અમદાવાદમાં 11થી 14 જાન્યુઆરી સુધી પતંગોત્સવ, 47 દેશોમાંથી 143 પતંગબાજ ભાગ લેશે
International Kite Festival 2025 : ગુજરાતના અમદાવાદમાં 11થી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વના 47 દેશોમાંથી 143, અન્ય રાજ્યોમાંથી 52 અને ગુજરાતના 11 શહેરોમાંથી 417 પતંગબાજો આ ઉત્સવમાં સામેલ થશે.
12 અને 13ના રોજ અન્ય છ જગ્યાએ ઉત્સવ
11મી જાન્યુઆરીએ સવારે 9 કલાકે વલ્લભસદન પાસે રિવરફ્રન્ટ પર ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. 12મીએ સ્ટેચ્યુ ઑફ યુનિટી, રાજકોટ અને વડોદરા તેમજ 13મીએ સુરત, શિવરાજપુર અને ધોરડોમાં પતંગોત્સવ યોજાશે.
રિવરફ્રન્ટ પાસે ઉદ્ઘાટન પછી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજોની પરેડ, નાઇટ કાઇટ ફલાઇંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પતંગ વર્કશોપ પણ યોજાશે, જ્યારે આ સ્થળે હેન્ડીક્રાફટ્સ અને રિફ્રેશનમેન્ટ સ્ટોલ રાખવામાં આવ્યા છે. આ વખતે ગુજરાતના વિવિધ શહેરોમાંથી 417 પતંગબાજો ભાગ લેવાના છે.
આ પણ વાંચો: ક્રાઈમ થ્રીલર જેવી ઘટના : સવા કરોડનો વીમો પકવવાનું તરકટ, કર્મચારીનો હત્યારો હોટેલ માલિક ઝબ્બે
ગયા વર્ષે જ્યારે પતંગ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો ત્યારે 55 દેશોના 153, 12 રાજ્યોના 68 અને ગુજરાતના 23 શહેરોના 865 પતંગબાજોએ ભાગ લીધો હતો પરંતુ આ વર્ષે સંખ્યામાં ચોંકાવનારો ઘટાડો નોંધાયો છે. ગુજરાતના શહેરોમાંથી લોકો ભાગ લેતાં ઓછા થઈ ગયા છે.