ગાજયો એવો વરસ્યો નહીં નરોડા,મણિનગરમાં અડધો ઈંચ, અન્ય વિસ્તારમાં હળવો વરસાદ
આકાશ કાળા ડીબાંગ વાદળથી ઘેરાતા જોરદાર વરસાદ પડશે એવી આશા ઠગારી સાબિત થઈ
અમદાવાદ,ગુરુવાર,26 સપ્ટેમ્બર,2024
બુધવારે અમદાવાદમાં બપોરના સમયે આકાશ કાળા ડીબાંગ વાદળથી
ઘેરાતા જોરદાર વરસાદ પડશે એવી આશા ઠગારી સાબિત થઈ હતી.સવારના ૬થી સાંજના ૭ કલાક
સુધીમાં નરોડા અને મણિનગર વિસ્તારમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.અન્ય વિસ્તારમાં
માત્ર હળવો વરસાદ વરસ્યો હતો.સરેરાશ ૫.૭૩ મિલીમીટર વરસાદ થતા મોસમનો ૩૭.૮૭ ઈંચ
વરસાદ થયો હતો.
શહેરમાં બુધવારે ફરી એક વખત અસહય ઉકળાટ બાદ બપોરના ત્રણના
સુમારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરના રાયપુર, દાણાપીઠ ઉપરાંત નારણપુરા, આશ્રમરોડ,
પાલડી,નવરંગપુરા,લાલદરવાજા અને એલિસબ્રિજ સહિતના અન્ય વિસ્તારમાં વરસાદની
શરુઆત થતા ખુબ સારો વરસાદ પડશે એમ લાગતુ હતુ.પરંતુ સાંજે ૭ કલાક સુધીમાં નરોડામાં
૧૮ મિલીમીટર, મણિનગરમાં
૧૭ તથા બોપલ વિસ્તારમાં ૧૩ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો.વાસણા બેરેજનુ લેવલ
૧૩૧ ફૂટ નોંધાયુ હતુ,બેરેજના
ગેટ નંબર-૨૫,૨૬ બે
ફૂટ તથા ગેટ નંબર-૨૮ એક ફૂટ જેટલા ખોલવામા આવ્યા હતા.