Get The App

પૂર્વ મુખ્યમંત્રીના સ્વજનોની માલિકીની શુક્રા ફાર્માના શંકાસ્પદ આર્થિક વહેવાર પકડાયા

અમદાવાદની ટીમને બાજુએ મૂકી મુંબઈની આવકવેરાની ટીમ ત્રાટકી

દરોડામાં આવરી લીધેલા શુક્રા ફાર્માના ડિરેક્ટર્સમાં દક્ષેશ શાહ, પાયલ સુજય મહેતા, ધ્રુવ શાહ, સંસ્કૃતિ જયેશ પટેલનો સમાવેશ

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
પૂર્વ મુખ્યમંત્રીના સ્વજનોની માલિકીની શુક્રા ફાર્માના શંકાસ્પદ આર્થિક વહેવાર પકડાયા 1 - image


Shukra Pharmaceuticals : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના નિકટના સ્વજનોની માલિકીની ફાર્મા કંપની શુક્રા ફાર્મા પર મુંબઈની આવકવેરા કચેરીની ટીમના અધિકારીઓએ પાડેલા દરોડામાં કંપનીના મોટે પાયે શંકાસ્પદ વહેવારો મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. દરોડાની ઝપટમાં આવેલી કંપનીના બોર્ડમાં પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના વર્તમાન ગવર્નર આનંદીબહેન પટેલની દોહિત્રી સંસ્કૃતિ જયેશ પટેલ પણ હોવાથી સમગ્ર ગુજરાતમાં આવકવેરાના આ દરોડાનો કેસ ભારે ચર્ચા જગાવી રહ્યો છે. સંસ્કૃતિ જયેશ પટેલ આનંદીબહેનની પુત્રી અનાર પટેલની પુત્રી છે. 

દરોડામાં આવરી લીધેલા શુક્રા ફાર્માના ડિરેક્ટર્સમાં દક્ષેશ શાહ, પાયલ સુજય મહેતા, ધ્રુવ શાહ, સંસ્કૃતિ જયેશ પટેલનો સમાવેશ 

દરોડા હેઠળ આવરી લેવામાં આવેલા નવ ડિરેક્ટર્સમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કોર્પોરેટર અને કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, સુજય મહેતા અને તેમના પત્ની પાયલ સુજય મહેતાનો સમાવેશ થાય છે. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર દક્ષેશ રમેશચંદ્ર શાહના પ્રહલાદનગર ખાતેના નિવાસ પર પાડેલા દરોડામાં ઘણું વાંધાજનક સાહિત્ય મળી આવ્યું છે. ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર મેહૂલ હર્ષદ પટેલ, અર્પિત જિતેન્દ્ર શાહ, ભૂમિ નિલેશ પટેલ, સંસ્કૃતિ જયેશ પટેલ, સોનલ દીપલભાઈ ગાંધી, સરજીવન સિંહનો સમાવેશ થાય છે. શુક્રા ફાર્માના ડિરેક્ટર્સના રહેઠાણો, કંપનીની ઑફિસો અને સરકારી કોન્ટ્રાક્ટર્સના એકમો પર મળીને 15થી 18 સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં 100થી વધુ અધિકારીઓની મદદ લેવામાં આવી છે. 

દરોડાની અસર : શુક્રા ફાર્માના શેર્સમાં ગાબડું

શુક્રા ફાર્મા પર દરોડા પાડનારી ટીમના અધિકારીઓને  વાંધાજનક દસ્તાવેજી પુરાવાઓ હાથ લાગ્યા છે. મની લોન્ડરિંગ પણ મોટે પાયે ચાલતું હોવાનું જાણવા મળી રહ્યું છે. પરિણામે તેમની ઓફિસોમાંથી કોમ્પ્યુટર ડેટા ધરાવતી ઘણી બધી હાર્ડડિસ્ક જપ્ત કરવામાં આવી છે. તેમ જ દરેકના મોબાઈલ પણ ચકાસણી માટે કબજે લીધા છે. મોબાઈલનો ડેટા પણ એક્સપર્ટ્સની ટીમના માધ્યમથી કવર કરી લેવામાં આવશે. શુક્રા ફાર્માના ટર્નઓવરમાં એકાએક આવેલી વૃદ્ધિને કારણે પણ તેના આર્થિક વહેવારો શંકાસ્પદ હોવાનું પણ આવકવેરા અધિકારીઓની તપાસમાં બહાર આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે 2022-23ના નાણાંકીય વર્ષને અંતે કંપનીનું ટર્નઓવર રૂ. 46 કરોડનું હતું. તેની સામે જૂન 2023માં પૂરા થયેલા ત્રણ મહિનાના ગાળામાં ટર્નઓવર એકાએક રૂ. 20 કરોડને આંબી ગયું છે. પરિણામે કંપનીના આર્થિક વહેવારો શંકાસ્પદ હોવાનું જણાઈ રહ્યું છે. ફાર્મા કંપનીઓના પ્રમોટરોનો રાજકીય ઘરોબો હોવાથી જ અમદાવાદના આવકવેરાની ટીમને બદલે મુંબઈના આવકવેરા અધિકારીઓની ટીમને દરોડા માટે ઉતારવામાં આવી હોવાનું માનવામાં આવે છે. અમદાવાદની આવકવેરાની ટીમના અધિકારીઓ ફૂટી જવાની અને દરોડાની માહિતી લીક થઈ જવાની આશંકા હોવાથી જ મુંબઈની ટીમને દરોડા પાડવા માટે સક્રિય કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.  જોકે આ દરોડાની માહિતી બહુ જ ગુપ્ત રાખવામાં આવી હોવા છતાંય માહિતી બહાર આવી જતાં તેના શેરના ભાવમાં આજે બે રૂપિયાનું ગાબડું પડી ગયું હતું. દરોડાની અસર હેઠળ શુક્રા ફાર્માના શેર્સમાં ગાબડું પડયું હોવાનું માનવામાં આવે છે. આજે તેનો શેર રૂ.101.85ના ભાવે બંધ આવ્યો હતો. 

કોન્ટ્રાક્ટર કંપની અંકિતા કન્સ્ટ્રક્શન પર પણ દરોડા

ફાર્મા કંપની ઉપરાંત સરકારી હાઉસિંગ પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટ લેનાર પૂર્વ અમદાવાદની કોન્ટ્રાક્ટર કંપની અંકિતા કન્સ્ટ્રક્શન પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. અંકિતા કન્સ્ટ્રક્શન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અને ગુજરાત સરકારના હાઉસિંગના પ્રોજેક્ટ્સના કામકાજ કરે છે. અંકિતા કન્સ્ટ્રક્શનના પ્રમોટરોમાં અરવિન્દ આણદાણી છે. અરવિન્દ આણદાણીની ઓફિસે દરોડા પડયા ત્યારે તેઓ હાજર નહોતા, પરંતુ તેમને બોલાવીને ઓફિસે લઈ જવાયા હતા. હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં સરકારી કોન્ટ્રાક્ટમાં સુજય મહેતાની નકારાત્મક ભૂમિકા હોવાના કેટલાક પુરાવાઓ પણ આ દરોડા દરમિયાન હાથ લાગ્યા છે. તેમના વહેવારોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. આ સિવાય પણ અન્ય એક કન્સ્ટ્રક્શન ગ્રુપને દરોડામાં આવરી લેવામાં આવ્યું છે. આ ગ્રુપનું નામ હિલટાઉન હોવાનું અને યુવાનો જ તેના પ્રમોટર હોવાની પણ ચર્ચા છે.

આવકવેરાના દરોડાના ધ્યાનાકર્ષક પાસાઓ

  • ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની પૌત્રીના ઘર પર દરોડા પડતા સમગ્ર કેસ ચર્ચાની એરણે
  • 15થી 20 સ્થળોએ મુંબઈની આવકવેરા અધિકારીઓની ટીમ ત્રાટકી
  • શુક્રા ફાર્માસ્યૂટિકલ્સના શંકાસ્પદ આર્થિક વહેવારોની માહિતી દરોડા પાડનારા અધિકારીઓના ધ્યાનમાં આવી
  • અમ્યુકોના પૂર્વ કોર્પોરેટર અને સ્કૂલ બોર્ડના વર્તમાન ચેરમેન સુજય મહેતાના ગરબડિયા વહેવારો પકડાયા
  • ભાજપના બે જૂથો વચ્ચેની આંતરિક ખેંચતાણ પણ દરોડાના મૂળમાં હોવાની શક્યતા

Google NewsGoogle News