ઇન્ડસ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ ડાયરેક્ટરે વિદેશી યુવતી સાથે છેડતી કરી

બોપલમાં આવેલી ઇન્ડસ યુનિ.ની હોસ્ટેલની ઘટના

ડાયરેક્ટર મુદંગ દવેે છેલ્લા ઘણા સમયથી ભોગ બનનાર અને અન્ય વિદ્યાર્થીઓની હેરાન કરતા હોવાનો આરોપઃ બોપલ પોલીસે શારિરીક છેડછાડ અને ધમકીની ફરિયાદ નોેંધી

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
ઇન્ડસ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ ડાયરેક્ટરે વિદેશી યુવતી સાથે છેડતી કરી 1 - image

અમદાવાદ,રવિવાર

રાંચકડામાં આવેલી ઇન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની બોપલ રેલવે ગરનાળા પાસે આવેલી  નીલકંઠ સોસાયટીમાં હોસ્ટેલ આવેલી છે. જ્યાં રહેતા ઇન્ટનરનેશનલ ડાયરેક્ટર મૃદંગ દવેએ એક વિદેશી યુવતીની છેડતી કરી હોવાની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ ડાયરેક્ટર દ્વારા છેલ્લાં ઘણા સમયથી વિદ્યાર્થીનીઓને પરેશાન કરવામાં આવતી હતી. આ સમગ્ર મામલે બોપલ પોલીસે  તપાસ શરૂ કરી છે.

 આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે દક્ષિણ આફ્રિકાના એક દેશની નાગરિક ૨૧ વર્ષીય યુવતી રાંચરડામાં આવેલી ઇન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. આ યુવતી અને અન્ય વિદેશી વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીએ બોપલ રેલવે ગરનાળા પાસે આવેલી નીલકંઠ સોસાયટીમાં હોસ્ટેલ રાખી છે. આ વિદ્યાર્થીઓની  મદદ માટે  યુનિવર્સિટીએ મુદંગ દવેની ઇન્ટરનેશનલ ડાયરેક્ટર તરીકે નિમણુૂંક કરી હતી.  મુદંગ દવે આ હોસ્ટેલમાં રહેતા હતા. ગત ૧૧મી સપ્ટેમ્બરના રોજ સાંજના સાડા છ વાગે ભોગ બનનાર વિદ્યાર્થીની હોસ્ટેલના ગ્રાઉન્ડ ફ્લોર પર જમવાનું લેવા માટે ગઇ હતી. ત્યારે મુદંગ દવેએ તેને પકડીને છેડતી કરી હતી.  જેથી તે યુવતી ડરીને તેને રૂમ તરફ દોડી ગઇ હતી.  ત્યારે પણ મુદંગ દવે તેની પાછળ  આવીને ફરીથી શારિરીક છેડતી કરી હતી. જો કે યુવતી તેના રૂમમાં જતી રહી હતી. બીજા દિવસે મુદંગ દવેએ યુવતીને સાંજની ઘટના સંદર્ભમાં ધમકી આપી હતી કે જો તે આ વાત કોઇને કહેશે તો  જાનથી મારી નાખશે.  જેથી યુવતી ગભરાઇ ગઇ હતી અને તે પછી પણ મુદંગ દવે તેના પર ગંદી નજર કરતો હતો. આ બાબતે યુવતીએ તેના ભાઇને  ફોન કરીને જાણ કર્યા બાદ સમગ્ર બાબતે બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે ઇન્ટરનેશનલ ડાયરેક્ટર મુદંગ દવેએ અન્ય એક યુવતીની છેડતીનો પ્રયાસ કર્યો હતો.  આ અંગે  બોપલ પોલીસે  છેડતી અને ધમકી આપ્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 


Google NewsGoogle News