ગુજરાતના ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓ બનશે મજબૂત, 21 નવી કોર્ટ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત
Inauguration Of Various Projects At Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટ ખાતે રાજ્યના ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓને વધુ મજબૂત કરતા નવી 21 કોર્ટ સહિત 133 કરોડ રૂપિયાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે, 'આજે સોલા ખાતે સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસિલિટી સાથેનું ગુજરાત હાઇકોર્ટનું અદ્યતન ભવન કાર્યરત છે. ન્યાયાલયો, તેની સાથે સંકળાયેલી નવી ઈમારતો કે મકાનો બાંધવા સહિત ન્યાયાધીશો અને કોર્ટ સ્ટાફને અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારનો હંમેશાં પ્રયાસ રહ્યો છે.'
સુશાસન અને લોકતંત્રમાં ગુડ ગવર્નન્સની જરૂરિયાત વિશે જણાવતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 'કોઈ પણ દેશ કે રાજ્યના વિકાસમાં અને ગુડ ગવર્નન્સમાં કાયદો વ્યવસ્થા અને ન્યાયપ્રણાલીનું મહત્ત્વનું યોગદાન હોય છે. ન્યાયતંત્ર, વહીવટી તંત્ર અને ધારાસભા એ લોકશાહીના અને સુશાસનના આધારસ્તંભ છે. આ ત્રણેય વચ્ચેનું યોગ્ય સંકલન સુશાસન અને લોકતંત્રને ગતિમાન રાખે છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 'લોકોને સુશાસનનો પ્રત્યક્ષ અનુભવ થાય તે માટે ઝડપી ન્યાય પ્રાપ્ત થાય એ અતિ આવશ્યક છે. આ માટે રાજ્ય સરકાર ન્યાયતંત્ર અને હાઇકોર્ટની જરૂરિયાત અનુસારના સંસાધનો ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે. આ માટે કાયદા વિભાગના બજેટમાં રાજ્ય સરકારે નાણાકીય ફાળવણી કરી છે. વર્ષ 2021-22માં આ ફાળવણી 1698 કરોડ રૂપિયા હતી, જે 2024-25માં 2586 કરોડ રૂપિયા કરવામાં આવી છે. જે ન્યાયતંત્રની કાર્યક્ષમતા વધારવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ડિજિટલાઈઝેશન અને સુદૃઢ માનવબળ ઉપલબ્ધ કરાવવાનું રાજ્ય સરકારનું કમિટમેન્ટ દર્શાવે છે.'