આજે મળનારી મ્યુનિ.બોર્ડ બેઠકમાં કમિટિઓના ચેરમેન-ડેપ્યુટી ચેરમેન,સભ્યોની નિમણૂંક કરાશે
રીપીટ નથી થવાના એ તમામે તેમની ચેમ્બર ખાલી કરી રામ-રામ કર્યા
અમદાવાદ,ગુરુવાર,23 નવેમ્બર,2023
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે મળનારી બોર્ડ બેઠકમાં
તેર જેટલી વિવિધ કમિટિ,એ.એમ.ટી.એસ.ના
ચેરમેન-ડેપ્યુટી ચેરમેન અને સભ્યોની
નિમણૂંક કરવામાં આવશે.આ અગાઉ જે ચેરમેન-ડેપ્યુટી ચેરમેન રીપીટ થવાના જ નથી
એ તમામે દાણાપીઠ ખાતે આવેલી તેમની ચેમ્બર ખાલી કરી રામ-રામ કરી દીધા હતા.
મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ,ટાઉન પ્લાનિંગ
ઉપરાંત વોટર સપ્લાય તથા રેવન્યુ કમિટિ સહિતની તેર જેટલી વિવિધ કમિટિઓના ચેરમેન,ડેપ્યુટી ચેરમેન
સાથે કમિટિના સભ્યોની આજે મળનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં નિમણૂંક
કર્યા અંગેની જાહેરાત કરવામાં આવશે.મ્યુનિ. કમિટિઓની રચના અગાઉ પક્ષ હાઈકમાન્ડે
નોરીપીટ થીયરીનો અમલ કરી વિવિધ કમિટિઓના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણૂંક
કરવાનુ મન બનાવ્યુ હોવાની વાત છેલ્લા અઢી વર્ષથી કમિટિઓના ચેરમેન કે ડેપ્યુટી
ચેરમેન રહેલા કોર્પોરેટરોએ મંગળવારથી જ તેમને ફાળવવામાં આવેલી ચેમ્બર ખાલી કરવાની
શરુઆત કરી દીધી હતી.બાકીના કોર્પોરેટરોએ ગુરુવારે તેમની ચેમ્બર ખાલી કરીને રામ-રામ
કર્યા હતા.અઢી વર્ષથી ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન પદ ભોગવતા આવેલા પૈકી કેટલાકે
કહયુ,પક્ષના
નિર્ણયને સર્વોપરી માની હવે બાકીનો સમય વોર્ડમાં વિકાસ કામો ઝડપથી પુરા થાય એ
દિશામાં કામ કરીશુ.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે કહયુ,વિપક્ષના કોર્પોરેટરોને સત્તાધારી પક્ષ પ્રોરેટા મુજબ
કમિટિઓમાં સ્થાન નહીં આપે તો વિપક્ષ વિરોધ કરશે.
બપોરે એજન્ડા બેઠકમાં નવા ચહેરાઓને જાણ કરી દેવાશે
મ્યુનિ.બોર્ડ બેઠક અગાઉ બપોરે ત્રણ કલાકે મ્યુનિ.ભાજપ
કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ ઉપરાંત મ્યુનિ.પ્રભારીની અધ્યક્ષતામાં ભાજપના ૧૫૯
કોર્પોરેટરોની એજન્ડા બેઠક મળશે.આ બેઠકમાં તેર કમિટિઓના ચેરમેન-ડેપ્યુટી ચેરમેન
તરીકે જે નવા ચહેરાઓની પસંદગી પક્ષ તરફથી કરાઈ હશે એ તમામને જાણ કરી દેવામાં
આવશે.બાદમાં બોર્ડ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી મેયર દ્વારા એજન્ડા ઉપર મુકવામાં આવેલ
કામ મુજબ નામોની સત્તાવાર જાહેરાત કરાશે.