્કો, 70 ગ્રામ વજનની સોનાની બંગડી ઉપરાંત કપડાં, કૂર્તાના ડાયમંડના બટન, ચાંદીનું મોટું બાઉલ, રાધાકૃષ્ણનો ચાંદીનો ઝૂલો અને 3 લાખના મૂલ્યની બીજી ચાંદીની વસ્તુઓ આપી હતી. સો સો ગ્રામ વજનની ચાંદીની 50 લગડી આપવામાં આવી હતી.

- લગ્નટાણે મારા પિતાએ મને રૂ.80.50 લાખના દાગીના ચઢાવ્યા હતા. તેમ જ લગ્ન માટે રૂ. 30 લાખનો ખર્ચ કર્યો હતો. મારા લગ્ન થયાના ત્રીજા જ દિવસે મારી સાસુએ તમામ દાગીના લઈ લીધા હતા.

- ઘરમાં નોકર ચાકર હોવા છતાં મારી પાસે વાસણ ધોવા સહિતના તમામ કામ કરાવવામાં આવતા હતા, તેમ જ મને ઘરના બધાં જમી લે તે પછી એકલા જમવાનું કહેવામાં આવતું હતું. મારો પતિ દારૂ પીને જાહેરમાં મને ઉતારી પાડતો હતો અને મારા દેખાવ અંગે ભૂંડી કોમેન્ટ કરતો હતો. મને ઘરમાં ગુલામની જેમ રાખતા હતા. એકવાર બેંગલુરુની જે.વી. મેરિયોટ હોટલમાં મારા મિત્રોની હાજરીમાં મને ઉતારી પાડી હતી. મારી બહેનના સાસરિયાની હાજરીમાં પણ મને ઉતારી પાડી મારી હાંસી ઉડાવી હતી.

- પરિવારના તમામ સભ્ય સાથે લંડનના પ્રવાસે મને લઈ ગયા ત્યારે લંડનમાં રહેતા મારા સગાંઓ મારફતે 10,000 પાઉન્ડ મેળવી આપવા દબાણ કર્યું હતું. પરંતુ તે ન કરતાં મારું ઘોર અપમાન કરીને મને ગાળો ભાંડવામાં અને હેરાન કરવામાં આવી હતી.

- ડિસેમ્બર 2019માં મારી નણંદના લગ્ન થયા ત્યારે પણ મોતીના નેકલેસ સહિત હીરાના દાગીના મળીને રૂ. 13.50 લાખના દાગીના માગીને લીધા હતા. આ દાગીના આપ્યા છતાં મારા સસરા જિતેન્દ્ર ચૌહાણને સંતોષ થયો નહોતો અને તેઓ મારી અને મારા પિતાના પરિવારની હાંસી કરતાં રહેતા હતા.

-  ઓગસ્ટ 2022માં વેણુ ચૌહાણ-મારી સાસુએ મારા પિતા પાસેથી રૂ.50 લાખની ફિક્સ્ડ ડિપોઝિટ લઈ આવવાની માગણી કરી હતી. ડિપોઝિટ ન લાવી આપતા મને પિયર ચાલ્યા જવા જણાવવામાં આવતું હતું. ઓક્ટોબર 2021માં મારા સાસુ સસરાએ જ તેમના પુત્ર અને મારા પતિ સંભવને અન્ય સ્ત્રી ધ્રુમા મહેતા સાથે ઘનિષ્ટતા વધારવા પ્રેર્યો હતો અને મને મારા પિયર મોકલી દેવામાં આવી હતી. ધ્રુમા મહેતા આજે તેના સંતાનની માતા બની ચૂકી છે.


Google NewsGoogle News