ખાનગી કોલેજમાં MBBS ભણવું સપનું બની જશે! કરોડપતિ વાલીઓને જ પોષાય તેવો તોતિંગ ફી વધારો
Increase In Fees Of Medical Colleges: સરકારે આ વર્ષે જીએમઈઆરએસ મેડિકલ કોલેજોમાં ધરખમ વધારો કર્યા બાદ વિરોધને પગલે ઘટાડો તો કર્યો હતો. પરંતુ બીજી બાજુ ખાનગી મેડિકલ કોલેજોમાં ધરખમ ફી વધારો ઝીંક્યો છે. સરકાર દ્વારા દર વર્ષે મેડિકલની-એમબીબીએસની બેઠકોમાં વધારાની અને કોલેજો વધારવાની જાહેરાત કરીને વાહવાહી લેવામા આવે છે. પરંતુ વાલીઓની ફરિયાદ છે કે સરકારે મેડિકલ કોલેજો-બેઠકો તો વધારી છે પરંતુ સાથે ફી પણ વધારી છે. હવે તો સરકારે એમબીબીએસમાં એટલી બધી ફી કરી દીધી છે વાલીએ સંતાનને એમબીબીએસ કરાવવા માટે એક કરોડ રૂપિયા ખર્ચી નાખવા પડે છે.
મેનેજમેન્ટ ક્વોટામાં 4.60 લાખ રૂપિયા સુધીનો ફી વધારો
એમબીબીએસની 19 મેડિકલ કોલેજોની વર્ષ 2024-25ના વર્ષ માટે જાહેર કરાયેલી નવી ફી મુજબ ગવર્મેન્ટ ક્વોટામાં 2 લાખથી વધુનો અને મેનેજમેન્ટ ક્વોટામાં 4.60 લાખ સુધીનો ફી વધારો કરવામા આવ્યો છે. જ્યારે અમદાવાદની મ્યુનિસિપિલ કોર્પોરેશન સંસાચિલત એલ.જી મેડિકલ કોલેજ(નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ)માં મેનેજમેન્ટ ક્વોટામાં ફી સૌથી વધુ 23 લાખ રૂપિયા પહોંચી ગઈ છે.
આ પણ વાંચો: 17 હોદ્દેદારોના સામૂહિક રાજીનામાં, ભાજપ શાસિત ન.પા.માં જૂથવાદ સપાટીએ, મહિલા પ્રમુખ સામે રોષ
ગુજરાતમાં હાલ 39 મેડિકલ કોલેજો આવેલી છે. જેમાં છ સંપૂર્ણ સરકારી મેડિકલ કોલેજો છે અને જેની 24 હજાર રૂપિયા વાર્ષિક છે. જ્યારે 13 જીએમઈઆરએસ મેડિકલ કોલેજો છે અને બાકીની તમામ સંપૂર્ણ રીતે ખાનગી મેડિકલ કોલેજ છે. જો કે આ કોલેજોમાં પણ ત્રણ મેડિકલ કોલેજો કોર્પોરેશન સંચાલિત છે .જેમાં અમદાવાદની બે કોલેજ એલ.જી અને એનએચએલનો અને સુરતની સ્મીમેર મેડિકલ કોલેજોને સમાવેશ થાય છે.
19 ખાનગી મેડિકલ કોલેજની નવી ફી જાહેર કરાઈ
સરકારની મેડિકલ માટેની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા જીએમઈઆરએસ અને સરકારી કોલેજોની બાદ કરતા બાકીની 16 ખાનગી મેડિકલ કોલેજોની નવી ફી જાહેર કરાઈ છે. છેલ્લે 2020-21માં ફી કમિટી દ્વારા નવી ફી નક્કી કરાઈ હતી. આમ ત્રણ વર્ષ માટેનું માળખુ નક્કી થાય છે. પરંતુ 2022-23માં ત્રણ વર્ષ પુરા થયા બાદ પણ 2023-24માં લોકસભાની ચૂંટણીને લઈને ફી વધારો ન કરીને નવી ફી નક્કી કરાઈ ન હતી અને અગાઉની ફી જ ચાલુ રાખવામા આવી હતી. પરંતુ ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને 4 વર્ષ થઈ ગયા હોવાથી ફી કમિટી દ્વારા 19 કોલેજની નવી ફી જાહેર કરી દેવાઈ છે. જો કે, વર્ષ 2017-18 સામે 2020-21માં જેટલો ફી વધારો કરાયો હતો તેના કરતા ઘણો ફી વધારો વર્ષ 2024-25માં કરવામા આવ્યો છે.
ફી કમિટી દ્વારા આજે મેડિકલની 19 કોલેજો ઉપરાંત યુજી ડેન્ટલ, યુજી આયુર્વેદ અને યુજી હોમિયોપેથી તથા પીજી ડેન્ટલ,પીજી આયુર્વેદ,પીજી હોમિયોપેથીની પણ ખાનગી કોલેજોની નવી ફી જાહેર કરી દેવામા આવી છે. માત્ર એમબીબીએસ માટે જ 2024-25ના એક વર્ષ માટે નવી ફી જાહેર થઈ છે. બાકીના તમામ કોર્સમાં ત્રણ વર્ષ 2024-24, 2025-26 અને 2026-27 એમ ત્રણ વર્ષ માટે નવી ફી જાહેર થઈ છે.
એમબીબીએસ માટે જાહેર કરાયેલા ફી માળખામાં ગવર્મેન્ટ ક્વોટામાં પારૂલ મેડિકલ કોલેજની સૌથી વધુ 10 લાખ રૂપિયા વાર્ષિક ફી છે. જ્યારે સૌથી ઓછી એનએચએલ કોલેજની 7.41 લાખ રૂપિયા છે. મેનેજમેન્ટ ક્વોટામાં અમદાવાદની એલ.જી. મેડિકલ કોલેજની સૌથી વધુ 23 લાખ રૂપિયા વાર્ષિક ફી છે અને સૌથી ઓછી 16.24 લાખ રૂપિયા બનાસ મેડિકલ કોલેજની છે. ખાનગી મેડિકલ કોલેજોની એમબીબીએસની ફીમાં સરેરાશ 10 ટકાથી લઈને 25 ટકા સુધીનો વાર્ષિક વધારો કરવામા આવ્યો છે.
સરકારે બેઠકો વધારી પણ સાથે ફી પણ વધારી
ખાનગી કોલેજોની નવી જાહેરા કરાયેલી ફીમાં સરકારી ક્વોટામાં વાર્ષિક ફી સરેરાશ 8થી 10 લાખ રૂપિયા છે એટલે કે પાંચ વર્ષના 50 લાખથી વધુ ખર્ચવા પડે અને મેનેજમેન્ટ ક્વોટામાં વર્ષની ફી સરેરાશ ફી 18થી 20 લાખ રૂપિયા છે. આમ એક કરોડ રૂપિયા ખર્ચી નાખવા પડે અને જ્યારે સરકારની કોર્પોરેશન સંચાલિત કે જ્યાં ઓપીડી સેવા સરકારી ધોરણે ચાલે છે અને કોર્પોરેશનની ગ્રાન્ટ મળે છે. પરંતુ તેમ છતાં આ આ કોલેજની જ કે જેનું નામ વડાપ્રધાનના નામ પરથી જ છે તેની મેનેજમેન્ટ ક્વોટાની હાઈએસ્ટ ફી વાર્ષિક 23 લાખ રૂપિયા છે. આમ 5 વર્ષે એક કરોડ રૂપિયાથી પણ વધારે વાલીએ ખર્ચવા પડે.