શાહીબાગ પોસ્ટ ઓફિસ સામે ફ્લેટમાંથી ડબ્બા ટ્રેડિંગ પકડાયું ઃ સંચાલક પિતા પુત્ર ફરાર
લેપટોપ, કમ્પ્યુટર સહિત કુલ ૮૬ લાખનો મુદ્દામાલ કબજે
સ્કાયગ્રીંસ એપાર્ટમેન્ટમાં ગોરખધંધો ચલતો હતો
અમદાવાદ,મંગળવાર
શાહીબાગમાં પોસ્ટ ઓફિસ સામે સ્કાયગ્રીંસ એપાર્ટમેન્ટમાં ચાલતાં ડબ્બા ટ્રેડીંગ પર પીસબીની ટીમે દરોડા પાડીને શેર બાજારના ગેરકાયદે સોદાનો પર્દાફાસ કર્યો છે. ડબ્બા ટ્રેડીંગ કરતા એક શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. ડબ્બો ટ્રડિંગના સંચાલક પિતા -પુત્ર ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે દસ લોકો સામે ગુનો નોંધીને સ્થળ ઉપરથી લેપટોપ, કમ્પ્યુટર સહિત કુલ ૮૬ લાખનો મુદ્દામાલ કબજે કરીને આરોપીના સાથીદારોની શોધખોળ હાથ ધરી છે.
લેપટોપ, કમ્પ્યુટર, મોબાઇલથી શેરબજાર તથા બુલીયન બજારનું ખોટું ટર્મીનલ ઉભુ કરીને ગેરકાયદે મેટાટ્રેડ તથા સોદા સોફ્ટવેર મારફતે જનરેટ કરીને ટેક્ષની ચોરી કરતા
પીસીબીના હે. કો. ધર્મન્દ્રસિંહે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં શાહીબાગ પોસ્ટ ઓફિસ સામે સ્કાયગ્રીંસ એપાર્ટમેન્ટમાં રહેતા મોતીરામ હરારામ જાટ તથા મકાન માલિક રાજેન્દ્રભાઇ બાબુલાલ કોઠારી અને શાનું રાજેન્દ્રભાઇ કોઠારી સહિત દસ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે પોલીસ કમિશનર કચેરીના પીસીબી ઇન્સ્પેકટ જે.પી.જાડેજાની ટીમને બાતમી મળી હતી કે શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોસ્ટ ઓફીસ પાસેના સ્કાયગ્રીન્સ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં ઘણા સમયથી શેર બજાર પર ડબ્બા ટ્રેડીંગ ચાલી રહ્યું છે. જેને લઇને આજે સવારે પીસીબીની ટીમે ફ્લેટ પર દરોડા પાડતાં ફ્લેટમાંથી ડબ્બા ટ્રેડીંગનું તમામ સેટઅપ મળી આવ્યું હતું અને ગેરકાયદે શેરબજારનું ડબ્બા ટ્રેડીંગ કરતા એક યુવક મોતીરામ હરારામ જાટ(ઉ. વ.૩૯, રહે સ્કાયગ્રીન્સ એપાર્ટમેન્ટ શાહીબાગ, મૂળ રહે. બલોતરા રાજસ્થાન)ને ઝડપી લેવામાં આવ્યો હતો.
પૂછપરછમાં આ ડબ્બા ટ્રેડીંગનું સેટઅપ પિતા- પુત્ર રાજેન્દ્ર ઉર્ફે રાજુ બાબુભાઇ કોઠારી અને શાનુ રાજેન્દ્રભાઇ કોઠારીએ ગોઠવ્યું હતું, પોલીસે ફ્લેટમાંથી એક કોમ્પ્યુટર, એક લેપટોપ, ૩ મોબાઇલ, ઇન્ટરનેટ રાઉટર, કેલક્યુલેટર, હીસાબની ડાયરી અને ચોપડા સહિત કુલ રૃા. ૮૬ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મોતીરામના મોબાઇલ ફોનમાં તેણે જુદા જુદા સોદાાના પાડેલા સ્ક્રીન શોટની વિગતો પણ મળી હતી આ ઉપરાંત તેમની પાસે જે શેરબજારના સોદા પાડતા હતા તેવા ગ્રાહકોની વિગતો પણ મળી આવી હતી. જેની તપાસ ચાલી રહી છે.