માધુપુરામાં દાગીના ખરીદ્યા થેલામાં જોયું તો સાત લાખ ગાયબ હતા
પેસેન્જરોના શટલ રિક્ષામાં માલ સામાનની ચોરીના વધતા બનાવો
સુભાષબ્રિજથી રિક્ષામાં મોંઢે દુપટ્ટો બાંધેલી બે મહિલાએ થેલાની ચેન ખોલી રૃપિયા ચોર્યા
અમદાવાદ, શુક્રવાર
અમદાવાદમાં શટલ રિક્ષામાં બહાર ગામથી આવતા પેસેન્જરોના કિમતી માલ સામાનની ચોરીના બનાવો વધી રહ્યા છે. કડીથી મહિલા પરિવારજનો સાથે માધુપુરા ખાતે દાગીનાની ખરીદી કરવા આવી હતી. સુભાષબ્રિજથી રિક્ષામાં બેસીને માધુપુરા સોનીના ત્યાં ગયા હતા.જ્યાં દાગીનાની ખરીદી કરીને થેલામાંથી રૃપિયા કાઢવા જતાં ખબર પડીને ચોરી થઇ હતી. આ બનાવ અંગે માધુપુરા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
લોન પાસ થતા અમદાવાદ દાગીના ખરીદી કરવા પરિવાર સાથે આવ્યા, સુભાષબ્રિજથી રિક્ષામાં મોંઢે દુપટ્ટો બાંધેલી બે મહિલાએ થેલાની ચેન ખોલી રૃપિયા ચોર્યા
મહેસાણા જિલ્લાના કડી ખાતે રહેતા આધેડે માધુપુરા પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક અને બે અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાવી છે કે જેસીબી ઉપર લોન લીધી હતી જેના ફાયનાન્સ પાસેથી સાત લાખ રૃપિયા ઉપાડીને ફરિયાદી તેમની પત્ની અને પુત્રવધુ સાથે અમદાવાદ આવ્યા હતા.
આરટીઓ પાસે બસમાં ઉતરીને સુભાષબ્રિજથી શટલ રિક્ષામાં બેઠા હતા જ્યાં આગળ જતાં રિક્ષા ચાલકે બે મહિલાને બેસાડી હતી જેથી તેઓ રિક્ષા ચાલક પાસે બેઠા હતા. રિક્ષામાં ફરિયાદીની પત્ની થેલો ખોળામાં મુકીને બેઠા હતા અને માધુપુરા માર્કેટમાં સોેનીના ત્યાં ગયા હતા અને દાગીનાની ખરીદી કરીને થેલામાંથી રૃપિયા કાઢવા માટે જતાં થેલામાં મૂકેલા સાત લાખ ન હતા જેથી ખબર પડી કે અજાણી મહિલાઓ થેલાની ચેન ખોલીને ચોરી કરીને જતી રહી હતી.