ધો. 5-8માં ડિટેન્શન પોલિસી હેઠળ RTEના બાળકોને નાપાસ કરતા બે સ્કૂલો વિરુદ્ધ તપાસના આદેશ
Schools Failing RTE Children In Ahmedabad: રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ લેનારા બાળકોમાંથી ધોરણ 5 અને 8ના કેટલાક બાળકોને ડિટેન્શન પોલિસી અંતર્ગત નાપાસ કરવાની ફરિયાદોને થઈ છે. જેને લઈને અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા એજ્યુકેશન ઈન્સપેકટરોને સ્કૂલોમાં તપાસ કરવાનો આદેશ કરાયો છે. જેમાં ખરેખર સ્કૂલે કેટલા બાળકોને નાપાસ કર્યા છે અને નિયમ મુજબ ફેર પરીક્ષા લિધી છે કે નહીં તે સહિતની વિગતોની તપાસ કરાશે.
ઝાયડસ અને ત્રિપદા સ્કૂલમાં તપાસનો આદેશ
અમદાવાદ શહે ડીઈઓ રોહિત ચૌધરી જણાવ્યુ હતું કે, 'વેજલપુરની ઝાયડસ સ્કૂલ તેમજ ઘાટલોડિયાની ત્રિપદા સ્કૂલમાં ધોરણ 5 અને 8ના આરટીઈ હેઠળના કેટલાક બાળકોને નાપાસ કરવાની વાલીઓની ફરિયાદ અરજી આવી હતી. જેને પગલે જે તે બીટના શિક્ષણ નિરિક્ષકોને આ સ્કૂલોમાં રૂબરૂ જઈને તપાસ કરવાનો આદેશ કરાયો છે. જેમાં ધોરણ 5 અને 8ના કેટલા બાળકોને નાપાસ કરવામા આવ્યા છે. તેમજ સ્કૂલે બાળકોની પુનઃપરીક્ષા લીધી છે કે નહીં તેની તપાસ કરવામા આવશે. વાલીઓનો સંપર્ક કરીને વાલીઓની હાજરીમાં બાળકોની ઉત્તરવહીઓની નકલની તપાસ કરવામા આવશે.
આ પણ વાંચો: ચેકડેમમાં નહાવા ગયા હતા વઢવાણના બે યુવકો, ડૂબી જતાં મોતથી ગામમાં સન્નાટો પ્રસર્યો
ઉપરાંત પુનઃપરીક્ષા લીધી હોય તો તેની પણ નકલ વાલીઓને બતાવવા અને એજ્યુકેશન ઈન્સપેકટરોને ફેક્ટ રિપોર્ટ રજૂ કરવા આદેશ કરવામા આવ્યો છે. સરકારના ડિટેન્શન પોલીસીના ઠરાવ મુજબ ધોરમ 8 અને 8માં ઈ ગ્રેડ લાવનારા બાળકોની એટલે કે આવા નાપાસ થતા બાળકોની પુનઃપરીક્ષા લેવાનો નિયમ છે. જો પુનઃપરીક્ષામાં બાળક નાપાસ થાય તો તે આગળના ધોરણમાં પ્રવેશ મેળવી શકતા નથી.