વડોદરામાં સવારથી અવિરત વરસાદ: નીચાણવાળા વિસ્તારો-ગરનાળામાં પાણી ભરાયા, જનજીવન ઠપ
Vadodara Rain Update : વડોદરા શહેર અને જિલ્લામાં ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ બાદ આજે સવારથી સતત વરસાદ ચાલુ રહ્યો છે. સવારના સાત વાગ્યાથી શરૂ થયેલો વરસાદ 11 વાગ્યા સુધી પણ અવિરત ચાલુ રહેતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સવારથી પડેલા વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે, વડોદરા શહેરમાં ત્રણ કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે.
આ પણ વાંચો : ગુજરાતમાં 24 કલાકમાં 206 તાલુકામાં મેઘમહેર, સિઝનનો કુલ 48.62% વરસાદ, આજે પણ આગાહી
માત્ર બે ઇંચ વરસાદમાં જ સ્ટેશનનું ગરનાળું ભરાઈ ગયું
વડોદરા શહેરમાં ભારે વરસાદના કારણે શહેરના ચાર દરવાજા વિસ્તાર તેમજ અન્ય વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે. માત્ર બે કે ત્રણ ઇંચ વરસાદમાં પણ સ્ટેશનનું ગરનાળું ભરાઈ જતા વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે. શહેરને પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારને જોડતું આ ગરનાળું બંધ થવાથી અનેક વાહનચાલકો અટવાઈ ગયા હતા.