Tathya Patel Accident કેસમાં FSL રિપોર્ટમાં મોટો ખુલાસો, કાર 142.5 કિ.મીની સ્પીડે હતી
હવે RTO તથા જેગુઆર કારના મિકેનિકલ એન્જિનિયરનો પણ રિપોર્ટ આવશે
તથ્યને આજે રિમાન્ડ પૂર્ણ થતાં જ ફરીવાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે
અમદાવાદઃ શહેરના ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી અકસ્માત કરીને 9 લોકોને કચડનાર આરોપી તથ્ય પટેલની કાર 160ની સ્પીડે હોવાની તે દરમિયાન વાતો થઈ હતી. તેના વકીલે એ સમયે કહ્યું હતું કે, તથ્યની કારની આટલી બધી સ્પીડ નહોતી. પરંતુ ખુદ તથ્યએ લોકો દ્વારા પુછવામાં આવતાં સવાલોના જવાબમાં કબૂલ્યું હતું કે તેની કારની સ્પીડ 120 કિ.મી હતી. આ દરમિયાન FSLના રીપોર્ટમાં તથ્ય અને તેના વકીલે સ્પીડને લઈને આપેલા નિવેદનમાં ધડાકો થયો છે. FSL દ્વારા હાલમાં જે રીપોર્ટ સોંપવામાં આવ્યો છે એમાં એવું કહેવાયું છે કે અકસ્માત થયો ત્યારે તથ્યની જેગુઆર કાર 142.5 કિ.મીની સ્પીડે દોડતી હતી.આ કેસમાં હવે RTO તથા જેગુઆર કારના મિકેનિકલ એન્જિનિયરનો પણ રિપોર્ટ આવશે. તેમાં પણ કાર કેટલી સ્પીડે દોડતી હતી તે નક્કી થશે.
રિમાન્ડ પૂર્ણ થતાં તથ્યને કોર્ટમાં રજૂ કરાશે
આરોપી તથ્યને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તેના પિતા પ્રજ્ઞેશ પટેલને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતાં અને તથ્યના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતાં. આજે તથ્યના રિમાન્ડ સાંજે પુરા થયે તેને ફરીવાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ગંભીર ઘટનામાં આરોપી તથ્ય પોલીસની તપાસમાં સહકાર નથી આપતો. આ કેસમાં પોલીસે અત્યાર સુધી 30થી વધુ લોકોના નિવેદન લીધા છે. પોલીસે તથ્ય અને તેના મિત્રો ક્યાં ગયા કેટલીવાર રોકાયા અને ક્યાં રોડ પર ગયા હતા? તેની તપાસ શરૂ કરી છે. સમગ્ર રોડના સીસીટીવી ફૂટેજ પોલીસે કબ્જે કર્યા છે.
સિંધુભવન રોડ પર થાર અથડાવાના કેસમાં ફરિયાદ નોંધાઈ
માલેતુજાર નબીરા તથ્યએ સિંધુભવન રોડ પર થાર કાર એક રેસ્ટોરાંમાં ઘૂસાડી દીધી હતી અને દિવાલને નુકસાન પહોંચાડ્યું હતું. આ કેસમાં જે તે સમયે સમાધાન થયું હતું. આ થાર ગાડી રેસ્ટોરાંમાં ઘૂસી તેનો વીડિયો પણ સામે આવ્યો છે. હવે આ કેસમાં પોલીસે 20 દિવસ પછી ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જેમાં આ કાર તથ્ય ચલાવતો હતો કે કોઈ અન્ય તેની તપાસ પણ પોલીસ દ્વારા કરાઈ રહી છે.