અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 લોકોને કારથી કચડનાર તથ્ય પટેલ અને તેના પિતાને કોર્ટમાં રજૂ કરાયા
સરકારી વકીલે પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતાં, આરોપીના વકીલે દલીલ કરી હતી કે, 19 વર્ષના છોકરાને ટોળાએ માર્યો
અમદાવાદઃ શહેરના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કરીને 9 લોકોને કચડી નાંખનાર તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને અમદાવાદ જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. કોર્ટે આરોપીને પુછ્યું હતું કે, કોઈ તકલીફ તો નથી ને? સરકારી વકીલે પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી અને કહ્યું હતું કે, આરોપી પોલીસને સહકાર નથી આપી રહ્યો.સરકારી વકીલે એવી પણ દલીલ કરી હતી કે તપાસ માટે પૂરતો સમય મળ્યો નથી. અકસ્માત કરનાર ગાડીમાં ઉપસ્થિત લોકોની પણ તપાસની જરૂર છે. આ આરોપીના મોબાઈલ ફોનની પણ તપાસ જરૂરી છે. આરોપી પોલીસ તપાસમાં સહકાર નથી આપી રહ્યા. આરોપી મોડી રાતે કઇ રેસ્ટોરાંમાંથી આવ્યો તેની પણ તપાસની જરૂર છે.
સરકારી વકીલે કોર્ટમાં દલીલો કરી
બીજી તરફ સરકારી વકીલે આરોપીના વકીલની સામે દલીલ કરી હતી કે, ગાડીના માલિકે આરોપીને શા માટે ગાડી આપી તે એક સવાલ છે. Gps લોકેશન બતાવે કારની અંદર કોણ બેઠું હતું તે નહીં પણ આરોપી ક્યાં ક્યાં ગયો હતો તે પૂછવું જરૂરી છે. આ આરોપીના મોબાઈલ ફોનની પણ તપાસ જરૂરી છે. આરોપી પોલીસ-તપાસમાં સહકાર નથી આપતો. આરોપીના પિતાએ ઘટના સ્થળના લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપી.બચાવ પક્ષની પક્ષની દલીલ તર્ક હિન છે.
આરોપીના વકિલની દલીલો
આરોપી તથ્ય પટેલના વકીલ નિસાર વૈદ્યે રજૂઆત કરી હતી કે, 19 વર્ષના છોકરાને ઘટનાસ્થળે લોકોના ટોળાએ તેને માર માર્યો હતો.આરોપીના માતા-પિતાને ફોન આવ્યો એટલે તેઓ ઘટના સ્થળે ગયા હતા.પોલીસે ડાયવર્ઝન કે બેરીકેડ મૂક્યા નહીં. આરોપીને લોકોએ માર્યો તેની સામે ગુન્હો ના નોંધાયો. અકસ્માત કરે તેના બંધારણીય હક રદ્દ ન થઈ જાય. તેના પિતા સામે કોઈ વીડિયો નહોતો છતાં આરોપી બનાવ્યા. આરોપી અને તેના પિતા નથી ભાગ્યા. માતા-પિતા બાળકને હોસ્પિટલ લઈ ગયા છૂપાવ્યો નથી. પોલીસે આરોપી અને તેના પિતાને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પ્રજાને સારૂ લગાડવા માટે ત્યાં પિતા અને પુત્રને ઉઠક બેઠક કરાવવામાં આવી હતી. આવી કોઈ સત્તા પોલીસ પાસે નથી.
કોર્ટ પરિસરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
તથ્ય અને તેના પિતાને કોર્ટમાં હાજર કરતા પહેલાં પોલીસને ભારે બંદોબસ્ત ગોઠવી નાંખવામાં આવ્યો હતો. 3 પીઆઈ અને અન્ય પોલીસ કર્મચારીઓને બોડી વોર્ન કેમેરા અને લાઠી સાથે કોર્ટ પરિસરમાં તહેનાત કરવામાં આવ્યા હતાં. પોલીસ કોરિડોર બનાવીને આરોપી તથ્ય પટેલને અમદાવાદ જિલ્લા કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટ પરિસરની આસપાસ લોકોના ટોળા પણ જામી રહ્યાં હોવાથી પોલીસ પણ સતર્ક થઈ ગઈ હતી. પોલીસે તથ્ય સાથે રહેલા તેના મિત્રોના પણ નિવેદન લીધા હતાં.