Get The App

ઇરાન-ઇઝરાયલના યુદ્ધે દિવાળી બગાડી, ડ્રાયફ્રૂટના ભાવમાં 200 રૂ.નો ઉછાળો, પિસ્તાનું તો પૂછો મત!

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
ઇરાન-ઇઝરાયલના યુદ્ધે દિવાળી બગાડી, ડ્રાયફ્રૂટના ભાવમાં 200 રૂ.નો ઉછાળો, પિસ્તાનું તો પૂછો મત! 1 - image


Cashew-almond-pistachio became expensive: ડ્રાયફ્રૂટમાં દિવાળીની કોર્પોરેટ્‌સની ઘરાકી પૂરી થવા આવી છે, પરંતુ રિટેઈલ ઘરાકી હજી જોર પકડતી નથી. આ વર્ષે કાજુના ભાવ ખાસ્સા ઊંચા છે. કિલોએ રૂ.200 જેટલા ઊંચા બોલી રહ્યા છે. કાજુના ભાવ રૂ.1000થી 1400ની રેન્જમાં છે. બદામના ભાવ રૂ. 800થી 1000ની આસપાસના બોલાઈ રહ્યા છે. કિસમિસના ભાવમાં ખાસ કોઈ વધારો જોવાયો નથી. ભારતીય કિસમિસ 250થી 300ની ભાવમાં મળી રહી છે. 

અફઘાનિસ્તાનની કિસમિસ થોડી મોંઘી થઈ છે. પિસ્તાના ભાવ રૂ.1200થી 1400ની રેન્જમાં અથડાઈ રહ્યા છે. જરદાળુના સારી ક્વોલિટીના ભાવ રૂ. 900ની આસપાસના બોલાઈ રહ્યા છે. કોર્પોરેટ ગિફ્ટમાં અંજીર બહુ મૂકાતા નથી. સારી ક્વોલિટીના અંજીરના કિલોદીઠ રૂ. 1600ની આસપાસ બોલાઈ રહ્યા છે.

તેરસ પહેલા બધી ઘરાકી જોવા મળશે. આ ઘરાકી પૂરી થવાને હવે માંડ આઠથી દસ જ દિવસ બચ્યા છે. તે જોતાં આ વખતે ધંધો ઓછો થવાની સંભાવના છે. દિવાળીમાં મોટી ખરીદી થઈ જવાની આશા રાખવામાં આવે છે, પરંતુ હજી સુધી આશા પ્રમાણે બજારમાં લેવાલી જોવા મળતી ન હોવાનું કાળુપુરના ચોખા બજારના વેપારીઓનું કહેવું છે. હવે ડ્રાયફ્રૂટના બોક્સમાં ચોકલેટ્‌સનો ખાસ્સો ઉમેરો થઈ રહ્યો છે. 

ઇરાન-ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે માલ આવવામાં તકલીફ પડી રહી હોવાથી આયાતી માલના ભાવ ઊંચા બોલાઈ રહ્યા છે. આફ્રિકાના દેશમાંથી માલ મોડો આવતો હોવાથી અને યુદ્ધને કારણે તેના ભાવ ઊંચકાયા છે. ડૉલરના ભાવમાં થતી વધઘટને પરિણામે પણ ભાવમાં ઊછાળો આવી જાય છે. કાજુનું લોકલ ઉત્પાદન તો ભારતના કુલ વપરાશના 25 ટકા જ છે. 

આફ્રિકાના અલગ અલગ દેશોમાંથી રૉ નટ્‌સની આયાત થાય છે. હોલસેલમાં આખા કાજુના ભાવ રૂ. 850થી 1600 સુધીના ભાવ છે. અલગ અલગ ગ્રેડના આ ભાવ છે. બેસ્ટ ક્વોલિટી કાજુના રિટેઈલમાં રૂા.1800ની આસપાસના ભાવ બોલાઈ રહ્યા છે. આાયતી કાજુના ભાવની સ્થિતિ આજે આ છે. 

એપ્રિલ-મે 2024માં કાજુના ભાવ બોટમ પર હતા. ત્યારબાદ તેના ભાવ ઊંચકાયા છે. કાજુના વેપાર સાથે સંકળાયેલા હોલસેલર્સનું કહેવું છે કે કાજુના ભાવ આ વરસે ગયા વરસની તુલનાએ કિલોએ રૂ. 200થી 250 ઊંચા છે. કારણ કે રૉ નટ્‌સના ભાવ ઊંચા છે. રૉ નટ્‌સનો ક્રોપ શોર્ટ છે. તેને હિસાબે ભાવ ઊંચા છે. હોલસેલના ભાવની ઉપર કિલોએ રૂા.100થી 150 ચઢાવીને વેચવામાં આવતા હોવાનું જોવા મળે છે.

ભારતમાં કાચા કાજુ મહારાષ્ટ્રના કોકણ બેલ્ટમાં, ગોવામાં, કર્ણાટકમાં, કેરળમાં તામિલનાડુમાં થાય છે. ગુજરાતમાં કાજુનું ઉત્પાદન અન્ય વિસ્તારોની તુલનાએ મામૂલી છે.હવે પછી તાન્ઝાનિયાની કાચા કાજુની સીઝન ચાલુ થઈ રહી છે. તેની સીઝનના કાજુ ભારત આવવા માંડશે. છતાં ભાવ નીચા જવાની શક્યતા ઓછી છે.

દિવાળીમાં બદામ કરતાંય કાજુ મોંઘા 

સામાન્ય રીતે કાજુ કરતાંય બદામના ભાવ ઊંચા રહેતા હોવાનું જોવા મળે છે. પરંતુ આ વખતે ઇરાન-ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને પરિણામે બદામના કિલોદીઠ રૂા.800થી રૂ. 1000ના મહત્તમ ભાવ સામે સારી ક્વોલિટીના કાજુના ભાવ રૂ. 1400થી 1600 કે તેનાથીય ઊંચા બાલાયા છે.

શૉ ઓફ કરનારા 50 થી 500ના પેકિંગના બોક્સની ખરીદી કરતી કંપનીઓ

શૉ ઓફના આ યુગમાં કોર્પોરેટ કંપનીઓ તેમની દિવાળી ગિફ્ટને ભવ્ય દેખાડવા માટે તેના પેકિંગમાં મોટો ખર્ચ કરી રહી છે. ડ્રાયફ્રૂટના ગ્રાન્ડ બોક્સ બનાવવા માટે માત્ર પેકિંગના બોક્સની ખરીદી માટે રૂ. 500 જેટલી ઊંચી કિંમત કોર્પોરેટ્‌સ ચૂકવી રહી હોવાનું માર્કેટના જાણકારોનું કહેવું છે. સામાન્ય રીતે રૂ.500ની આસપાસના ભાવથી પેકિંગના બોક્સ મળે છે. પરંતુ સામાન્ય પેકિંગમાં જ નાના બોક્સ લેવાય છે. મોટા બોક્સથી ઇમેજ મોટી બિલ્ડ અપ કરવા માટે પેકિંગમાં મોટા ખર્ચ કરવામાં આવી રહ્યા હોવાનું જાણકારોનું કહેવું છે.



Google NewsGoogle News