Get The App

ચેક રિટર્નના કેસ માટે અમદાવાદમાં પહેલીવાર રિમોટ એજ્યુડીકેશન કોર્ટ શરુ, પેન્ડિંગ કેસોનો ઝડપી નિકાલ લાવશે

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
Remote Adjudication court


Online Court For Cheque Bounce-Return Cases: સ્ટેટવાઇડ એક્સેસ ટુ રિમોટ એડજ્યુડીકેશન સિસ્ટમ(સારસ) પ્રોજેકટના ભાગરૂપે ગુજરાતના ન્યાયતંત્રમાં સૌપ્રથમવાર લાલ દરવાજા અપના બજાર બહુમાળી બિલ્ડીંગ ખાતે ચેક રિટર્નના કેસોની વધારાની પાંચ નવી ઓનલાઇન કોર્ટ શરુ કરવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન તાજેતરમાં સુપ્રીમકોર્ટના જસ્ટિસ સૂર્યકાંત દ્વારા વર્ચ્યુઅલી રીતે ગુજરાત હાઈકોર્ટ ખાતેથી કરવામાં આવ્યું હતું. આ પાંચ નવી ઓનલાઈન કોર્ટ (રિમોટ એડજ્યુડીકેશન કોર્ટો) શરુ થતાં હવે દેશના કોઈપણ ખૂણેથી ચેક રિટર્નના કેસનું ઓનલાઇન ફાઇલિંગ થઈ શકશે અને કોઈપણ જગ્યાએથી વકીલ કે પક્ષકારો તેમના કેસો વર્ચ્યુઅલી ચલાવી શકશે.

ચેક રિટર્નના કેસોની આ નવી ઓનલાઇન કોર્ટમાં ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ, અમદાવાદ શહેર દ્વારા સંબંધિત કેસો ટ્રાન્સફર કરવામાં આવશે અને આ કોર્ટમાં નવનિયુક્ત જજોએ ઓનલાઇન અને વર્ચ્યુઅલી કેસોની સુનાવણી હાથ ધરવાની રહેશે. ચેક રિટર્નના આ ઓનલાઇન કેસો અને રિમોટ એડજ્યુડીકેશન કોર્ટ માટે અમદાવાદના બે જજ ઉપરાંત, આણંદ, ગીર સોમનાથ અને નર્મદા જિલ્લાના ન્યાયાધીશોને કાર્યભાર પણ સોંપી દેવાયો છે. બૅંકિંગ અને નોન બૅંકિંગ ફાઇનાન્સ કંપનીઓ અને નાણાંકીય સંસ્થાઓના કેસો હવે ઓનલાઇન કોર્ટમાં ચાલશે. વકીલોએ પણ ઇ-ફાઇલિંગ કરી વર્ચ્યુઅલી જ કેસો ચલાવવાના રહેશે.

આ અંગે ગુજરાત બાર કાઉન્સિલની ફાઇનાન્સ કમિટીના ચેરમેન અનિલ સી. કેલ્લાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ન્યાયતંત્રના ઇતિહાસમાં સૌપ્રથમવાર ચેક રિટર્નના કેસોની સુનાવણી અને નિકાલ માટે લાલ દરવાજા, અપનાબજાર બહુમાળી બિલ્ડીંગના છઠ્ઠા માળે આ નવી પાંચ ઓનલાઇન કોર્ટ (રિમોટ એડજ્યુડીકેશન કોર્ટ) શરુ કરવામાં આવી છે. ખાસ કરીને ચેક રિટર્નના કેસોનું ભારણ ઘટાડવા અને પડતર કેસોના ઝડપી અને અસરકારક નિકાલના ઉમદા આશયથી આ નિર્ણય લેવાયો છે, જે બહુ મહત્ત્વનો સાબિત થશે.

આ પણ વાંચોઃ મસ્જિદોમાં મંદિર શોધવાનું બંધ કરો નહીંતર...' કદાવર નેતાની ખુલ્લી ધમકી, ભાજપને પણ લપેટ્યો

તેમણે ઉમેર્યું કે, ચેક રિટર્નના કેસોના નિકાલ માટે કુલ 12 કોર્ટ આવેલી છે, જે તમામ અપના બજાર, બહુમાળી બિલ્ડીંગમાં જ કાર્યરત છે. આ સાથે આજથી નવી પાંચ ઓનલાઇન કોર્ટ ઉમેરાતાં હવે ચેક રિટર્નના કેસોની કુલ 17 કોર્ટ ધમધમતી થઈ છે. આ નવી કોર્ટમાં કેસોનું પેપરલેસ ફાઇલિંગ થશે અને વકીલોએ પણ ઈ-ફાઇલિંગ કરવાનું રહેશે. ચેક રિટર્નના કેસોની સુનાવણી પણ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વર્ચ્યુઅલી અને ઓનલાઇન જ હાથ ધરાશે. ટેકનિકલ ખામી કે અન્ય જરૂરી કિસ્સામાં ફિઝિકલી સુનાવણી પણ શકય બનશે.

ચેક રિટર્નના અધધ કુલ 3.22 લાખથી વધુ કેસો પડતર

ગુજરાત રાજ્યમાં અમદાવાદ સહિત રાજ્યની જુદી જુદી ચેક રિટર્નના કેસોની કોર્ટમાં લાખો કેસો પેન્ડિંગ બોલાઈ રહ્યા છે, જેમાં એકલા અમદાવાદમાં જ 3.22 લાખથી વધુ કેસો ચેક રિટર્નના ઘણા સમયથી પડતર છે. નોંધનીય વાત એ છે કે, રાજ્યુ માં ચેક રિટર્નના જે કુલ પડતર કેસો છે, તેમાં એકલા અમદાવાદમાં જ આશરે 60 ટકા કેસો પડતર છે. દિન-પ્રતિદિન બૅંકિંગ અને નોન બૅંકિંગ ફાઇનાન્સ કંપનીઓ, નાણાંકીય સંસ્થાઓ સહિતના ચેક રિટર્નના કેસો અને ફાઇલિંગ પણ વધતા જતાં પડતર કેસોના ઝડપી અને અસરકારક નિકાલમાં મદદ મળી રહે તેવા આશયથી જ આ નવી પાંચ રિમોટ એજ્યુડીકેશન કોર્ટ(ઓનલાઇન કોર્ટ) શરુ કરવામાં આવી છે.

ચેક રિટર્નના કેસ માટે અમદાવાદમાં પહેલીવાર રિમોટ એજ્યુડીકેશન કોર્ટ શરુ, પેન્ડિંગ કેસોનો ઝડપી નિકાલ લાવશે 2 - image


Google NewsGoogle News