સુરત અને વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નરની આંતરિક બદલી
- શાલિની અગ્રવાલને સુરતના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે
- બંછાનિધિ પાનીને વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે મૂકાયા, ચૂંટણી નજીક આવી રહી હોવાથી સરકારમાં બદલી શરૂ
ગાંધીનગર, તા. 01 ઓક્ટોબર 2022, શનિવાર
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી સરકારે ચૂંટણી પંચની સૂચના પ્રમાણે ધીમે ધીમે બદલીના રાઉન્ડ શરૂ કર્યા છે. શુક્રવારે મોડી રાત્રે રાજ્યના બે મ્યુનિસિપલ કમિશનર બદલાયા છે હવે થોડાં દિવસોમાં સિનિયર આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલીઓ થશે.
ભારતના ચૂંટણી પંચે એવી સૂચના આપી હતી કે, 30મી સપ્ટેમ્બર સુધીમાં ત્રણ વર્ષ કે તેથી વધુ સમય સુધી એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓની બદલીઓ કરવાની રહેશે. જો કે પંચની ડેડલાઇન પૂર્ણ થયા બાદ સરકારે બદલીઓ શરૂ કરી છે. મહત્વની કહી શકાય તેવી જિલ્લા કલેક્ટરો અને જિલ્લા પોલીસ વડાની બદલીઓ પણ થવાની સંભાવના છે.
બદલીના ભાગરૂપે સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાનીને વડોદરા મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે જ્યારે વડોદરામાં ફરજ બજાવતા શાલિની અગ્રવાલને સુરતના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બન્ને અધિકારીઓને એક જ જગ્યાએ ત્રણ વર્ષનો સમય પૂર્ણ થઈ ચૂક્યો હતો.