ગાંધીનગરની ઇન્ડસ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ ડાયરેક્ટરની ધરપકડ, વિદેશી યુવતીની છેડતીનો આક્ષેપ
Indus University Gandhinagar News : ગાંધીનગરના કલોલ તાલુકાના રાંચરડા ગામમાં આવેલી ઇન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદેશી વિદ્યાર્થિનીઓની બોપલ રેલવે ગરનાળા પાસેની નીલકંઠ સોસાયટીમાં હોસ્ટેલ આવેલી છે. અહીં રહેતા યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ ડાયરેક્ટર મૃદંગ દવેએ એક વિદેશી યુવતીની છેડતી કરી હોવાની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. આ દિશામાં તપાસ હાથ ધરીને પોલીસે મૃદંગ દવેની ધરપકડ કરી લીધી છે. તેમની વિરુદ્ધ ફરિયાદ કરનારી યુવતીનો આક્ષેપ છે કે યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ ડાયરેક્ટર દ્વારા છેલ્લાં ઘણાં સમયથી વિદ્યાર્થિનીઓને પરેશાન કરાતી હતી.
આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે, દક્ષિણ આફ્રિકાના એક દેશની નાગરિક 21 વર્ષીય યુવતી રાંચરડામાં આવેલી ઇન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. આ યુવતી અને અન્ય વિદેશી વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીએ બોપલ રેલવે ગરનાળા પાસે આવેલી નીલકંઠ સોસાયટીમાં હોસ્ટેલ રાખી છે.
આ વિદ્યાર્થિઓની મદદ માટે યુનિવર્સિટીએ મૃદંગ દવેની ઇન્ટરનેશનલ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરી હતી. મૃદંગ દવે પણ આ જ હોસ્ટેલમાં રહેતા હતા. ગત 11મી સપ્ટેમ્બરના રોજ સાંજના સાડા છ વાગે ભોગ બનનારી વિદ્યાર્થિની હોસ્ટેલના ગ્રાઉન્ડ ફ્લોર પર ભોજન લેવા ગઇ હતી. ત્યારે મૃદંગ દવેએ તેને પકડી લઈને છેડતી કરી હતી. જેથી તે યુવતી ડરીને તેને રૂમ તરફ દોડી ગઇ હતી. ત્યારે પણ મૃદંગ દવે તેની પાછળ આવીને ફરીથી શારીરિક અડપલાં કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે યુવતી રૂમમાં ભાગી જવામાં સફળ રહી હતી.
આ દરમિયાન મૃદંગ દવેએ યુવતીને ધમકી આપી હતી કે, જો તે આ વાત કોઇને કહેશે તો જાનથી મારી નાખશે. જેથી યુવતી ગભરાઇ ગઇ હતી અને તે પછી પણ મૃદંગ દવે તેના પર ગંદી નજર રાખતો હતો. આ બાબતે યુવતીએ તેના ભાઇને ફોન કરીને જાણ કર્યા બાદ સમગ્ર બાબતે બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, ઇન્ટરનેશનલ ડાયરેક્ટર મૃદંગ દવેએ અન્ય એક યુવતીની છેડતીનો પણ પ્રયાસ કર્યો હતો.
આ અંગે બોપલ પોલીસે છેડતી અને ધમકી આપ્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.