બીડી પીવાથી હાર્ટએટેક આવે તેમ કહી ક્લેમ નકારી ના શકાય, ગ્રાહક પંચનો વીમા કંપનીને ઝટકો
Insurance Company Not Rejected Claim: બીડી પીવાની ટેવના કારણે વીમાધારકની સારવાર ખર્ચનો ક્લેમ નકારનારી વીમા કંપનીનો અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને ઉધડો લીધો છે. તેમજ કંપનીને વીમાધારકને દાવાની રકમ 8 ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ આપ્યો છે.
અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને એક મહત્ત્વના ચુકાદામાં ઠરાવ્યું હતું કે, બીડી પીવાથી હાર્ટ એટેક આવે તેવુ કારણ દર્શાવી વીમાધારકનો ક્લેમ નકારી શકાય નહીં. કમિશને ફરિયાદી વીમાધારકને વીમાના દાવાના રૂ. રૂ. 145000 આઠ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા નેશનલ ઈન્શ્યોરન્સ કંપની લિ.ને ફરમાન કર્યું હતું.
હાર્ટ અટેક માટે સ્મોકિંગ એકમાત્ર કારણ નહીં
કમિશનના પ્રમુખ કે.ટી.દવે અને મેમ્બર વાય.ટી. મહેતાની બેન્ચે પોતાના ચુકાદામાં મહત્ત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું હતું કે, સ્મોકિંગના કારણે શરીરના જુદા જુદા ભાગો પર અસર થતી હોય છે તેમાં કોઈ શંકા નથી પરંતુ માત્ર સ્મોકિંગ કરવાની આદતથી જ હાર્ટ અટેક આવી શકે તેવું કહી ના શકાય. હજારો લોકોના ઉદાહરણ છે કે, જેઓ ચેઈન સ્મોકર હોય છે છતાં તેમને કોઇ હાર્ટ પ્રોબ્લેમ હોતો નથી અને કયારેક કોઈ વ્યકિત કે જેણે કયારેય સ્મોકીંગ કે દારૂનું સેવન કર્યુ ના હોય તો પણ તે હાર્ટ પ્રોબ્લેમથી પીડિત હોય છે. હૃદય રોગના પ્રોબ્લેમ માટે સ્ટ્રેસ, ખાવાની આદત સહિત અન્ય ઘણા પરિબળો જવાબદાર હોઇ શકે પરંતુ માત્ર સ્મોકીંગ કરવાના કારણે જ હાર્ટ એટેક આવી શકે તેવું કહી ના શકાય. વીમા કંપનીના દ્વારા આ પ્રકારનું કારણ ધરી વીમાધારકનો કલેમ નકારવો એ બિલકુલ અયોગ્ય, ગેરકાયદેસર અને મનસ્વી નિર્ણય છે અને તેથી વિમાધારકે વ્યાજ સાથે તેના વીમાના રૂ.1,45,000ની રકમ મેળવવા હકદાર ઠરે છે.
આ પણ વાંચોઃ રોકાણકારોનું માનસ ખરડાતા નવેમ્બરમાં ડીમેટ ખાતામાં ઉમેરો મંદ પડયો
શું હતો કેસ?
કેસની વિગત મુજબ, જયહિંદ સ્વીટ્સના કારીગર હુકમસિંહ બઘેલે સામાજિક કાર્યકર દર્શન પરીખ મારફતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દાખલ કરી જણાવ્યું હતું કે, ફરિયાદી નેશનલ ઈન્શ્યોરન્સ કંપનીની રૂ.1,45,000 સમ એશ્યોર્ડની મેડિકલેઈમ પોલિસી ધરાવતા હતા. પોલિસી ચાલુ હતી તે દરમ્યાન ફરિયાદીને હૃદય રોગ સંબંધી તકલીફ ઉભી થતાં તેમણે ખાનગી હોસ્પિટલમાં દાખલ થઇ જરૂરી સારવાર લીધી હતી, જેમાં તેમની એન્જીઓગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેનો કુલ ખર્ચ રૂ.2,05,230 થયો હતો. તેથી ફરિયાદીએ પોતાની વીમા પોલિસીના રૂ.1,45,000ના દાવા માટે વીમા કંપનીમાં કલેમ મૂકયો હતો.
જો કે, વીમા કંપનીએ ફરિયાદી બીડી પીવાની ટેવ ધરાવે છે અને તેથી સ્મોકીંગની આદત હૃદયરોગ સંબંધી તકલીફ માટે જવાબદાર હોય છે એમ કહી કલેમ નકાર્યો હતો. ફરિયાદી તરફથી ડોકટરના સર્ટિફિકેટ સાથે પુરાવા રજૂ કરી જણાવાયું કે, તે બીડી પીવાની ટેવ પ્રાસંગિક રીતે જ એટલે કે કયારેક જ ધરાવે છે,
ફરિયાદીએ જણાવ્યું હતું કે, મને આ સેવનની આદત નથી., તેથી વીમા કંપનીનું કારણ અયોગ્ય, ગેરકાયદે અને રદબાતલ થવા પાત્ર ઠરે છે. કમીશને ફરિયાદીની પોલિસી ચાલુ હોવાથી તેમને વીમાની પૂરી રકમ અપવા આદેશ કર્યો હતો.