પાટણના ચાની લારીવાળાને આવકવેરા વિભાગે મોકલી 49 કરોડની નોટિસ, સત્ય જાણીને ચોંકી જશો
Gujarat : ગુજરાતમાં આશ્ચર્ય પમાડે તેવી એક ઘટના સામે આવી છે. જેમાં આવકવેરા વિભાગે પાટણ શહેરના નવા ગંજ વિસ્તારમાં ચાની લારી ચલાવતા યુવાનને 49 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે. આ સમગ્ર મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. તેમજ પાટણ પોલીસે બે વ્યક્તિ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.
અગાઉ બે નોટિસ પણ પાઠવવામાં આવી હતી
તમને આ વાત જાણીને કદાચ આશ્ચર્ય થયું હશે, પણ પાટણ શહેરના નવા ગંજ બજારમાં બનાસકાંઠાના ખેમરાજ દવે કે જેઓ ચાની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને આવકવેરા વિભાગે 49 કરોડ રૂપિયાની નોટિસ મોકલી છે. વાત એવી છે કે આવકવેરા વિભાગે ચા વેચનાર ખેમરાજ દવેના ખાતામાં 34 કરોડ રૂપિયાના ગેરકાયદેસર વ્યવહારોને લઈને નોટિસ મોકલી છે. આ પહેલા પણ દવેને બે નોટિસ પાઠવવામાં આવી હતી, પરંતુ અંગ્રેજી ભાષા ન આવડતી હોવાના કારણે તેણે તેની અવગણના કરી હતી. ઓગસ્ટ 2023માં જ્યારે નોટિસ ત્રીજી વખત આવી ત્યારે તે નોટિસને લઈને વકીલ સુરેશ જોશી પાસે ગયા અને સમગ્ર મામલો જાણ્યો હતો.
ટેક્સ દંડ અંગેની નોટિસ હોવાનું વકીલે જણાવ્યું હતું
જોશીએ દવેને જણાવ્યું હતું કે કે આ નોટિસ નાણાકીય વર્ષ 2014-15 અને 2015-16 દરમિયાન ગેરકાયદેસર વ્યવહારો માટે તેમના પર લગાવવામાં આવેલા ટેક્સ દંડ અંગેની છે. જો કે તેના ખાતામાં આવો કોઈ વ્યવહાર ન હોવાથી તે પાટણમાં ઈન્કમટેક્સ અધિકારીને મળ્યો અને તેને આખી વાત કહી હતી. ત્યારબાદ આઈટી વિભાગના ઓફિસરે દવેને કહ્યું કે અન્ય કોઈએ તેના (દવે) નામે ખાતું ખોલાવ્યું હતું અને તેનો ઉપયોગ કર્યો હતો.
પાન કાર્ડ કઢાવવા ડોક્યુમેન્ટ આપ્યા હતા
આજથી 10 વર્ષ અગાઉ ખેમરાજ દવેએ પાન કાર્ડ કઢાવવા માટે અલ્પેશ પટેલ અને વિપુલ પટેલને પોતાની સહી વાળા આધારકાર્ડ, ચુંટણીકાર્ડ તેમજ આઠ ફોટો આપ્યા હતા. ગંજબજારમાં પેઢી ચલાવતા આ બંન્ને ભાઈઓએ લારીવાળાના ડોક્યુમેન્ટનો દૂર ઉપયોગ કર્યો હતો અને અલગ-અલગ બેન્કમાં ખાતા ખોલીને કરોડો રૂપિયાના ગેરકાદેસર અને બેનામી વ્યવહાર કર્યા હતા. પાટણ સીટી બી ડીવીઝન પોલીસે આરોપીઓ સામે વિશ્વાસભંગ, છેતરપિંડી, બનાવટી ડોક્યુમેન્ટ અસલી તરીકે રજૂ કરવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. મળતી માહિતી મુજબ, બંન્ને ભાઈઓની પૂછપરછ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેમની ધરપકડ કરવામાં આવી નથી.