ગાંધીનગરમાં 27 જેટલા સ્થળે આવકવેરા વિભાગના દરોડા, બિલ્ડર ગ્રૂપ પર તવાઈ
હાલ અધિકારીઓ બિલ્ડર જૂથની ઓફિસો અને નિવાસ્થાને સર્ચ ઓપરેશન કરી રહ્યા છે
Income Tax Raids on Builder Group in Gandhinagar : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બિલ્ડર ગ્રૂપ પર આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. એકસાથે 27 જેટલા સ્થળે આવકવેરા વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પીએસવાય ગ્રૂપ પર દરોડા પાડવામાં આવ્યા છે. હાલ આવકવેરા વિભાગના અધિકારીઓ ઓફિસો અને નિવાસ્થાને તપાસ કરી રહ્યા છે.
આવકવેરા વિભાગના દરોડાથી અનેક જૂથોમાં ફફડાટ
ગુજરાતમાં અગાઉ પણ અનેક બિલ્ડરો પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે ત્યારે આજે ગાંધીનગરમાં પીએસવાય બિલ્ડર ગ્રૂપ પર મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારથી જ આ દરોડાની કાર્યવાહી શરુ કરાઈ હતી. ગાંધીનગરના સેક્ટર 8 અને સેક્ટર 21 સહિતના 27 જેટલા સ્થળોએ આવકવેરા વિભાગના દરોડા પડતા બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં પીએસવાય સૌથી મોટું બિલ્ડર ગ્રૂપ છે જેના પર આવકવેરા વિભાગે કાર્યવાહી કરી છે.
હાલ આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે
મળતી માહિતી મુજબ બંકિમ જોશી, નિલય દેસાઈ અને વિક્રાંત પુરોહિતની ઓફિસો અને નિવાસ્થાને દરોડા પાડવામાં આવ્યા છે જે પીએસવાય ગ્રૂપના બિલ્ડર છે. હાલ આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને ઓફિસો અને નિવાસ્થાને તપાસ કરી રહ્યા છે. આ સર્ચ ઓપરેશનમાં 100 કરતા પણ વધારે અધિકારીઓ જોડાયા છે. તપાસમાં મોટાપાયે બેનામી વ્યવહાર મળે તેવી શક્યતા છે.
અગાઉ વડોદરામાં દરોડા પાડવામાં આવ્યા હતા
અગાઉ વડોદરાના આજવા સયાજીપુરા પાસે જોય બાઈક ના બ્રાન્ડ નેમથી ઈ બાઈકનું ઉત્પાદન કરતી વોર્ડ વિઝાર્ડ કંપની ખાતે અને ભાઈલી સ્થિત દર્શનમ સ્પ્લેન્ડોરા ખાતે રહેતા કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર યતીન ગુપ્તે સહિત અન્ય ડિરેક્ટરોને ત્યાં આવકવેરા વિભાગની અલગ અલગ ટીમોએ દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.